અમદાવાદ: વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા આયોજિત, મા ભારતીના પ્યારા ક્રાંતિવીરોની શહાદતને નમન કરવાનો પુણ્ય અવસર એટલે ‘વીરાંજલિ’. છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ દ્વારા શહીદોના બલિદાનને યાદ કરી યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવે છે. વર્ષ 2026માં વંદે માતરમ્ ગીતને 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે નિમિત્તે કે 23 માર્ચના રોજ સાણંદમાં વિરાંજલી ગ્રાઉન્ડ, એકલિંગજી રોડ ખાતે રાત્રે ૮-૦૦ કલાકે થી ‘વીરાંજલિ 2.5’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શૌર્યગાથાઓ ડાયરાના માધ્યમથી રજૂ કરશે. જેમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ જેવા દિગ્ગજ કલાકારો પોતાની કળા દ્વારા શહીદોને અંજલિ આપશે. ઉલ્લેખનીય છે કે 23 માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, જેમના બલિદાનથી નવી પેઢીને અવગત કરાવવા માટે આ ભારતનો એકમાત્ર ક્રાંતિવીરો પરનો વિશેષ કાર્યક્રમ છે.
આ વર્ષે કાર્યક્રમમાં ડાયરા ઉપરાંત મેર રાસ, દીકરીઓનો તલવાર રાસ અને સાંઈરામ દવે લિખિત ‘આરતી વીર જવાનો કી’ મુખ્ય આકર્ષણ રહેશે. સાથે જ આકાશમાં એક ભવ્યાતીભવ્ય ડ્રોન શો પણ યોજાશે જે પ્રેક્ષકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
વીરાંજલિ સમિતિ અને GTPL દ્વારા આ આયોજનને જન-જન સુધી પહોંચાડવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.
