Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતના તમામ સાધન-અનુષ્ઠાનમાં શ્રમ છે,વિશ્રામ એક માત્ર ભજનમાં છે.

ભજન અનુષ્ઠાન નથી,સાધન નથી,ભજન મારગ નહીં મંઝીલ છે,છેલ્લો પડાવ છે.

સાધનો શ્રમદાયી છે,ભજન વિશ્રામદાયી છે.

“સાડા છ દાયકાથી સતત ગાઉં છું,હજી સ્હેજે થાક નથી લાગ્યો,કારણ કે મારા માટે કથા-ભજન સાધન નહિ,સાધ્ય છે”

બેરખો સાધુ પુરુષનું ઘરેણું છે.

તમિલનાડુનાં તંજાવુર ખાતેની રામકથાનાં પાંચમા દિવસે શરૂઆત કરતા કહ્યું કે તમે ત્રણ કલાક સુધી વૈદિક,પૌરાણિક કે ગાયત્રી મંત્ર,માનસની ચોપાઈઓ બોલીને,હનુમાન ચાલીસાને સ્વાહા કરીને કોઈપણ પ્રકારનો યજ્ઞ કરો,સતત બેસીને આનંદ આવશે જ છતાં પણ થાક તો લાગશે જ!કારણ કે શરીરની સીમા છે.શ્રમ થાય છે.ક્ષમતા હોય અને દરવાજા પાસે બેસીને રોજ અડધો કલાક દાન આપો છતાં પણ એમાં પણ આનંદ છતાં શ્રમ લાગશે.ઉપનિષદનો સ્વાધ્યાય કરો,શ્રમ લાગશે,સતત મૌન રહેવાથી પણ ક્યારેક મૌન વ્રત તોડવા માટે પણ શ્રમ લાગશે. જગતના તમામ સાધન-અનુષ્ઠાનમાં શ્રમ છે,વિશ્રામ એક માત્ર ભજનમાં છે.કારણ કે ભજન અનુષ્ઠાન નથી,સાધન નથી,ભજન મારગ નહીં મંઝીલ છે, છેલ્લો પડાવ છે.

તુલસીજીનો પણ આ અનુભવ છે.બધા સાધનના શ્રમ પછી તુલસી કહે છે રજમાત્ર કૃપા મારા પ્રભુની થઈ અને પરમ વિશ્રામ મેળવ્યો છે.ભજન વિશ્રામ આપે છે.અનુષ્ઠાન,જપ,તપ,દાન બધા જ શુભ સાધન કરવા જોઈએ,પણ એ થાક આપે છે.

કહ્યું કે મારા શબ્દકોશ-મારા હૃદયકોષમાં અમુક શબ્દ બ્રહ્મ છે એમાં ભગવાન શબ્દ ત્રીજા સ્થાન ઉપર છે. સૌથી પહેલો શબ્દ સાધુ છે.બ્રહ્મ-વિષ્ણુ પણ ક્યારેક કપટ કરે,સાધુ કપટ નથી કરતો.બીજો શબ્દ ભજન છે અને ભગવાન શબ્દ ત્રીજા સ્થાન ઉપર છે.

આટલી કથાઓ સાંભળ્યા પછી ત્રણ-ચાર કલાક બેસવા છતાં થાક ન લાગે તો સમજજો કે તમે સાંભળી નથી રહ્યા,ભજન કરી રહ્યા છો.સાડા છ દાયકાઓથી હું સતત ગાઉં છું,આજ સુધી મને થાક નથી લાગ્યો કારણ કે મારા માટે સાધન નહીં સાધ્ય છે.સાધનો શ્રમદાયી છે,ભજન વિશ્રામદાયી છે. યાજ્ઞવલ્કયનો પણ અનુભવ જેને બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યો છે.ગાર્ગી અને યાજ્ઞવલ્કનો સંવાદ છે,થોડો કઠિન છે.મહર્ષિ અરવિંદે પણ એમાં પ્રવેશ કર્યો છે.ત્રિભુવનદાદાનો અનુભવ શું છે?દંડી સંન્યાસી સાથે એનો ફોટો છે,દાદાએ એક વખત કહેલું કે એ દંડી સન્યાસી પૂછે છે કે દાદા આપનો અનુભવ શું છે?ત્યારે કંઈ ન કહ્યું અને બેરખો બતાવ્યો-આ મારો અનુભવ છે.બેરખો સાધુ પુરુષનું ઘરેણું છે.

બાપુને કોઈએ પૂછ્યું તમારું શું અનુભવ છે?એ જ અનુભવ જે દશરથજીને થયો હતો.એના આંગણામાં બ્રહ્મ નાચી-રમી રહ્યો છે.દશરથ કહે મારી પાસે બધું જ આવ્યું છે.ગુરુની ચરણ રેણુ માથા ઉપર ધારણ કરું છું તો દુનિયાના સમસ્ત વૈભવોને હું વશ કરી લઉં છું.બધું જ મેળવ્યું છે.ઇનફ ફોર ધીસ લાઇફ.

ચાર પ્રકારના ભક્ત કહેવાયા:આર્ત,અર્થાર્થી,જિજ્ઞાસુ અને જ્ઞાની.જ્ઞાનનો અર્થ પ્રેમ પણ છે.

આપ અંધારાને હટાવી ન શકો તો એક દીપ જલાવો, પ્રેમ ન કરી શકો તો નફરત કરવાનું બંધ કરો!વાત ખતમ!

ગઈકાલે વેદ વિજ્ઞાન પરિષદમાં પ્રવચન આપવાનું હતું ત્યારે કહેલું કે બહિર્વિજ્ઞાન ઈતિ સિદ્ધમ કહે છે અને વેદવિજ્ઞાન ઇતિ શુધ્ધમમા માને છે.જીવનકી સમસ્યાઓંકી  હલ કી બાત કરો,પણ હલકી વાત ના કરો!

આજે નાતાલ પર ઈસુ ખ્રિસ્તને પણ યાદ કરીને તેનો પ્રસંગ કહ્યો.સાથે-સાથે સ્વામી શરણાનંદજીનો પણ ૫૦ વર્ષ પહેલાં ૨૫ ડિસેમ્બરે નિર્વાણ દિન,એ જ રીતે બાજપાઈ અને મદનમોહન માલવિયાનો પણ દિવસ યાદ કરીને અંજલી આપી.

પરમાત્માએ જેવા બનાવ્યા છે એવા જ રહો તો પરમાત્માની કૃપા વધુ વરસે છે.

ભજનને વધારવું છે તો અક્રિય થઈ જાઓ.ભજન ક્રિયા નથી,એક અવસ્થા છે,સ્થિતિ છે.અનિંદક થઈ જાઓ,અહિંસક બનો,અનિદ્રા અને અનિત્ય પણું એ ભજનને વધારે છે.અનૃત-જૂઠ,અનૃત્ય અને અદ્વૈતભાવ ભજનને ઘટાડવાનું કામ કરે છે.

શિવ વિવાહનો સંવાદી પ્રસંગ કહીને સતી રામ જન્મના કારણો પૂછે છે.રામ જન્મના પાંચ કારણોની રસાળ અને સંવાદી અને સંક્ષિપ્ત કથા કરતા-કરતા ભગવાન રામ અયોધ્યામાં પ્રગટે છે અને સાથે-સાથે તામિલનાડુના કથા મંડપમાંથી સમગ્ર ત્રિભુવનને રામ જન્મની વધાઈ સાથે આજની કથાને વિરામ અપાયો

શેષ-વિશેષ:

બાળકોની સ્કૂલ બેગમાં નાનકડી ગીતા,રામાયણ રાખી દો.

આ વખતની કથાથી કહેવાનું શરૂ કર્યું છે કે આપના બાળકોના દફતરમાં ખૂબ નાનકડી ગીતા અને ખૂબ નાનકડી સાઇઝનો રામચરિત માનસ એને ખબર ન હોય એમ રાખી દો.આ પ્રયોગ આ કથા સાંભળ્યા પછી ખાસ કરો.એને વાંચવાનું કોઈ દબાણ ન કરો. વાંચે ન વાંચે કોઈ દબાવ નથી.કારણકે ૫૦૦ની નોટ સાથે હોય એનો પણ એક આનંદ હોય છે.એનું કારણ છે ભજનાનંદીની આંખો રામાયણ અને ગીતા છે.શાસ્ત્ર આપણા નેત્ર છે.સાથે-સાથે એ પણ કરો પાંચ-પાંચ વૃક્ષો વાવો.પાણીનો બચાવ કરો. રાજકોટની એક સંસ્થા લાખો વૃક્ષો નિભાવે છે.આવું કરો.પરિણામ થોડા સમય પછી આવશે જ.તમે તમારા બાળકોનાં દફતરમાં આ રીતે રામાયણ અને ગીતા આપો છો એ જીવનનું દાન છે.દ્રષ્ટિનું દાન છે. અને માત્ર બાળકો જ નહીં તમારા યાત્રા બેગમાં પણ સમાઈ શકે એવી નાનકડા આવા પુસ્તકો અથવા તો કોઈ પણ આપણને ગમતા ધાર્મિક પુસ્તકો રાખો. વાંચો ન વાંચો કોઈ ચિંતા નથી કારણ કે આ આપણી આઇડેન્ટિટી છે.

કથા-વિશેષ:

બધાનો સાર છે-ભજન

વેદોનું ભાષ્ય-સાર ઉપનિષદ છે.ઉપનિષદનું ભાષ્ય અથવા સાર શ્રીમદ ભગવતગીતા છે.ભગવત ગીતાનું ભાષ્ય૦સાર રામચરિત માનસ છે.કારણ કે ભગવત ગીતામાં જે યોગ છે એ જ રામચરિત માનસમાં વિવિધ પાત્ર દ્વારા પ્રયોગો છે.રામચરિતમાનસનો સાર અથવા તો ભાષ્ય સુંદરકાંડ છે.સુંદરકાંડનો સાર હનુમાન ચાલીસા છે અને હનુમાન ચાલીસાનો કોઈ સાર હોય તો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપમાં ભજન છે.

Related posts

ઉદયન શાલિની ફેલોશિપ અમદાવાદ ચેપ્ટર દ્વારા રીવરફ્રન્ટ પર ચેરીટી માટે સાયક્લોથોનનું કરાયું આયોજન

viratgujarat

એમેઝોન ઈન્ડિયાની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટ લાઈવ થશે 29મી નવેમ્બરે

viratgujarat

નવી મુંબઈ એરપોર્ટ પર પહેલીવાર પ્લેન લેન્ડ થયું: એરફોર્સ C-295નું સફળ ઉતરાણ; CM શિંદે પણ પ્લેનમાં બેઠા; એરપોર્ટ માર્ચમાં શરૂ થશે

admin

Leave a Comment