Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકશિક્ષણહેડલાઇન

સાધુરૂપી વડલો અંધારા અજવાળા બંનેને પોતાની બાહૂ-છાયામાં રાખે છે.

વિશ્વાસ રુપી વડલાનું બીજ રામનામ છે અને રામનામનું બીજ વિશ્વાસ છે.

“મારા જીવનની યાત્રાનું આખિરી પરિણામ કહેવું હોય તો એ રામનામ છે.”

આપણી અંદર રહેલા વિશ્વાસને બ્રહ્મચારી રહેવા દેજો,એને જ્યાં ત્યાં પરણાવતા નહીં.

સાધુ સમાજરૂપી પ્રયાગમાં વિશ્વાસ એ જ વટવૃક્ષ છે.

નર્મદા મૈયાનાં કિનારે શુક્લતીર્થ કબીરવડનાં વાયુમંડળમાં ચાલી રહેલી રામકથાનાં બીજા દિવસની કથા આરંભ કરતા મોરારિબાપુએ કહ્યું કે જેને હું વહેતું મંદિર કહું છું એવા રેવા તટની કબીર ગાદીને પ્રણામ,તેમજ તમામ દિવ્ય ચેતનાઓને વંદન. પ્રયાગમાં એક અક્ષયવટ સ્થૂળ રૂપે છે જ,સાધુ સમાજરૂપી પ્રયાગમાં વિશ્વાસ એ જ વટવૃક્ષ છે. કબીર સાહેબ પણ વારંવાર વિશ્વાસનું સ્મરણ કરતા- મોકો કહા ઢૂંઢે બંદે મૈં તો હું તેરે પાસ મેં,મૈં તો હું વિશ્વાસમેં-એવું કહે છે.

બટુ એટલે વટ,વડલો તેમજ બ્રહ્મચારી એવો પણ એક અર્થ થાય છે.વિચારો કરવાનો અધિકાર સૌને છે લોકોને બોલતા બંધ કરી દેવા એ હિંસા છે.અહીં એક ઠુંઠું હતું અને એને કોઈ સત્પુરુષ ફરી કોળાવી દે તો શ્રદ્ધા જાગે એવું ૭૦૦ વરસ પહેલાં તત્વા અને જીવાને થયું.ત્યારે કોઈને પ્રશ્ન થાય કે આ ઠુંઠું કોળ્યું હશે?બાપુએ કહ્યું કે મારી કથામાં મેં કેટલાય ઠુંઠાઓ કોળતા જોયા છે.

હરિવંશરાય બચ્ચન ખૂબ જ બૌદ્ધિક,એણે લખેલું: યુપીના એક ગામડામાં એક જગ્યાએ લીમડાની નીચે એક માણસ બેઠો હતો,એ પણ બેઠા.લીમડો ૪૦૦ વર્ષ પહેલા તુલસીજી નીકળેલા,રોકાયા અને દાતણ કરેલું એમાંથી થયો એવું કોઈએ કહ્યું-ત્યારે હરિવંશરાય બચ્ચને જણાવ્યું કે તુલસીની જીભમાંથી નીકળેલી ચોપાઈઓ ઘણા કડવા લીમડા મીઠા કરી દેતી હોય તો આ લીમડો કોળ્યો હોય એમાં નવાઇ ન હોવી જોઈએ.

પાનખરમાં વડલો નથી સુકાતો,બધા વૃક્ષો સૂકાતા હોય છે.વડલાને પાણી પાવું પડતું નથી,નાના ઝાડવાઓને પાણી પાવું પડે છે.

ચિત્રકૂટમાં એક વડલો છે જ્યાં ગુહરાજ ભરતજી સાથે સંવાદ કરતા કહે છે કે:સામે જુઓ!પાકરી, જાંબુડો,આંબો અને તમાલ આ ચાર વૃક્ષની વચ્ચે મધ્યમાં વડલાનું વૃક્ષ દેખાય છે.જેનો મહિમા નિષાદ ગાય છે.નિષાદ કથિત મહિમા આપણા વિષાદને હરે છે.

અંધારું અને અજવાળું બંને સાથે સાચવે એનું નામ વડલો.તેના પાન લીલાં અને ફળ લાલ છે.સાધુરૂપી વડલો અંધારા અજવાળા બંનેને પોતાની બાહૂ-છાયામાં રાખે છે.કોઈના પર સંશય કરવાથી નુકસાન પોતાને જ થાય છે.

રામકથા વડલાઓની છાંયામાં જ થઈ છે.આપણી અંદર રહેલા વિશ્વાસને બ્રહ્મચારી રહેવા દેજો,એને જ્યાં ત્યાં પરણાવતા નહીં.

વિશ્વાસ ત્રણ જગ્યાએ કામ કરે:બુદ્ધિ,હૃદય અને આંખો ઉપર.સારામાં સારા અરીસામાં અંધારાને કારણે પ્રતિબિંબ દેખાતું નથી અને બહાર લાવીએ તો એના ઉપર રજને કારણે દેખાતું નથી.આમ અંદરનું અંધારું એ તમોગુણ,બહારનું અંધારું એ રજોગુણ કોઈ બુદ્ધપુરુષ આવા અંદર અને બહારના અંધકારને ટકવા દેતા નથી.

લગભગ વડલા વાવવા પડતા નથી એમ કહી રાજકોટની કથાને યાદ કરીને જણાવ્યું કે પાંચ-પાંચ વૃક્ષો-વડ,લીમડો પીપળો,બિલી વગેરે વાવજો જેમાં દેવતાઓનો વાસ હોય છે.

વિશ્વાસને વાવવો પડતો નથી એનું બીજ હોય છે. વિશ્વાસનું બીજ છે-રામનામ.વિશ્વાસ રુપી વડલાનું બીજ રામનામ છે અને રામનામનું બીજ વિશ્વાસ છે. મારા જીવનની યાત્રાનું આખિરી પરિણામ કહેવું હોય તો એ રામનામ છે.

વડોદરા પાસેના છાણી ગામનાં મનસુખરામ માસ્તરની કથાનો પ્રસંગ સજળનેત્રે વર્ણવ્યો. ગીતાજીના ૧૭માં અધ્યાયમાં એક શ્લોક કહે છે કે યજ્ઞમાં વિધિ,મંત્ર,દાન-દક્ષિણા,શ્રદ્ધા હોવી જોઈએ આપણા પ્રેમયજ્ઞમાં કોઈનો નિષેધ નથી એ જ એનો વિધિ છે.ભોજન કરાવે છે એ અન્નદાન છે,રામનામ મંત્ર છે,જ્ઞાન ઉપદેશ એ દક્ષિણા છે અને એનામાં શ્રદ્ધાથી જોડાયા છીએ.સિદ્ધ શકતિપાત કરે પણ શુદ્ધ શાંતિપાત કરે છે.

કથાપ્રવાહમાં આગળ વધતા ગઈકાલની હનુમંત વંદના બાદ રામનામ મહિમાનું ગાયન કરતાં જણાવ્યું કે રામે ધનુષ્ય-બાણ ગુરુજીને પ્રણામ કરીને લીધા અને અંતે લીલા કર્મ પૂરું કરતા ગુરુને પ્રણામ કરીને પાછા મૂકી દીધા.આ ધનુષ્યના અનેક રૂપ માનસમાં દેખાય છે.ધનુષ્ય બાણ વિજ્ઞાનમય છે,કૃષ્ણના હાથમાં રહેલી વાંસળી પ્રેમમય છે.

કોઈ વિધિ વગર માત્ર વિશ્વાસપૂર્વક રામનામનો જપ કરવાની વાત કરી નામ મહિમાના વિશાળ પ્રસંગનું ગાન થયું.

શેષ-વિશેષ:

વિશ્વાસ જ્યાં-ત્યાં ન મુકવો

એક ગામમાં ચોરી થઈ.બહુ મોટી ચોરી.ગામ લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે ગામનો જ ચોર હોવો જોઈએ.પણ કોઈ કબૂલે નહીં.અંતે એવું નક્કી થયું ચાર જણા એક પછેડી લઈને ઉભા રહે,એની નીચેથી આખા ગામના દરેક માણસે વારાફરતી પસાર થવાનું. જેણે ચોરી કરી હશે એ મરી જશે.આખું ગામ વારાફરતી નીકળી ગયું,કોઈ મર્યું નહીં.બીજી વખત પસાર કરાવ્યા તો પણ કોઈ મર્યું નહીં.ત્રીજી વખત પસાર કરાવ્યા,કોઈ મર્યું નહીં! બધાએ વિચાર કર્યો કે આવું કેમ બને?પણ પછી ખબર પડી કે જે ચાર જણા છેડો પકડીને ઉભા હતા એ જ ચોર હતા! સમાજની આ જ દશા કાળે-કાળે થતી હોય છે.

Related posts

એમ્બિયન્સ મોલ ગુડગાંવ ખાતે વિસ્તરણની પળોમાં કીકો સૌથી મોટો ફ્લેગશિપ સ્ટોર ખોલે છે

viratgujarat

કેસિયો ગુજરાતમાં તેની રિટેલ હાજરીને મજબૂત બનાવે છે, વડોદરામાં નવો એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો

viratgujarat

સેમસંગ દ્વારા 22 જાન્યુઆરીના રોજ મોબાઈલ AI એક્સપીરિયન્સીસમાં વધુ એક મોટી છલાંગની ઘોષણા

viratgujarat

Leave a Comment