ગાંધીનગર, 15 ફેબ્રુઆરી, 2026: ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરીએ આજેગાંધીનગરમાંગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે પશ્વિમ રિજનની ઇન્ડિયાસ્કિલ્સ સ્પર્ધા 2025-26નું ઉદ્ઘાટન કર્યું હતું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (NSDC) અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરે છે. ચાર દિવસ ચાલનારી આ સ્પર્ધામાં ભારતના પાંચ પશ્વિમ રાજ્યો, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને મધ્યપ્રદેશના 200 થી વધુ પ્રતિભાશાળી યુવા સ્પર્ધકો સામેલ થયા છે, જેઓ 63 કૌશલ્ય શ્રેણીઓમાં સ્પર્ધા કરશે.
શ્રી જયંત ચૌધરીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ઇન્ડિયાસ્કિલ્સ પશ્વિમ ક્ષેત્રીય સ્પર્ધા એ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ ભારતના કુશળ કાર્યબળના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે આ ઇવેન્ટ પશ્ચિમ ક્ષેત્રના યુવાનોની મજબૂત ટેકનિકલ કુશળતા, શિસ્ત અને મહત્વાકાંક્ષાને દર્શાવે છે. સાથોસાથ એ દર્શાવે છે કે મજબૂત ક્ષેત્રીય પ્રણાલીઓ કેવી રીતે રાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય નિર્માણના માળખામાં યોગદાન આપી શકે છે.
તેમણે સમજાવ્યું કે ઇન્ડિયાસ્કિલ્સની રચના એવી રીતે કરવામાં આવી છે, જેમાં પ્રતિભાશાળી યુવાનો માટે એક સ્પષ્ટ માર્ગ બને છે. યુવાનો સ્થાનિક તાલીમ સંસ્થાઓથી શરૂ કરીને રાષ્ટ્રીય સ્તરે પહોંચે છે અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે આગળ વધે છે. તેમણે ઉમેર્યું કે આ અભિગમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના વિઝનને અનુરૂપ છે, જેમાં નિયમિત શિક્ષણના ભાગ રૂપે વ્યવહારુ, કૌશલ્ય-આધારિત અને ભવિષ્ય માટે સજ્જ કરતા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
પશ્ચિમ ક્ષેત્રના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકતા, શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતના ઔદ્યોગિક વિકાસ માટે પશ્ચિમ ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યો ઉત્પાદન, રસાયણો, નવીનીકરણીય ઉર્જા, ઓટોમોબાઇલ્સ, કાપડ, રત્નો અને ઝવેરાત, બંદરો અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઉદ્યોગોની જરૂરિયાતો સાથે કૌશલ્ય વિકાસને સંકલિત કરવા માટે ગુજરાતે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું છે. રાજ્યમાં ITI નું મજબૂત નેટવર્ક, ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારી અને ભવિષ્યલક્ષી નીતિઓ છે, જેનાથી કૌશલ્ય માત્ર સામાજિક કલ્યાણનું સાધન જ નથી પરંતુ આર્થિક વિકાસને પણ વેગ આપે છે. તેમણે ઉમેર્યું કે પશ્ચિમ ક્ષેત્રમાં ઉદ્યોગની માંગ અને કૌશલ્ય તાલીમ વચ્ચેનું મજબૂત જોડાણ હોવાથી, ભારતને કૌશલ્યથી સજ્જ પ્રતિભા માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના ધ્યેયમાં તે મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેકનોલોજી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લોકોની કામ કરવાની રીત બદલી રહી છે, તેથી ભારત સરકાર કૌશલ્ય વિકાસ, રિસ્કિલિંગ અને સતત અપસ્કિલિંગ પર વિશેષ ધ્યાન આપી કરી રહી છે. SOAR (સ્કિલિંગ ફોર AI રેડીનેસ) જેવી પહેલ દ્વારા, યુવાનોને પ્રારંભિક તબક્કે AI ટેક્નોલોજીનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે અને તેમની કારકિર્દી દરમિયાન તેમના કૌશલ્યોને અપગ્રેડ કરવામાં મદદ કરવામાં આવી રહી છે. આગામી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મંત્રાલય એક એવું કાર્યબળ તૈયાર કરવા માટે મજબૂતીથી કામ કરી રહ્યું છે જે નવીનતા અને એડેપ્ટેબિલિટી સાથે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર હોય.
શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે ઇન્ડિયાસ્કિલ્સ જેવી સ્પર્ધાઓ અંતિમ ધ્યેય નથી, પરંતુ એક લૉન્ચપેડ છે. તેમણે સહભાગીઓને સતત શીખતા રહેવા અને શ્રૈષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે પશ્ચિમ ક્ષેત્રના યુવાનોને MSDE ની પહેલનો સંપૂર્ણ લાભ લેવા, ઉભરતા ક્ષેત્રોમાં તકો શોધવા અને માત્ર નોકરી મેળવનારા તરીકે જ નહીં, પરંતુ ભારતના ઔદ્યોગિક અને તકનીકી વિકાસના આગામી તબક્કામાં યોગદાન આપવા માટે સજ્જ હોય તેવા કુશળ વ્યાવસાયિકો તરીકે સ્વયંને તૈયાર કરવાની અપીલ કરી હતી.
ઇન્ડિયાસ્કિલ્સ એ ભારતની ટોચની રાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધા છે. તેનો ઉદ્દેશ્ય દેશની શ્રેષ્ઠ વ્યાવસાયિક પ્રતિભાઓની ઓળખ કરીને તેમને સહયોગ આપવાનો અને વૈશ્વિક ધોરણો સામે તેમનું આંકલન કરીને પાયાના સ્તરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સુધી સ્પષ્ટ માર્ગ પૂરો પાડવાનો છે, જેમાં વર્લ્ડસ્કિલ્સ સ્પર્ધાનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરમાં શરૂ થયેલી ઇન્ડિયાસ્કિલ્સ સ્પર્ધા 2025-26 માં અત્યાર સુધીની સૌથી વધુ સ્પર્ધકોની ભાગીદારી જોવા મળી છે, જેમાં 63 કૌશલ્ય શ્રેણીઓમાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 3.65 લાખ ઉમેદવારોએ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ દ્વારા નોંધણી કરાવી છે.
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સ્પર્ધકોની ઓળખ કરવા માટે ઇન્ડિયાસ્કિલ્સ ક્ષેત્રીય સ્પર્ધા એક મહત્વપૂર્ણ તબક્કો છે, જેઓ રાષ્ટ્રીય સ્તરની ઇન્ડિયાસ્કિલ્સ કોમ્પિટિશનમાં ભાગ લેશે અને ત્યારબાદ વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશન જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ગાંધીનગરમાં શરૂ થયેલી પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધામાં, 63 કૌશલ્ય શ્રેણીઓમાં સહભાગીઓ સ્પર્ધા કરશે. આમાંથી, 41 કૌશલ્યોનું લાઇવ પ્રદર્શન સાથે સ્થળ પર આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 22 કૌશલ્યોનું મૂલ્યાંકન ઓફસાઇટ ફોર્મેટ દ્વારા કરવામાં આવશે, જેમાં અન્ય પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. આ રીતે તમામ શાખાઓમાં વ્યાપક અને સમાવિષ્ટ મૂલ્યાંકન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
ઉદ્ઘાટન સમારોહમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં અતિથિ વિશેષ તરીકે મહારાષ્ટ્ર સરકારના કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢા અને ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સેહરા; MSDEના અધિક સચિવ શ્રી નિરંજન કુમાર સુધાંસુ; અને MSDEના સંયુક્ત નિયામક શ્રી પ્રવીણ કુમાર સહિત રાજ્ય સરકારો અને NSDCના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ ક્ષેત્ર ભારતની કૌશલ્ય વિકાસ પ્રણાલીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ક્ષેત્રમાં મજબૂત ઔદ્યોગિક આધાર, આધુનિક તાલીમ માટે માળખાગત સુવિધાઓ અને ઘણા ક્ષેત્રોમાં કુશળ યુવાનોનો મોટો સમૂહ ઉપલબ્ધ છે. પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધાનો ઉદ્દેશ્ય નવીનતા, સ્વસ્થ સ્પર્ધા અને ઉદ્યોગ-કેન્દ્રિત શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપીને રાજ્ય-સ્તરીય કૌશલ્ય પ્રણાલીઓને મજબૂત બનાવવાનો છે. આ સ્પર્ધા 18 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે જેમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મર્સ રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયાસ્કિલ્સમાં ભાગ લેશે અને ત્યાંથી તેમને વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી શકે છે.
પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધાનું આયોજન કરીને, ઇન્ડિયાસ્કિલ્સ પહેલ વૈશ્વિક કૌશલ્ય ધોરણોને અનુરૂપ ભવિષ્ય માટે સજ્જ કાર્યબળ બનાવવાના ભારતના મિશનને વધુ મજબૂત બનાવી રહી છે. આ કાર્યક્રમ ભાગ લેનારા યુવાનોને પ્રોત્સાહિત કરશે અને દેશના કૌશલ્ય મિશનને આગળ વધારવા માટે રાજ્યો, તાલીમ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચેના સહયોગને વધુ ગાઢ બનાવવામાં મદદરૂપ બનશે.
