Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

૯૪૮મી કથાનું ભાવભીનું સમાપન; ૯૪૯મી કથા ૪ જાન્યુઆરીથી કબીરવડ-ભરૂચથી મંડાશે

નવ દિવસનો,જિંદગીભરનો અને જનમ-જનમનો સાર છે:નામ.

શ્રેષ્ઠતમ ભજન પ્રભુનું નામ છે.

શ્રેષ્ઠતમ ભજન હરિનામ છે.

ભજનનાં ચાર મુખ્ય કેન્દ્ર:નામ,રૂપ,લીલા અને ધામ છે.

જીવનમાં કોઈ સુબેલ-સુવેલ-વેળા ખાલી રાખો ત્યાં રામ આવશે અને રોકાશે.

કલ્યાણની સ્થાપના વગર કલ્યાણ રાજ્ય નહીં થાય.

 

કથા બીજપંક્તિ:

ઉમા કહઉં મૈં અનુભવ અપના;

સત હરિ ભજનુ જગત સબ સપના

-અરણ્યકાંડ દોહા-૩૯

નિજ અનુભવ અબ કહઉં ખગેસા;

બિનુ હરિ ભજન ન જાહિં કલેસા.

-ઉત્તરકાંડ દોહા-૮૯

તંજાવુર-તમિલનાડુની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનાં આજે પૂર્ણાહૂતિનાં દિવસે બાકી રહેલી કથાનો સાર અને ઉપસંહારક સંવાદ કરતા બાપુએ કહ્યું કે રામકથા શિવની, યાજ્ઞવલ્ક્યની, ગોસ્વામીજીની અને કાગભુશુંડીની પદ્ધતિથી ગવાય છે.બહૂધા વક્તાઓ આ બધી જ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.શિવની પદ્ધતિમાં જ્ઞાન,તત્વ અને સત્વપ્રધાન કથા,યાજ્ઞવલ્ક્યની વિવેક પૂર્વક કર્મથી રત રહે એવા સૂરથી કથા ચાલે.તુલસી કથા મનને પ્રબોધ કરે,શરણાગતિ,દીનતાના ભાવથી ચાલે.પણ ભુશુંડીની કથા વિશિષ્ટ છે.એ સંક્ષિપ્ત પણ કરે છે, પોતાનો આત્માનુભવ,જીવન અનુભવ બતાવે છે. જન્મ-જન્માંતરની કથા પણ સંભળાવે છે. પ્રશ્નકર્તાઓને ઉત્તર આપે છે,રુદ્રાષ્ટક ગાઇને શિવને પ્રસન્ન કરે છે એ પણ સંભળાવે છે,પ્રશ્નોના જવાબો વિજ્ઞાન ભરી રીતે ઉત્તરો આપે છે એટલે ભુશુંડીને વિજ્ઞાની પણ કહેવાયા છે.

મારી વ્યાસપીઠ લગભગ ભુશુંડીની ચાલ ચાલી રહી છે.સાંપ્રત કાળમાં જરૂરી હોય એવી શાખાઓ પર જઈને ભુશુંડી કથાગાન કરે છે.પહેલા પણ સાત દિવસમાં બે જ કાંડ અને બાકીના પાંચ કાંડ છેલ્લા બે દિવસોમાં પૂરા થતાં.દાદાની પણ આ જ શૈલી હતી એ જ પ્રવાહી પરંપરા ઉતરી છે.આ વિહંગાવલોકન પદ્ધતિથી વિરામ તરફ ચાલતા સેતુબંધની સ્થાપના થઇ.સેતુબંધની સ્થાપના એ કલ્યાણની સ્થાપના છે.કલ્યાણની સ્થાપના વગર કલ્યાણ રાજ્ય નહીં થાય.

રામ આખી સેના સાથે સાગર પાર કરે છે.સુવેલ પર્વત ઉપર રોકાય છે.લંકા ત્રિપુટ ઉપર વસેલી છે. અહીં રાવણ સુબેલ પર્વત ખાલી રાખે છે.જીવનમાં પણ કોઈ સુબેલ-સુવેલ-વેળા ખાલી રાખો ત્યાં રામ આવશે અને રોકાશે.અશોકવન રાવણે સીતાજી માટે અને સુબેલ રામ માટે રાખેલો.વીસ ભુજારુપી આચાર,દસ ભુજારૂપી વિચારને ખતમ કર્યા પછી એકત્રીસમાં બાણથી નાભિમાં રહેલા અમૃતને ખોલે છે.રાવણના નિર્વાણ પછી પુષ્પકારૂઢ થઈ અયોધ્યામાં અમીત રૂપ ધરીને દરેકને વ્યક્તિગત રૂપે રામ મળે છે.રાજ્ય સિંહાસન ઉપર સીતારામજી આસીન થાય છે વશિષ્ઠ રાજ તિલક કરે છે એ વખતે વેદ અને શિવ સ્તુતિનું ગાન કરે છે.

શાસ્ત્રો સ્તુતિના વિભાગ કરે છે.સ્તુતિમાં પહેલા સંબોધન હોય છે,પછી કોઈનો જય-જયકાર હોય છે શીલ અને સ્વભાવ અને સુંદરતાનું વર્ણન હોય છે, યાચના પણ હોય છે.આત્મરંજન માટે સ્તુતિ થતી હોય છે.આ બધા જ શાસ્ત્રીય લક્ષણો અહીં પણ દેખાય છે.મધ્યાહ્નની આરતી દુનિયાભરના રામ મંદિરમાં આ પ્રકારની સ્તુતિ દ્વારા થવી જોઈએ. રામ રાજ્યતિલક અને રામ પ્રાગટ્ય મધ્યાહ્ને થયું હતું. રામરાજ્યનું અદભુત વર્ણન અને વંશનું નામ લખીને રઘુવંશની કથા ને વિરામ અપાયો.

પછીનું ભુશુંડી ચરિત્ર અદભુત છે.બધા જ ઘાટો પર કથા વિરામ થઈ.

ઉપસંહારક સૂત્ર ભાથાનાં,નાસ્તાનાં,થેપલાનાં રૂપમાં આપતા બાપુએ કહ્યું કે આપણા જીવનમાં એક સારથિ હોય છે.ઉપનિષદમાં સારથિનું વર્ણન છે, રથિનું પણ વર્ણન છે.બીજો સારથિ ઈશ્વર હોય છે. સ્થૂળ સારથિના પાંચ કર્તવ્ય:એક-ઘોડાને અહીં-તહીં લઈ જવો.બીજું-લગામ પર કાબુ રાખવો,ક્યારે ઢીલી કરવી ક્યારે સખત કરવી.ત્રીજું-રથિ કહે ત્યાં લઈ જવું.ચોથું-રથનું સંચાલન કરવું અને રથિને બાણથી બચાવવો.પાંચમું-યુદ્ધનું સમાપન થાય ત્યારે નીચે ઉતરવું,રથિને ઊતારવો.આ સામાન્ય સારથિ છે. ઈશ્વર આ પાંચ તો નિભાવે જ છે એ ઉપરાંત  ભક્તનો નાશ થવા દેતા નથી અને ભક્તને યશ આપે છે.ઈશ્વર રથિને યશ આપે છે.ઈશ્વરનું ભજન સારથિ હોય ત્યારે આ સાત ઉપરાંત મનના ઘોડાને,મનની ઇન્દ્રિયો ઉપર ભજન કાબુ કરે છે.

હરિ ભજન સત્ય છે એ સ્થાપિત થઈ જાય પછી પોતાની રીતે જ જગત પ્રપંચ અને સપનું બની જાય છે.આમ નવ વાતો અહીં દેખાય છે.

ભજનમાં રુચિ હોય તો કલેશની ચિંતા પણ ન કરતા એ પોતાની રીતે જ ભાગી જશે.

આપણી પાસે ઈશ્વરરૂપી સારથિ નથી.એકમાત્ર ઉપાય છે ઈશ્વર ભજન.મારો આખરી અનુભવ એવું કહે કે ભજનમાં સૌથી શ્રેષ્ઠ કઈ વાત છે?એ છે:નામ.

યજ્ઞ કરો,ધ્યાન કરો,કંઇ પણ કરો,શ્રેષ્ઠતમ ભજન પ્રભુનું નામ છે.બેરખો,માળા,આંગળી,શ્વાસ દ્વારા કે કોઈપણ રીતે લો.બીજું છે-રૂપ.જેનું નામ લઈએ છીએ એનું રૂપ.ત્રીજું-એના ચરિત્રનું કથન,શ્રવણ એટલે કે એની લીલા.ચોથું છે:વિશ્રામ એટલે કે એમનું ધામ.

રામચરિતમાનસના અંતિમ છંદમાં એનો સંકેત છે. શ્રેષ્ઠતમ ભજન હરિનામ છે.ભજનનાં ચાર મુખ્ય કેન્દ્ર:નામ,રૂપ,લીલા અને ધામ છે.

નવ દિવસનો,જિંદગીભરનો અને જનમ-જનમનો સાર છે:નામ.

એ પછી કથાનું સુફળ બધા જ ફ્લાવર્સને અર્પણ કરતા કહ્યું કે આપ જેને યોગ્ય લાગે તેને અર્પણ કરી શકો છો.મનોરથી પરિવારના સૌથી નાનકડા અભ્યુદયને આશીર્વાદના રૂપમાં રામેશ્વરની કથા આપી.સાથે-સાથે આવનારા દિવસોમાં આવતા ઈસુના નવા વર્ષમાં બધાનું ભજન વધે એવી વધાઈ સાથે કથાનું સમાપન થયું.

કથા વિશેષ:

આગામી ૯૪૯મી રામકથા ૪ જાન્યુઆરી-શનિવારથી સુપ્રસિધ્ધ કબીરધામ કબીરવડ-ભરૂચ(ગુજરાત)થી શરૂ થશે.જેનું નિયમિત પ્રસારણ નિયત સમય મુજબ પહેલા દિવસે બપોરે ૪ વાગ્યાથી અને બાકીનાં બધા દિવસો સવારે ૧૦ વાગ્યાથી આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ તેમજ સંગીતની દુનિયા પરિવાર યુ-ટ્યુબ ચેનલ પરથી જીવંત રૂપે નિહાળી શકાશે.

Related posts

વિસ્તારાની ફ્લાઈટમાં ખામી, હૈદરાબાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ: તેમાં સવાર કોંગ્રેસના સાંસદે કહ્યું- અડધો કલાક ખૂબ જ તણાવપૂર્ણ રહ્યો

admin

GIIS અમદાવાદ દ્વારા GIIS ઇન્ટર-સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024 સાથે નવા સ્પોર્ટ્સ એરેનાના સફળ પ્રારંભની ઉજવણી કરવામાં આવી

viratgujarat

પ્રથમ આઇવીએફ(IVF) અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઇવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ

viratgujarat

Leave a Comment