Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઈચ્છા,ભય અને ક્રોધથી જે મુક્ત થાય એ સદા મુક્ત છે. રામચરિતમાનસ એ અક્ષરાવતાર છે

યુક્ત થવા માંગો કે કોઈથી મુક્ત થવા માંગો,દવા એક જ છે:ઇન્દ્રિયો,મન અને બુદ્ધિને વશમાં લેવી.

મન ઠીક હોય તો સમાધિ અને અઠીક હોય તો ઉપાધિ ઊભી કરે છે.

ભજન વાળા કાં તો મૌન બની જાય છે,કાં સમય પર બોલે છે.

આપણા પ્રાણમાં ભજનની પ્રતિષ્ઠા થાય છે.

પ્રાણમાં ભજનની પ્રતિષ્ઠા કરવાનું પહેલું સૂત્ર છે:સમતા-કોઈ ભેદ નહીં.

પરમાત્મા આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો પણ જરૂરત બધી જ પૂરી કરી આપે છે.

સ્નેહમાં શંકા,પ્રેમમાં પ્રપંચ અને ભક્તિમાં ભ્રાંતિ આ પરમ અપરાધ ગણાયો છે. 

તંજાવુર-તમિલનાડુમાં ગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસે કહેવાયું:શિવજી કહે છે આ મારો અનુભવ છે અહીં ભજન જ સત્ય છે બાકી બધી જ ભ્રાંતિઓ અને સપના છે.આજ ટોનમાં ભુશુંડી પણ કહે છે હરિ ભજન વગર જીવનના કલેશ નષ્ટ નથી હોતા નથી થતા.રામચરિત માનસમાં સૌ પ્રથમ ભજન શબ્દ બાલકાંડમાં આવ્યો:

સબ જાનત પ્રભુ પ્રભુતા સોઇ;

તદપી કહે બીનુ રહા ન કોઈ.

ગોસ્વામીજી કહે છે પ્રભુની પ્રભુતા બધા જ જાણે છે પણ વેદ-પુરાણ નેતિ કહીને અટકે છે,મહાત્માઓ મનીષીઓ પણ કહી શકતા નથી,છતાં કહ્યા વગર રહી શકતા નથી!અને વેદ એક બારી ખોલે છે:

કહા બેદ અસ કારન રાખા;

ભજન પ્રભાવ ભાંતિ બહુ ભાખા.

કારણકે ભજન બોલાવે છે.ભજન વાળા કાં તો મૌન બની જાય છે,કાં સમય પર બોલે છે.આ બધું જ અવ્યાખ્ય છે પરંતુ વેદે એક ખડકી ખોલી રાખી છે. ઘણા પ્રકારના પ્રભાવ મતલબ શું?વિનયપત્રિકાનાં પદનો અહીં ઘણો જ આશ્રય કરી રહ્યો છું એમ કહેતા બાપુએ કહ્યું કે મૂર્તિમાં પ્રાણની પ્રતિષ્ઠા થાય તો એ પૂજાય છે અને આપણા પ્રાણમાં ભજનની પ્રતિષ્ઠા થાય છે.સમ,સંતોષ,વિચાર વિમલ,અતિ સત્સંગતી-આ ચારને દ્રઢ કર એ મન!એવું તુલસીજી કહે છે.આપના મન સાથે ખૂબ જ સંવાદ કરીને જોજો કે મન!પુરા સંસાર ઉપર સમતા છે કે નહીં? પોતાનાઓ સાથે તો બધા જ સારો વર્તાવ રાખે પણ અન્ય પર સમતા રાખે એવા કોણ?પ્રાણમાં ભજનની પ્રતિષ્ઠા કરવાનું પહેલું સૂત્ર છે:સમતા-કોઈ ભેદ નહીં. ઊંચ-નીચ,જાતિ-પાતી કંઈ નહીં.આપણે ત્યાં અનેક ધર્મ.કોઈ કહે છે ભગવાન સાતમા આસમાનમાં છે, કોઈ કહે છે ભગવાન છે જ નહીં.ઉપનિષદ કહે છે અહીં પણ છે,ત્યાં પણ છે,ઉપર પણ છે,નીચે પણ છે, આસપાસ પણ છે.એને જ તુલસીજી કહે છે:

હરિ વ્યાપક સર્વત્ર સમાના;

પ્રેમ તે પ્રગટ હોહિ મૈં જાના.

આનું નામ જ સમતા છે.આ સમતાને ગીતાએ યોગ કહ્યું છે.

બીજું છે:સંતોષ.પુરુષાર્થ અને પ્રારબ્ધનાં મિલનથી આપણને જે કાંઈ મળે એમાં સંતોષ હોવો જોઈએ. પણ આ તો વહેવારની ધરા ઉપર છે.હાનિ-લાભમાં સંતોષ.આ કથાને વધારે ગંભીરતાથી સાંભળજો તો આપ બાજી મારી જશો,કાં તો આપ હારશો, કાં તો હરિ હારશે!આ ભજનનો એક પ્રભાવ છે.

પરમાત્મા આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી કરતો પણ જરૂરત બધી જ પૂરી કરી આપે છે.

ઈચ્છા,ભય અને ક્રોધથી જે મુક્ત થાય એ સદા મુક્ત છે એવું યોગેશ્વર કૃષ્ણ કહે છે.એટલે જ યુક્ત થવા માંગો કે કોઈથી મુક્ત થવા માંગો,દવા એક જ છે: ઇન્દ્રિયો,મન અને બુદ્ધિને વશમાં લેવી.અને એને વશમાં રાખે છે-ભજન.

ઇન્દ્રિયોને કારણે ઈચ્છા,મનને કારણે ભય અને બુદ્ધિને કારણે ક્રોધ પેદા થાય છે.મન ઠીક હોય તો સમાધિ અને અઠીક હોય તો ઉપાધિ હોય છે.નારદનું મન નિર્મળ છે તો સમાધિ લાગે છે અને ઇન્દ્રને એ જોઈને ઉપાધી લાગે છે.તાળાં પણ રામાયણમાં છે અને એની ચાવીઓ પણ રામચરિત માનસમાં જ છે ત્રીજી વાત કહી:સત્સંગતિ-સાધુનો સંગ.કોઈ હરિનો પ્યારો મળી જાય.રામને ચિત્ત કહ્યું છે.જે સાધુ નિરંતર રામ ભજન કરે છે એનો સંગ દ્રઢ કરો.રામ ચિત્ત છે.ચિત્તનું પણ ચિત્ત એ રામનું નામ છે.વિચાર નિર્મળ રાખજો.વિચારોમાં ખોટું ખનીજ,ખોટો કચરો ન આવી જાય,આવે તો તરત એને રોકવાનો પ્રયત્ન કરજો.અહીં ચાર બતાવ્યા એને દ્રઢ કરીને હરીને ભજવા માંગે છે તો એ જીવ! આટલું કર.આ શિવ મત છે.આવું ભજન રામચરિત માનસમાં ૩૨ વખત દેખાય છે.ભગવાનની કથા સાંભળવી ભજન છે. હૃદયમાં હરિનું ધ્યાન પણ ભજન છે.દરેકમાં હરિ દર્શન કરી અને શિર ઝુકાવવું એ ભજન છે.મૂર્તિઓ તો ઘણી જ વેંચાય છે પણ પ્રાણ પ્રતિષ્ઠા પછી એની આરતી ઉતરે છે.પરમાત્માએ આ બધી મૂર્તિ(મનુષ્ય રૂપી)પણ બનાવી અને એમાં પ્રાણ પણ આપ્યો છે. બધાને પ્રણામ કરવું એ ભજનનો પ્રભાવ છે.આપણા જીવનમાં એવો સમય ક્યારે આવશે કે બધાને જોઈ, બધામાં હરિનું દર્શન કરીને આપણે પ્રણામ કરીએ! પરમાત્માએ આ માનવ મૂર્તિઓ કરુણા કરીને આપી છે.આપણો હાથ સેવા કરે.સેવા,શ્રવણ,સ્મરણ બધામાં હરી દર્શન,સમતા,સંતોષ,નિર્મળ વિચાર અને સાધુ સંગ-આ બધું જ ભજન પ્રભાવ છે.

ક્રોધ કરવાના બધા જ સાધન હોય છતાં ક્રોધ ન કરે, પ્રત્યેક દ્વંદમાં ધીરજ રાખે એ રામ છે અને આવું ધૈર્ય એ ભજન છે.રામ વનવાસના કારણની સૂચિ બનાવો તો અનેક નીકળે.સરસ્વતી કારણ બની કૈકયી કારણ બની.બીજાઓ ઉપર દોષ આપતી વખતે રામ કહે છે કે બરાબર ધીરજ ધરીને જુઓ.મારા વનવાસ માટે ન પિતા ન માતા,ન લક્ષમણ,ન વશિષ્ઠ આદિ મહાત્મા કે મંથરા- કોઈ નથી.વનવાસનું કારણ હું જ છું.બધા ચકિત થઈ જાય છે ત્યારે રામ કહે છે કે ભરતનો પ્રેમ એ દ્રવ-પ્રવાહી રૂપમાં પણ છે અને ઘન રૂપમાં છે જેમ સમંદરમાં અમૃત હોય પણ એના તરંગોમાં એ દેખાતું નથી એમ પ્રેમરૂપી અમૃતની સમાજને જરૂર છે એટલે ૧૪ વર્ષના વિરહનો મંદ્રાચલથી ભરત રૂપી સાગરને મંથન કરીશ અને એ વખતે સહનશીલ અને કરુણામય પ્રેમમાર્ગના માર્ગી ને જુઓ એ ઘનરૂપ પણ છે-જે સહનશીલતાના રૂપમાં છે એનું દ્રવ્યરૂપ કરુણા મૂર્તિના રૂપમાં છે.રામકથા કહેનાર કોઈ મનુષ્ય ન હતા.શિવ પણ મનુષ્ય રૂપમાં હતા,ભશુંડી પક્ષી,યાજ્ઞવલ્ક્ય જે યજ્ઞમાંથી નીકળનાર વસ્ત્ર પહેરનારનાં પુત્ર છે.

રામચરિતમાનસ એ અક્ષરાવતાર છે.જેમ કૃષ્ણએ દ્રૌપદીની લાજ માટે વસ્ત્રાવતાર ઊભો કર્યો,ભરતજી ને જરૂર પડી ત્યારે પ્રભુએ પાદુકા અવતાર ધારણ કર્યો.આ સામાન્ય પુસ્તક નથી.જેના માટે જીવન સમર્પિત કર્યું અને આ જ જીવન નહીં અનેક જન્મ સમર્પિત કર્યા.પણ પ્રોફેશનલ લોકો એના માટે ગમે એમ નિવેદનો કરે છે.આ વ્યવસાય નથી,અને વ્યવસાય ન બનાવો તો આમાં લાભ નહીં પણ શુભ શુભ અને શુભ જ છે.રામ અવતાર માટે કૌશલ્યા માતા છે.રામચરિત માનસના અવતાર માટે સરસ્વતી એનું કારણ બની છે.શિવજીએ એનું નામકરણ કર્યું છે.વાલ્મિકી રામાયણનું નામકરણ નારદે કરેલું.શિવ અષ્ટમૂર્તિ છે એટલે રામચરિતમાનસ એ આઠ અક્ષરનું નામ છે.શિવની અષ્ટમૂર્તિઓમાં:જળમૂર્તિ, પૃથ્વી મૂર્તિ,આકાશ મૂર્તિ,અગ્નિ મૂર્તિ,દિવસ મૂર્તિ, રાત્રિ મૂર્તિ,વાયુ મૂર્તિ અને યજમાન મૂર્તિ છે.

રામનામ વંદના પ્રકરણના ગાયનમાં જણાવ્યું કે વેદમાં રામનામ છે પણ દેખાતું નથી.રામ પ્રાણ એટલે અહીં આત્મા છે.રામનામ છે એટલે વેદ છે.કારણ કે રામનામ વેદની આત્મા છે.રામનામ ઇચ્છામૃત્યું આપે છે.શિવનામ ઇચ્છિત વસ્તુ આપે છે.કુંભના મેળા વખતે ભારદ્વાજ યાજ્ઞવલ્ક્યના પગ પકડે છે અને રામકથા વિશે પૂછે છે.સ્નેહમાં શંકા,પ્રેમમાં પ્રપંચ અને ભક્તિમાં ભ્રાંતિ આ પરમ અપરાધ ગણાયો છે. આજે પહેલી વખત રામચરિત માનસ નામની ધૂન લેવડાવવામાં આવી. 

શેષ-વિશેષ:

અક્ષયપુરીશ્વર મંદિર (શનિદેવ મંદિર),વિલનકુલમ

તંજાવુર

૭૦૦ વર્ષ જૂનું પ્રાચીન શનિ મંદિર:

આ જગ્યાએ પડીને ઘાયલ થયા હતાં શનિદેવ, આજે પત્નીઓ સાથે થાય છે પૂજા

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ શનિ ગ્રહ રાશિ બદલે છે તો તેનાથી બધી રાશિના લોકો પ્રભાવિત થાય છે.શનિએ રાશિ બદલીને મકરમાંથી કુંભમાં પ્રવેશ કર્યો છે.શનિદેવના પ્રકોપથી બચવા માટે લોકો વિશેષ પૂજા અને મંદિરોમાં દર્શન કરવા જાય છે. દેશમાં શનિદેવના અનેક પ્રસિદ્ધ મંદિરો છે,આમાંથી જ એક છે અક્ષયપુરીશ્વર મંદિર,તમિલનાડુના પેરાવોરાનીની પાસે તંજાવુરના વિલનકુલમમાં આવેલું છે.આ મંદિર સાથે શનિદેવ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ પ્રચલિત છે.

પત્નીઓ સાથે થાય છે શનિદેવની પૂજા

આમ તો દેશમાં શનિદેવના અનેક પ્રાચીન મંદિર છે, પરંતુ એકમાત્ર આ મંદિરમાં શનિદેવની પૂજા તેમની પત્નીઓની સાથે કરવામાં આવે છે.ધર્મ ગ્રંથોમાં શનિદેવની પત્નીઓના નામ મંદા અને જ્યેષ્ઠા બતાવવામાં આવ્યાં છે.શનિદેવને અહીં આદિ બૃહદ શનેશ્વર કહેવામાં આવે છે.જે લોકોનો જન્મ સાડાસાતી દરમિયાન થયો હોય છે,એ લોકો વિશેષ કરીને અહીં દર્શન અને પૂજા કરવા આવે છે.એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી સાડાસાતીમાં જન્મેલાં લોકો પર શનિની કૃપા થાય છે.આ મંદિરમાં ૮ વાર ૮ વસ્તુઓની સાથે પૂજા કરીને ડાબેથી જમણી તરફ ૮ વાર પરિક્રમા પણ કરવામાં આવે છે.

અહીં મળ્યાં હતા શનિદેવના પગને સારા થવાના આશીર્વાદ

આ મંદિર સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે.તે પ્રમાણે એક સમયે અહીં અનેક બિલીના ઝાડ હતાં.તમિલમાં વિલમનો અર્થ બિલી અને કુલમનો અર્થ ઝૂંડ થાય છે.અર્થાત્ અહીં કોઈ સમયે અનેક બિલીવૃક્ષ હોવાને કારણે આ જગ્યાનું નામ વિલમકુલમ પડ્યું.એકવાર આ વૃક્ષના થડમાં શનિદેવનો પગ ફસાઈ ગયો અને તેઓ અહીં પડી ગયાં હતાં. જેના કારણે તેમનો પગ ઘાયલ થયો હતો. જ્યારે શનિદેવે શિવજીની તપસ્યા કરી અને શિવ પ્રગટ થયા તો મહાદેવને તેમને લગ્ન થવાના અને પગ ઠીક થવાના આશીર્વાદ આપ્યાં હતાં.

૭૦૦ વર્ષ જૂનો છે મંદિરનો ઈતિહાસ

શનિદેવના આ પ્રચીન મંદિરનો ઈતિહાસ લગભગ ૭૦૦ વર્ષ જૂનો બતાવવામાં આવ્યો છે કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ચોલ રાજા પરાક્ર પંડુયાન દ્વારા ૧૩૩૫ થી ૧૩૬૫ દરમિયાન કરવામાં આવ્યું હતું.આ મંદિરના મુખ્ય દેવતા શિવ છે,જેમને અક્ષયપુરીશ્વર કહેવામાં આવે છે.દેવી પાર્વતીની પૂજા અહીં અભિવૃદ્ધિ નાયકીના રૂપમાં કરવામાં આવે છે. આ મંદિરનું પ્રાંગણ ખૂબ જ મોટું છે અને અહીં નાના-મોટા અનેક મંડપ પણ છે.મંદિરનો સૌથી ખાસ ભાગ કોટરીનુમા સ્થાન છે,જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચી શકતો.

Related posts

દુનિયાનાં સૌથી ઊંચા શિવલિંગ સ્થાન-તંજાવુરથી ૯૪૮મી રામકથાનો મંગલ આરંભ

viratgujarat

સેમસંગ E.D.G.E. સીઝન 9ના વિજેતાઓ જિયો ટાર્ગેટિંગ અને GenZ હોટસ્પોટ ટેગિંગમાં ઈનોવેશન્સ સાથે ટેક સોલ્યુશન્સમાં નવો દાખલો બેસાડે છે

viratgujarat

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ઓલ-અરાઉન્ડ ડિસ્પ્લે પછી ચેમ્પિયન્સનો તાજ પહેર્યો

viratgujarat

Leave a Comment