‘કરો યોગ, રહો નિરોગ’ના મંત્ર સાથે 180થી વધુ બાળકો મેળવશે સ્વાસ્થ્ય અને સંસ્કારનું ભાથું; યોગની સાથે સ્પેસ સાયન્સ અને આર્ટ-ક્રાફ્ટનો અદભુત સમન્વય
અમદાવાદ, ગુજરાત | ૧૬મી મે ૨૦૨૬ | નવી પેઢીમાં સ્વાસ્થ્ય, સંસ્કાર અને સર્જનાત્મકતાનું સિંચન કરવાના ઉમદા આશય સાથે બોપલના ઔડા ગાર્ડન ખાતે ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ પ્રેરિત 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો ભવ્ય પ્રારંભ થયો છે.
જે અંતર્ગત આગામી 30 મે, 2026 સુધી ચાલનારા આ કેમ્પમાં 7 થી 15 વર્ષના 180 જેટલા બાળકોએ ડિજિટલ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી પ્રથમ દિવસે જ 76 બાળકોએ અદભુત ઉત્સાહ સાથે યોગાભ્યાસની શરૂઆત કરી હતી.
મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ સાથે આ પ્રેરણાદાયી શિબિરનું ઉદ્ઘાટન બોપલના કાઉન્સિલર શ્રી જાકરભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડૉ. આશિષ પાટીવાલા (ડાયરેક્ટર, YIRF), શ્રી વી. એમ. પટેલ (નિવૃત્ત ઈજનેર, ISRO), શ્રીમતી મોનિકાબેન ભાવસાર (ટ્રસ્ટી, ધીમહી ફાઉન્ડેશન), શ્રી વિકાસ ઠક્કર (TVM કોમ્યુનિકેશન) અને ‘વિજ્ઞાન દાદા’ શ્રી નગીનભાઈ પ્રજાપતિ જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સમગ્ર કેમ્પનું સંચાલન ઈલાબેન દોશી કરી રહ્યા છે. માત્ર યોગ જ નહીં, જ્ઞાન અને મનોરંજનનો ત્રિવેણી સંગમ એવો આ સમર કેમ્પ માત્ર શારીરિક સુખાકારી પૂરતો મર્યાદિત નથી, પરંતુ બાળકોના મન અને બુદ્ધિનો પણ વિકાસ કરે તેવું સુંદર આયોજન છે. આ કેમ્પમાં દરરોજ 1 કલાકના પ્રેરણાદાયી યોગાભ્યાસ બાદ બાળકો માટે ઝુમ્બા ડાન્સ, ડ્રોઈંગ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ યોજાશે.
સાથે સાથે બાળકો વિજ્ઞાનની સફર કરે તે માટે ઉદ્ઘાટનના પ્રથમ દિવસે ઈસરોના નિવૃત્ત એન્જિનિયર શ્રી વી. એમ. પટેલે વિવિધ મોડ્યુલ્સ દ્વારા બાળકોને સ્પેસ સાયન્સની રોમાંચક માહિતી આપીને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા પ્રેરિત કર્યા હતા.
આ કેમ્પ થકી ઉનાળા વેકેશન દરમિયાન બાળકોને પ્રકૃતિની ગોદમાં લાવી સ્વાસ્થ્ય અને સનાતન સંસ્કૃતિ તરફ વાળવાનો એક સરાહનીય અને અનુકરણીય પ્રયાસ છે. સાથે સાથે બાળકો વિડીયો ગેમ્સ અને મોબાઈલની સ્ક્રીન ટાઈમથી દૂર રહી આ કેમ્પમાં કઈક નવું શીખીને આગળ વધે તે માટે આ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
