Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

૨૦૦ વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ જેતલપુરધામનો મહિમાં આજે પણ એટલો જ અકબંધ છે -શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ’માં ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ.પૂ.ધ.ધું કૌશલ્યપ્રસાદ મહારાજજી, પ.પૂ. તેજેન્દ્રપ્રસાદ મહારાજજી પ.પૂ. વજેન્દ્રપ્રસાદ મહારાજજી તથા સ્વામી નિર્ગુણદાસજી મહારાજ સહિત ઉપસ્થિત સર્વે સાધુ સંતોને વંદન કરી ‘જય સ્વામિનારાયણ’ના નાદ સાથે હરિભક્તોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભગવાનની અસીમ કૃપાથી આજે જેતલપુરમાં જાણે એક આખું નગર વસ્યું હોય તેવો દિવ્ય સમૈયો ઉજવાઈ રહ્યો છે. તેમણે પોતાના બાળપણના સ્મરણો વાગોળતા કહ્યું કે, નાનપણમાં તેઓ ચાલીને જેતલપુર દર્શનાર્થે આવતા. ૨૦૦ વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ આ સ્થાનનો મહિમાં આજે પણ એટલો જ અકબંધ છે.

સંસ્થાના કાર્યને બિરદાવતા તેમણે એક માર્મિક ઉદાહરણ આપતા કહ્યું કે, આ સંસ્થા એક સ્ટેપ્લર મશીન જેવું કાર્ય કરે છે અને આપણે સૌ તેની પીન સમાન છીએ. જેમ કરોડો રૂપિયાના દસ્તાવેજોને એક નાનકડી સ્ટેપ્લરની પીન સાચવી રાખે છે, તેમ જો આપણું જોડાણ મંદિર અને ભગવાન સાથે હશે તો જ આપણું જીવન અને સંસ્કારો સુરક્ષિત રહેશે. જો આ જોડાણ તૂટ્યું, તો સમજજો કે જિંદગીનો સૌથી અગત્યનો કાગળ વિખેરાઈ ગયો.

મહોત્સવમાં આયોજિત પ્રદર્શનીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓ સામે ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રદર્શની યુવા પેઢીમાં દેશભક્તિ જગાડનારી છે. આ ઉપરાંત ઉભી કરાયેલી બાળનગરી, રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિ જેવા સેવાકીય પ્રકલ્પો સનાતન ધર્મના સાચા પ્રચારનું માધ્યમ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અનુસાર ‘વોકલ ફોર લોકલ’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના સપનાને સાકાર કરવા તેમણે હરિભક્તોને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવા વિનંતી કરી હતી. વર્તમાન વૈશ્વિક યુદ્ધની સ્થિતિ સંદર્ભે શ્રી વિશ્વકર્માએ તમામ ભક્તોને વિશ્વમાં શાંતિ સ્થપાય અને હકારાત્મક વાતાવરણ સર્જાય તે માટે બે મિનિટ સ્વામિનારાયણ ધૂન કરવા આહવાન કર્યું હતું. અંતમાં, ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે સહુને સાથે મળી સહકાર આપવા તેમણે અપીલ કરી હતી.

આ ગરિમામય પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, ભાજપા અગ્રણીશ્રીઓ તથા આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

મુંબઈ નગરીના મુલુંડ વિસ્તારમાં ઉર્જા 500 મહોત્સવનો ઐતિહાસિક, ભવ્ય અને આધ્યાત્મિક આરંભ

viratgujarat

શ્રી સંકટમોચન મહાવીર મંદિર, રાંચરડા, અમદાવાદ મંદિર દ્વારા ત્રીજી રામ રોટી સેવા રથનું મહત્વાકાંક્ષી લોકાર્પણ ૧૮ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારે સાંજે ૬:૪૫ કલાકે કરવામાં આવશે.

viratgujarat

સોમનાથ હેલિપેડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવભીનું સ્વાગત

viratgujarat

Leave a Comment