આજરોજ “વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)” VB-G RAM-G યોજના સંદર્ભે મહાનગર કાર્યાલય ખાતે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.
મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ સાહેબે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ” દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત છે ત્યારે તેમના નેતૃત્વમાં દરેક યોજનાઓ લોકહિતને કેન્દ્ર સ્થાને રાખીને બનાવવામાં આવી છે. દેશના દરેક નાગરિકને પોતાનું ઘરનું ઘર મળે, દેશનો કોઈ નાગરિક ભુખ્યો ન સૂવે તેના માટે મફત રાશન મળે તેની ચિંતા હરહંમેશ પ્રધાનમંત્રીશ્રીએ કરી છે. દેશની મહિલા, બાળકો, યુવા, ગરીબ તથા ખેડૂતો એમ દરેક માટે સરકારે વિવિધ યોજનાઓ બનાવી છે. ભૂતકાળની કોંગ્રેસની સરકાર કોઈ પણ યોજનાને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી.”
મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે “વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)” VB-G RAM-G યોજના એ દેશના દરેક શ્રમિકને વધુ રોજગારી અને વધુ આર્થિક સક્ષમતા આપશે. ભુતકાળનાં ૧૦૦ દિવસને વધારીને ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી તથા ખેતીના સમયમાં ૬૦ દિવસ સુધી યોજનાનું કામ રોકવાની જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે ૧૨૫ દિવસ તથા ૬૦ દિવસ ખેતીની સીઝનમાં એમ કુલ ૧૮૫ દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવી છે. ભુતકાળની કોંગ્રેસ સરકારે અનેક યોજનાઓનાં નામ પોતાના પરિવારના સભ્યોના નામે રાખ્યા છે. દેશની જનતા જાણે છે કે કોંગ્રેસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના અસ્તિત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. આજે ભગવાન શ્રી રામના નામે યોજનાનું નામ રાખવામાં આવતા તેમના પેટમાં તેલ રેડાયું છે.”
મંત્રીશ્રી ૠષિકેશભાઈ પટેલ સાહેબે યોજના વિષે વધુમાં જણાવ્યું હતું કે “મનરેગામાં ૧૫ દિવસે વેતન થતું હતું જે હવે VB-G RAM-G માં સાપ્તાહિક કરવામાં આવશે. આ ઉપરાંત યોજનામાં વધુ પારદર્શિતા લાવવા માટે રિયલ ટાઈમ ડેટા અપલોડ, GPS અને મોબાઇલ આધારીત મોનિટરિંગ તથા બાયોમેટ્રિક અને AI નો ઉપયોગ કરવામાં આવશે.”
આજની પત્રકાર પરિષદમાં મહાનગર અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, પશ્ચિમ લોકસભાનાં સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા , મહાનગરના મહામંત્રીશ્રી પરેશભાઈ લાખાણી અને શ્રી ભુષણભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
