ગત મંગળવારે સાંજે પૂંછ જીલ્લામાં મેંઢર વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન અકસ્માતે ખાઈમાં પડી જતાં સેનાના ૫ જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સેનાનું વાહન નીલમ હેડકવાર્ટર થી ઘોડા પોસ્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહન ૩૫૦ ઊંડી ખીણમાં પડ્યું હતું અને તેમાં બેઠેલા જવાનોમાંથી ૫ જવાનો વીરગતિને પામ્યા હતા. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતક જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ આ કરુણ ઘટનામાં માર્યા ગયેલા સૈનિકોને રૂપિયા ૧૫,૦૦૦ પ્રમાણે તત્કાલ સહાયતા રાશી પણ આર્પણ કરી છે જે શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા આર્મી વેલ્ફેર ફંડમાં પ્રેષિત કરવામાં આવશે.
બીજી એક ઘટનામાં સાવરકુંડલા નજીકના સેંજળ ગામે એક યુવક પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. આ યુવકના પરિવારજનોને પણ મોરારિબાપુએ રૂપિયા ૧૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલા તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.