શ્રીનગર1 દિવસ પેહલા
કૉપી લિંક
આ વખતે નેશનલ કોન્ફરન્સે 56 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ગાંદરબલ અને બડગામની બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી છે.
જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકાર બનાવવા માટે ગુરુવારે (10 ઓક્ટોબર) ધારાસભ્ય દળની બેઠક મળી હતી. બેઠકમાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઓમર જમ્મુ-કાશ્મીરના નવા CM બનશે.
જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં નવી સરકાર બનવા જઈ રહી છે. INDIA ગઠબંધનનું 3 સભ્યોનું પ્રતિનિધિમંડળ શુક્રવારે એલજી મનોજ સિન્હાને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથગ્રહણ સમારોહ 13 અથવા 14 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા છે.
ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે. જો કે રાજ્ય સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહીં હોય. નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર કોંગ્રેસને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે.
કોંગ્રેસ તરફથી ડુર્રુ સીટના ધારાસભ્ય જીએ મીર અથવા રાજ્ય અધ્યક્ષ અને સેન્ટ્રલ શાલટેંગના ધારાસભ્ય તારિક હામીદ કર્રાને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળી શકે છે.
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનને 49 બેઠકો મળી હતી. ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક સીટ મળી હતી. બહુમતીનો આંકડો 46 છે.
ભાજપે 29 સીટો જીતી, PDPને માત્ર 3 સીટો મળી
8 ઓક્ટોબરે જાહેર કરાયેલ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 29 બેઠકો જીતી હતી. ગઈ ચૂંટણીની સરખામણીમાં પાર્ટીને 4 બેઠકોનો ફાયદો થયો છે. જો કે, જમ્મુ અને કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દર રૈના નૌશેરા સીટ પરથી NC ઉમેદવાર સામે લગભગ 8 હજાર મતોથી હારી ગયા હતા. તેમણે પોતાનું રાજીનામું પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પાર્ટી PDPને 3 બેઠકો મળી છે. ગઈ ચૂંટણીમાં પાર્ટીને 28 બેઠકો મળી હતી. મહેબૂબાની પુત્રી ઇલ્તિજા મુફ્તી, જે પહેલીવાર ચૂંટણી લડી રહી હતી, તે શ્રીગુફવારા બિજબેહરા બેઠક પરથી 9 હજારથી વધુ મતોથી હારી ગઈ હતી.
જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીએ પહેલીવાર જીત નોંધાવી છે. ડોડા બેઠક પરથી મેહરાજ મલિકે ભાજપના ગજયસિંહ રાણાને 4500થી વધુ મતોથી હરાવ્યા હતા. જ્યારે પીપલ્સ કોન્ફરન્સે એક સીટ જીતી હતી. 7 સીટ પર અપક્ષનો વિજય થયો હતો. સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુના ભાઈ એજાઝ ગુરુને સોપોર બેઠક પરથી 129 મત મળ્યા હતા.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામોનું એનાલિસિસ…
નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસઃ ભાજપ સામેનો ગુસ્સો વોટમાં ફેરવાયો
નેશનલ કોન્ફરન્સે 42 સીટો જીતી છે. જેમાં કાશ્મીર વિસ્તારમાંથી 35થી વધુ બેઠકો મળી છે. નેશનલ કોન્ફરન્સે આ વખતે 56 સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ગાંદરબલ અને બડગામની બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. સીટ શેરિંગ મુજબ કોંગ્રેસને 32 સીટો મળી હતી.
નેશનલ કોન્ફરન્સ સૌથી મોટી પાર્ટી બનવા પર રાજકીય નિષ્ણાત અઝહર હુસૈન કહે છે, ‘પાર્ટી નેતૃત્વએ કલમ 370 નાબૂદ કરવા સામે મજબૂત અવાજ ઉઠાવ્યો હતો. એ ભાવના લોકોમાં જાળવી રાખી. જેના કારણે લોકોમાં ભાજપ સામેનો રોષ નેશનલ કોન્ફરન્સના મતમાં ફેરવાઈ ગયો.
BJP: જમ્મુમાં દબદબો યથાવત, લગભગ 70% સીટો જીતી
2014ની ચૂંટણી કરતાં આ વખતે ભાજપને જમ્મુમાં ચાર બેઠકો વધુ મળી છે. 2014માં પાર્ટીએ અહીં 25 સીટો જીતી હતી. જમ્મુમાં ભાજપની મજબૂત પકડ છે. અહીં તેને નુકસાનનો ડર હતો, પરંતુ તે પોતાના મત બચાવવામાં સફળ રહ્યું. જો કે, તેના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈના ચૂંટણી હારી ગયા હતા. હાર બાદ તેમણે પોતાનું રાજીનામું પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યું હતું.
જો કે પાર્ટી સીટોની દ્રષ્ટિએ બીજા સ્થાને છે, પરંતુ તેને સૌથી વધુ 25.64% વોટ મળ્યા છે. આ નેશનલ કોન્ફરન્સ કરતાં લગભગ 2% વધુ છે.
જો કે આ વખતે પણ કાશ્મીરમાં ભાજપ ખાલી હાથે જ રહ્યું. તેણે કાશ્મીરની 19 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં ગુરેઝ સીટ પર પાર્ટી જીતની દાવેદાર હતી. પાર્ટીના ઉમેદવાર ફકીર મોહમ્મદ ખાન અહીં માત્ર 1132 મતથી હારી ગયા. આ પહેલીવાર છે જ્યારે બીજેપીનો ઉમેદવાર બીજા ક્રમે છે.
PDP: મોટા નેતાઓ હારી ગયા, ભાજપ સાથેની મિત્રતાનું નુકસાન
પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી આ વખતે સૌથી વધુ નુકસાનમાં છે. 2014ની સરખામણીમાં તેને 25 સીટોનું નુકસાન થયું છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી બિજબેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગઈ હતી. લોકસભા ચૂંટણીમાં મહેબૂબાની હાર બાદ મુફ્તી પરિવાર માટે આ બીજો મોટો ઝટકો છે. નિષ્ણાતો ભાજપ સાથેના જુના ગઠબંધનને પીડીપીની હારનું કારણ માને છે.