Virat Gujarat
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદ માટેના રસાકસીભર્યા જંગમાં જી. ડી. પટેલનો ભવ્ય વિજય

અમદાવાદ 30મી ડિસેમ્બર 2024: વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે બાંધી ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી અસ્મિતાના જતન અને સંવર્ધન માટે વર્ષ-૧૯૯૦થી રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત એવી ગુજરાતીઓની પ્રતિષ્ઠિત સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદ માટેની રસાકસીભરી ચૂંટણીમાં રાજસ્થાનના કોટામાં રહેતા ગોરધનભાઈ ધૂળાભાઇ પટેલનો શાનદાર વિજય થયો છે. સ્પર્ધામાં તેઓની સામે અમેરિકામાં વસતા સી. કે. પટેલ કે જેઓ વર્તમાન પ્રમુખ પણ છે, તેઓ બંધારણ અને ચૂંટણીના નિયમો અનુસાર ચૂંટણીમાં ઉમેદવારી માટે લાયક ન ઠરતા ચૂંટણી અધિકારી ડૉ. પ્રફુલ્લ ઠાકર અને અબરાર અલી સૈયદે ગોરધનભાઈ પટેલને પ્રમુખપદે બિનહરીફ વિજેતા જાહેર કરતા દેશવિદેશમાં વસતા સભ્યો અને સવિશેષ જી. ડી. પટેલના સમર્થકોમાં આનંદનું મોજું પ્રસરી ગયું હતું.

વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખપદ તથા મહાસમિતિની ચૂંટણી માટેની જાહેરાત તેના બંધારણ મુજબ તા. ૬-૧૦-૨૦૨૪ ના રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવ્યા બાદ તા. ૧૪-૧૦-૨૦૨૪ ના રોજ ચૂંટણી અધિકારીઓ દ્વારા તેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો હતો. આ કાર્યક્રમ મુજબ દેશ-વિદેશમાં વસતા સંસ્થાના સભ્યો પાસેથી પ્રમુખપદ તથા મહાસમિતિ માટેની દરખાસ્તો / પ્રસ્તાવો મોકલવા આહવાન કરાયું હતું. આ આહ્વાનને ઉમળકાભેર સમર્થન મળ્યું હતું.

અગાઉ વિશ્વ ગુજરાતી સમાજના કેટલાક પ્રતિષ્ઠિત અગ્રણી સભ્યોએ ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પી. કે. લહેરીને સંસ્થાનું નેતૃત્વ સંભાળવા વિનંતી કરેલ, જેમાં જી. ડી. પટેલ પણ સામેલ હતા, પરંતુ શ્રી લહેરીએ તેઓની અન્ય વ્યસ્તતાઓના સંદર્ભમાં તેનો સાભાર અસ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ તેઓએ સ્વયં વિશ્વ ગુજરાતી સમાજના ચૂંટણી કાર્યાલય પર રૂબરૂ આવી શ્રી જી. ડી. પટેલની તરફેણમાં દરખાસ્ત કરી હતી. તેઓની સાથે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ પણ જોડાયા હતા. ગુજરાત અને ગુજરાતના વિવિધ શહેરો, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, કેરાલા જેવા જુદા જુદા રાજ્યો ઉપરાંત અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા, દુબઈ , ઓમાનથી જી. ડી. પટેલને મળેલું સમર્થન અને દરખાસ્તો કરનારા ગુજરાતી અગ્રણીઓ અને ગુજરાતી સમાજોની યાદી ખૂબ લાંબી છે.

અત્યંત સરળ, સાલસ અને રમૂજી સ્વભાવના જી. ડી. પટેલ વિશ્વ ગુજરાતી સમાજ સાથે ૩૦ કરતા વધારે વર્ષોથી જોડાયેલા છે. હાલ પણ તેઓ ઉપપ્રમુખના પદ પર સેવા આપી રહ્યા છે. ભારતભરના ગુજરાતી સમાજો સાથેનો તેમનો સંપર્ક અને ઘરોબો એમને અન્યોથી અલગ તારવે છે. અનેક સેવાસંસ્થાઓ તથા ગાયત્રી પરિવાર થકી અવિરત વહેતી તેમની સેવાયાત્રા દરમિયાન તેઓએ હજ્જારો બાળકોને શાળા ગણવેશ, શિક્ષણ સામગ્રી, આર્થિક સહાય, વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા માટે પ્રેરિત કરવાના કાર્યક્રમો ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ, રક્તદાન શિબિરો, તથા જરૂરિયાતમંદોની કાળજી, તેજસ્વી તારલાઓનું સન્માન, જેવી અનેકવિધ સદપ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. સાદગીભર્યું જીવન જીવતા જી. ડી. પટેલનો દેશ-વિદેશમાં વસતા વિશ્વ ગુજરાતી સમાજના સભ્યોના પરિવારો સાથેનો સંપર્ક સદા જીવંત રહ્યો છે. આ જ કારણ છે કે સભ્યોએ તેમને ઉમળકાભેર અને આગ્રહપૂર્વક પ્રમુખપદની જવાબદારી સ્વીકારી લઈ સંસ્થાને નવી સેવા અને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે નેતૃત્વ પ્રદાન કરવાનું આહ્વાન કર્યું અને તેઓએ કર્તવ્યભાવે સ્વીકાર્યું છે.

પ્રમુખ બનવાની સાથે જ તેઓએ મહત્વના ચાર હોદ્દાઓ પર નિમણૂંકની જાહેરાત કરી છે, જેમાં વિશ્વ ગુજરાતી સમાજના વરિષ્ઠ ઉપપ્રમુખ તરીકે ગુજરાત હાઈકોર્ટના સીનિયર એડવોકેટ યોગેશ શશીકાંતભાઈ લાખાણી, મહામંત્રી તરીકે વરિષ્ઠ પત્રકાર અને કોલમલેખક સુધીર શાંતિલાલ રાવલ, સલાહકાર મંડળના અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પી. કે. લહેરી તથા પરામર્શક મંડળના અધ્યક્ષ તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા જાણીતા સમાજસેવી શ્રી મહેન્દ્રભાઈ એ. શાહ છે.

ગોરધનભાઈ પટેલને જીતાડવા માટે છેલ્લા એક મહિનાથી સંકલ્પબદ્ધ બની સતત કાર્યરત રહેલા અગ્રણી સભ્યોમાં યોગેશ લાખાણી, સુધીર રાવલ, મનીષ શર્મા, બિપીન સોની, કિરીટ શાહ, જયપ્રકાશ વાછાણી, જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ, તુષાર ગાંધી, હિમાંશુ વ્યાસ, ડૉ. યોગેશ દવે, સવજીભાઈ વેકરીયા, અને હિતેશ પટેલ સહિત અનેક સભ્યો અગ્રેસર હતા.

જી. ડી. પટેલના સમર્થકોએ સૂઝબૂઝપૂર્વક અને સંસ્થાના બંધારણ અનુસાર ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવામાં સફળતા મેળવી હતી. સંસ્થાની ગરિમાને છાજે તે રીતે જી. ડી. પટેલના સમર્થકોએ સંયમપૂર્વક અને શાલીનતાથી અનેક પ્રકારની નકારાત્મક ચેષ્ટાઓનો મુકાબલો કર્યો હતો, જેનું પરિણામ તેઓને નિર્વિવાદ વિજયરૂપે મળ્યું હતું.

વિજેતા બન્યા બાદ તેમની પ્રથમ પ્રતિક્રિયામાં શ્રી જી. ડી. પટેલે જણાવ્યું હતું કે, ‘મારો વિજય એ વિશ્વ ગુજરાતી સમાજના પ્રત્યેક સભ્યો અને તેઓના પરિવારજનોનો વિજય છે. નવા વર્ષનું આગમન થઈ રહ્યું છે ત્યારે સંસ્થાના બંધારણ મુજબ તેના હેતુઓને સાકાર કરવા સૌ સાથે મળીને નવા સંકલ્પો, નવી આશા અને નવા ઉત્સાહ સાથે આગળ વધીશું અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓનું એક પ્લેટફોર્મ પર સંકલન કરીને તેઓની ક્ષમતા, દક્ષતા અને સિદ્ધિઓને વિશ્વ સમક્ષ રજૂ કરી ગુજરાતી અસ્મિતાની મહેંક ચોમેર પ્રસરે તે માટે અથાગ પ્રયાસો કરીશું.’

મહાસમિતિ માટે માન્ય રહેલી દરખાસ્તો મહત્તમ ૨૫૦ની સંખ્યા કરતા ઓછી હોવાના કારણે ચૂંટણી અધિકારીઓએ માન્ય ઠર્યા હોય તેવા સૌ સભ્યોને મહાસમિતિમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે.

સમગ્ર ચૂંટણીપ્રક્રિયા પારદર્શી રીતે સંસ્થાના બંધારણ પ્રમાણે તેના ચૂંટણી અંગેના નિયમો અનુસાર થઈ હતી. સૌ સભ્યોના સાથ સહકાર થકી આગામી પાંચ વર્ષ માટે નવા પ્રમુખ અને મહાસમિતિની પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી.

Related posts

ટાટા મોટર્સ અને ટાટા ઇન્ટરનેશનલે પૂણેમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધા ‘Re.Wi.Re લોંચ કરી

viratgujarat

એમેઝોન ઈન્ડિયાની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટ લાઈવ થશે 29મી નવેમ્બરે

viratgujarat

અખિલેશ-યોગી સામસામે: જયપ્રકાશની જન્મજયંતી પર સપા વડાને બહાર જવા ન દીધા; નીતિશને NDAમાંથી સમર્થન પાછું ખેંચી લેવા અપીલ કરી

admin

Leave a Comment