Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

કોંગ્રેસના સમયમાં વિકાસકાર્યો અટકાવવા, લટકાવવા અને પ્રજાને ભ્રમિત કરવાની રાજનીતિ ચાલતી હતી જ્યારે ભાજપ વિકાસ અને સેવાભાવના માર્ગે કાર્ય કરે છે – શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે પાટણ ખાતે આયોજિત બુથ કાર્યકર્તા સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ પૂર્વે તેઓએ પાટણ વિધાનસભાના બૂથ નંબર ૨૪૦ના પ્રમુખશ્રી શૈલેષભાઈ મગનભાઈ પટેલના નિવાસસ્થાને જઈ ભોજન ગ્રહણ કર્યું હતું તેમજ બાળકોને નોટબુકનું વિતરણ કર્યું હતું.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધનની શરૂઆત પાટણની પવિત્ર ધરતી, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળની કર્મભૂમિને વંદન કરતા કરી હતી અને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત તેનું સંગઠન છે, જ્યાં સામાન્ય બૂથનો કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ સાથે મંચ પર સ્થાન મેળવે છે. વર્ષો સુધી અનેક વરિષ્ઠ કાર્યકર્તાઓએ ભાજપને મજબૂત બનાવવા સિંહફાળો આપ્યો છે અને આજે ભરબપોરે વિશાળ સંખ્યામાં હાજર રહેલા નિષ્ઠાવાન કાર્યકર્તાઓને જોઈ ગર્વ થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભાજપનો કાર્યકર્તા દેવદુર્લભ છે, આવા સમર્પિત કાર્યકર્તાઓ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પાસે જ છે.

શ્રી વિશ્વકર્માએ પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ગૌરવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અહીં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, રાણી કી વાવ અને વિશ્વવિખ્યાત પટોળા જેવી ધરોહર છે જેને જીઆઇ ટેગ પ્રાપ્ત થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાં અને નાના વેપારીઓને મજબૂત બનાવવા માટે અનેક સંકલ્પો કર્યા છે. ખાદીના પ્રચાર માટે ૨ ઓક્ટોબરે કરાયેલ સંકલ્પ બાદ આજે સમગ્ર દેશમાં ખાદીનું વેચાણ લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેની ચિંતા કરી છે. તેમણે સહકાર આંદોલનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે સહકારી ડેરી આંદોલનની શરૂઆત માત્ર દસ લોકો સાથે કરી હતી અને આજે અમૂલ ડેરી વિશ્વના બજારમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી લગભગ એક લાખ કરોડથી વધુનું ટર્નઓવર કરી રહી છે. ગામડાં મજબૂત બને તે દિશામાં ભાજપ સરકાર સતત કાર્ય કરી રહી છે.

પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, બહુચરાજી વિસ્તારમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી સ્થાપિત થતાં
જિલ્લાના વિકાસને નવી દિશા મળી છે. એક સમયે કોઈ કલ્પના પણ કરી શકતું નહોતું કે અહીં મારૂતિ કારનું ઉત્પાદન થશે, પરંતુ આજે અહીં કારનું ઉત્પાદન થાય છે અને તેનું નિકાસ પણ થાય છે. આ એક ઇન્ડસ્ટ્રી જ સવા લાખથી વધુ લોકોને સીધા કે આડકતરી રીતે રોજગાર પૂરો પાડી રહી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા સ્વપ્નોને વાઇબ્રન્ટ ગુજરાત જેવી પહેલ થકી સાકાર કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આજે પાટણ મેડિકલ ક્ષેત્રમાં હબ તરીકે ઉભર્યું છે જ્યાં આસપાસના રાજ્યોમાંથી પણ લોકો સારવાર માટે આવે છે અને ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ થયો છે. વડાપ્રધાનશ્રી મોદીજીએ સરદાર સાહેબે જોયેલા સ્વપ્નને સાકાર કરી સરદાર સરોવર ડેમ પૂર્ણ કર્યો અને તેની ઊંચાઈ વધારી. કોંગ્રેસ આજે અંદરના વિખવાદો અને સંકટોથી ઘેરાયેલી છે અને માત્ર બચવા માટે સંઘર્ષ કરી રહી છે.

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવા અને દરવાજા લગાવવાની મંજૂરી આપવી અટકાવી હતી અને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉપવાસ પર બેસવું પડ્યું હતું. પરંતુ વડાપ્રધાન બન્યા બાદ માત્ર ૧૭ દિવસમાં ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી વિકાસનો માર્ગ મોકળો કર્યો. આજે સરદાર સરોવરથી પાટણ સુધી પાણી પહોંચાડવાનું ઐતિહાસિક કાર્ય ભાજપ સરકારે કર્યું છે અને ૭૫ હજાર કિલોમીટર લાંબું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. એક સમય એવો હતો જ્યારે સાબરમતીમાંથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, પરંતુ વડાપ્રધાન મોદીએ આ ઇતિહાસ બદલી નાખ્યો છે.

તેમણે જણાવ્યું કે શિક્ષણ, રોજગાર, કૃષિ, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ અને સિંચાઈ જેવી તમામ ક્ષેત્રોમાં વિકાસની ભેટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપી છે. આજે પાટણ વિશ્વના નકશામાં પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે. ચારણકા સોલર પાર્ક ગુજરાતને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આગળ રાખે છે અને દુનિયા આજે જેની ચર્ચા કરે છે તે માર્ગ પાટણે વર્ષો પહેલા અપનાવ્યો હતો. એક સમય એવો હતો જ્યારે પાણીની અછતને કારણે પાટણ જિલ્લો ડાર્ક ઝોનમાં ગણાતો હતો, પરંતુ ભાજપ સરકારે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો. કોંગ્રેસે ૬૦ વર્ષ સુધી શાસન કર્યું છતાં વિકાસના મોટા કાર્યો કરી શકી નહીં. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાસે આજે નેતૃત્વ, નીતિ અને નિયત ત્રણેયનો અભાવ છે. કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસમાં રહીને તેમણે જીવનના અમૂલ્ય વર્ષો બગાડ્યા તેવો અહેસાસ થઈ રહ્યો છે.

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે આજે વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થા ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે માન્યતા મેળવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે પાટણના વિકાસ માટે વિઝનરી અને વિકાસશીલ નેતૃત્વની જરૂર છે અને ભાજપના વિચારધારા ધરાવતા નેતૃત્વ દ્વારા જ રોકેટ ગતિએ વિકાસ શક્ય છે. કોંગ્રેસ માત્ર દેખાવો કરવામાં, ખોટો વિરોધ કરવામાં અને જુઠ્ઠુ બોલવામાં નંબર 1 છે. કોંગ્રેસના સમયમાં પ્રોજેક્ટ અટકાવવા, લટકાવવા અને પ્રજાને ભ્રમિત કરવાની રાજનીતિ ચાલતી હતી જ્યારે ભાજપ વિકાસ અને સેવાભાવના માર્ગે કાર્ય કરે છે.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી તથા ઉત્તર ઝોનના પ્રભારીશ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખશ્રી રમેશભાઈ સિંધવ, જિલ્લા ભાજપના પ્રભારીશ્રી સત્યેનભાઈ કુલાબકર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર, પૂર્વ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત, સહિત ભાજપા આગેવાનો, અગ્રણીશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમ ‘અવસર’નું સફળ સમાપન

viratgujarat

મંત્રા ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં ‘પિચકારી સ્પ્લેશ’ હોળી પાર્ટીનું આયોજન : બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ

viratgujarat

દેશના ૭૭ માં ગણતંત્ર દિવસના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો

viratgujarat

Leave a Comment