ગુજરાત, અમદાવાદ 27મી ડિસેમ્બર 2024: ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. તેમણે ગુરુવારે સાંજે 9.51 કલાકે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ આગામી સાત દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા કર્ણાટકમાં પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને દિલ્હી પહોંચી ગયા છે. આ બંને કોંગ્રેસી નેતાઓ રાત્રે લગભગ 2.15 વાગે મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મનમોહન સિંહના આવતી કાલે શનિવારે અંતિમ સંસ્કાર થશે.
અગાઉ, પીએમ નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ ભારતના સૌથી આદરણીય નેતાઓમાંના એક હતા અને દેશની આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી હતી. વડા પ્રધાન મોદીએ પોસ્ટ કર્યું હતું એક સામાન્ય પરિવારમાંથી ઉભરીને તેઓ એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણાપ્રધાન સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષોથી અમારી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ વ્યવહારુ હતો.