Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વિશ્વ પ્રસિદ્ધ ફિલોસોફર ઓશોનાં ૯૫માં જન્મોત્સવ પર તેની કર્મભૂમિ જબલપુરથી ૯૬૮મી રામકથાનો આરંભ

રામનામ પર ઓશોનું પુસ્તક જ નહીં મસ્તક છે.

“રામના હાથમાં શસ્ત્ર શોભે એવા કોઈના હાથમાં શોભતા નથી”:ઓશો.

ઓશોને સહજ થઈને જ સમજી શકાય છે.

વર્તમાન વિશ્વના પ્રબુદ્ધ દાર્શનિક,ક્રાંતિકારી બુદ્ધ પુરુષ,નવ સન્યાસના પ્રણેતા અને પ્રખર વક્તા ઓશોના ૯૫માં જન્મોત્સવ નિમિત્તે સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ જબલપુરથી શનિવારે રામકથાનો મોરારિબાપુ દ્વારા આરંભ થયો

આરંભે મુખ્ય મનોરથી રામકથા સમિતિ જબલપુર દ્વારા સ્વામી એકાન,સ્વામી વિશ્રુલજી,અજ્ઞેય ભારતીજી દ્વારા દીપ પ્રાગટ્ય પછી ઓશોના નાના બહેન માનિષાજીએ સ્વાગત ભાવ રાખતા જણાવ્યું કે ઓશો ૫૯ વરસમાંથી ૨૦ વરસ જબલપુર રહ્યા,આ ભૂમિ  કર્મભૂમિ,તપોભૂમિ બની રહી ઓશોએ સાત પુસ્તકોનાં નામ રામ પર રાખેલા.બાપુનું સ્વાગત અને સન્માન થયું.

સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો;

સો એક રામ અકામ હિત નિર્વાણ પ્રદ સમ આન કો

જા કી કૃપા લવલેસ તે મતિ મંદ તુલસીદાસ હૂ ;

પાયો પરમ વિશ્રામુ રામ સમાન પ્રભુ નાહી કહૂં

-ઉત્તરકાંડ

અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન રામ અને હનુમાનજીની અસીમ કૃપાથી સ્વાંત: સુખાય કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે.ઓશોની પરમચેતનાને પ્રણામ કરીને ઓશો પ્રેમીઓ સાધકો સંન્યાસીઓને પ્રણામ કરતાં બાપુએ કહ્યું કે જાગૃતિ,જાગરણ, બુદ્ધત્વ પ્રાપ્ત કરવાની અને આ દર્શન કરવાની ક્રિયા જ્યાં થઈ એ ભૂમિ પર કથા કરીએ છીએ.

પૂનામાં એક કથા ‘માનસ નૃત્ય’ પર કરેલી એ પછી અરુણ સ્વામીજી સાથે ઓશો પર ચિંતન થયેલું. ઓશો જ્યાં સુધી રહ્યા અને બોલતા રહ્યા એનું સંચાલન કરનાર પણ ખૂબ જ ભાગ્યશાળી છે. લગભગ બધા જ બુદ્ધપુરુષોના સ્થાન ઉપર જઈને અનુષ્ઠાન કર્યું છે.રમણ મહર્ષિ રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ અરવિંદ,કબીર,નાનકદેવ,મીરાંનું મેવાડ, નરસિંહ મહેતા,તુકારામ,જ્ઞાનેશ્વર વગેરેના સ્થાન પર ગયા અને આજે ઓશોના સ્થાન ઉપર જ્યાં પ્રકાશ સંબોધી પ્રાપ્ત થઈ એ ભૂમિ ઉપર રામની મર્યાદા, વિવેક,સંયમ,મધુર વાણી,વિનમ્ર વિવેક,વૈરાગ,શીલ, સમર્પ,બધાનો સ્વિકાર કરવાનો સ્વભાવ-આ બધાનું ગાન કરવા આવ્યો છું.મારું મૂળ તો રામકથા છે ઓશોએ પણ સ્વાન્ત: સુખાય પર પોતાનું પ્રવચન કર્યું છે.

રામનામ પર ઓશોનું પુસ્તક જ નહીં મસ્તક છે. ચિંતન છે.

વિશ્વાસ રાખજો રામ ખૂબ જ સુંદર છે.રામની સુંદરતા જેણે પ્રાપ્ત નથી કરી એને દુનિયામાં કશું જ પ્રાપ્ત નથી કર્યું.રામના હાથમાં શસ્ત્ર શોભે એવા કોઈના હાથમાં શોભતા નથી એવું ઓશોએ કહ્યું છે આ રામકથાના મારા યજમાન ઓશો છે.

ઘણી ધારાઓ જેને સંબોધિ કહે,કોઈ નિર્વાણ કહે છે શંકરાચાર્ય જેને મોક્ષ કહે છે,સંત પરંપરામાં કબીર સાહેબ પૂરેપૂરું પામ્યો એવું કહે છે,,એ જ મુક્તિ, પરમ ગતિ,,પરમ જાગરણ એ જ અવસ્થા ને તુલસીદાસજી પરમ વિશ્રામ કહે છે.એટલે આ કથાનો વિષય ‘માનસ પરમ વિશ્રામ’ રાખ્યો છે જે સંબોધીનો પર્યાય છે.

કબીરા કુવા એક હે,પનિહારી અનેક;

બળતણ સબ ન્યારે ભયે,પાની સબમે એક.

હું ઓશોનો ખભો પકડીને મારે જે કહેવું છે એ રામની મર્યાદાને રાખીને કહીશ.ઓશો સહજ થઈને સમજી શકાય છે.આચાર્ય હતા ત્યારે શ્રમ છે, ભગવાન થયા ત્યારે વિગત શ્રમ બન્યા ઝોરબાદી બુદ્ધ થયા ત્યારે વિશ્રામ પામ્યા અને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું ત્યારે પરમ વિશ્રામ પામ્યા.

રામચરિત માનસમાં રજનીશ શબ્દ ક્યાં છે એ પણ બાપુએ બતાવ્યું.

ઉત્તર કાંડના સમાપનમાં જે છંદ તુલસીદાસજી લખ્યો છે એ આ કથા માટે પંક્તિના રૂપમાં પસંદ કર્યો છે

ગ્રંથ મહાત્મ્ય વિશે વાત કરતા કહ્યું કે પહેલા દિવસની કથા શ્રવણ,બીજા દિવસની કીર્તન,ત્રીજા દિવસની કથા સ્મરણ છે.ચોથા દિવસની કથા પાદસેવન,પાંચમા દિવસની અર્ચનં,છઠ્ઠા દિવસની વંદન,સાતમા દિવસની દાસ્ય-શરણાગતિ,આઠમા દિવસની સખ્ય-મૈત્રી અને નવમા દિવસની આત્મ નિવેદન પરમ વિશ્રામ છે.વિવિધ વંદનાઓ અને હનુમંત વંદના પર કથા અટકી.

==========

Related posts

યુવાન પુરુષોએ હવે પ્રોસ્ટેટ કેન્સર વિશે શા માટે ચિંતા કરવાની જરૂર છે

viratgujarat

દુબઈ સમર સરપ્રાઈઝ: આકર્ષક અનુભવો અને અવિસ્મરણીય ગ્રાન્ડ સેલ ઓફર્સ સાથે પરફેક્ટ ફેમિલી ગેટવે

viratgujarat

કોટક મહિંદ્રા બેન્ક દ્વારા સેહત કા સફરની 3જી આવૃત્તિ રજૂ કરાઈઃ કમર્શિયલ વેહિકલ ડ્રાઈવરો માટે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય તપાસ શિબિરો

viratgujarat

Leave a Comment