ગુજરાત, સોમનાથ ૦૨ માર્ચ ૨૦૨૫: વડાપ્રધાન અને જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે તેમનો સંકલ્પ પુર્ણ કરવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. જ્યાં તેઓએ 1766 સુવર્ણ કળશની દાતાઓ વતી વિશેષ પૂજા કરી હતી. નિયમ મુજબ પૂજા વિધિ વિના મંદિરના શિખર પર કળશ મંદિત ન કરી શકાય, માટે બાકી કળશના દાતાઓ વતી આજે PMએ પૂજા કરી હતી. હવે આ તમામ કલશો મંદિત કરી દેવાશે.
મંદિરના 1766 સુવર્ણ કળશનું દાતાઓ વતી PMએ પૂજન કર્યું સોમનાથ મહાદેવ મંદિરના શિખર પરના અંદાજે 1766 કળશને સુવર્ણ મંદિત કરવાની યોજના મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાઈ હતી. જે અંતર્ગત દાતાઓના સહકારથી સુવર્ણ કળશ નિર્માણ થઈ ચૂક્યા હતા અને મોટા ભાગના દાતાઓના હસ્તે સુવર્ણ કળશની પૂજા કરી મંદિર શિખર પર રોપિત કરી દેવાયા હતા. પરંતુ અનેક દાતાઓ સુવર્ણ કળશની પૂજા માટે પહોંચી શક્યા ન હતા. પૂજા વિધિ વિના કળશ મંદિત ન કરી શકાય, માટે બાકી રહેતા તમામ કળશના દાતાઓ વતી આજે PM નરેન્દ્ર મોદીએ પૂજા કરી હતી. જેથી સોમનાથ મહાદેવ મંદિરના 1766 કળશ સુવર્ણ મંદિત થઈ ગયા છે.
મંદિર પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી વડાપ્રધાન મોદી જામનગરથી હેલીકોપ્ટર માર્ગે સોમનાથ પહોંચ્યા હતા. ત્યારે હેલીપેડ ખાતે પાલીકા પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા પંચાયત પ્રમુખ મુછાર, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયાએ સ્વાગત કરી આવકાર્યા હતા. હેલીપેડથી સોમનાથ VVIP ગેસ્ટ હાઉસ બાદ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચયા હતા. મહાદેવ સામે શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી PM મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી.
નિયત સમય કરતાં મોડા પડતા લોકાર્પણ-ખાતમુર્હત ન થઈ શક્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાએ મનોમન લીધો મહાકુંભના સંકલ્પ મુજબ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળાભિષેક કર્યો હતો. બાદમાં પૂજારીઓ દ્વારા PM મોદીને સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. આ તકે PM મોદીએ દેશની ઉન્નતિ અને દેશવાસીઓના કલ્યાણની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનિય છે કે, PM મોદી તેમના સોમનાથના કાર્યક્રમના નિયત સમય કરતાં બે કલાક જેવા મોડા પહોંચ્યા હતા. જેથી અન્ય કોઈ લોકાર્પણ-ખાતમુર્હત કાર્યક્રમમાં સહભાગી થયા ન હતા. મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ સાસણ ખાતે ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણીમાં સહભાગી થવા માટે હેલીકોપ્ટર માર્ગે રવાના થયા હતા.