ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીના ગુજરાત પ્રવાસ સંદર્ભે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી.
પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં બુથનો કાર્યકર્તા અને સામાન્ય બેકગ્રાઉન્ડમાથી આવતો કાર્યકર્તા પણ સર્વોચ્ય સ્થાને પહોંચી શકે છે જેના અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે. ચાહે તે મહેસાણામાં વડનગરમાં ગરીબ પરિવારમાં જન્મ લઈ દેશના પ્રધાનમંત્રી થયેલા શ્રી નરેન્દ્રભાઇ મોદી હોય કે પછી અમદાવાદના નારણપુરા ખાતે બુથ એજન્ટ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી સુધીની જવાબદારી મેળવનારા શ્રી અમિતભાઈ શાહ હોય, આવા તો ભાજપ માં અનેક દાખલા છે કે, જેઓના જાહેર જીવનની શરૂઆત એક સામાન્ય કાર્યકર્તા તરીકે થઇ હોય, વોલ પેઇન્ટિંગ કર્યું હોય, ઝંડા લગાવ્યા હોય અને સમય સાથે તેઓએ પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારીઓ નિભાવી નાગરિકોના હદયમાં સ્થાન બનાવ્યું હોય. ભાજપાનો આ ગુણ જ તેને ‘ Party with Difference‘ બનાવે છે.
તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ભાજપાની વિચારધારાને સમર્પિત, યુવાવસ્થાથી જ ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવનાર, બિહાર પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ, રાષ્ટ્રીય યુવા મોરચા મહામંત્રી, છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી ધારાસભ્ય અને બિહાર સરકારમાં મંત્રી તરીકેની સફળ જવાબદારીઓ નિભાવનાર શ્રી નીતિન નવીનજીને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન સોંપવામાં આવી છે. ૪૫ વર્ષની આયુ ધરાવતા શ્રી નીતિન નવીનજી ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્તિ પામ્યા છે.
તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીતિન નવીનજીના ગુજરાત પ્રવાસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ શ્રી નીતિન નવીનજી ૨૦ ફેબ્રુઆરી એ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત ૨૦, ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
શ્રી નીતિન નવીનજી નું ૨૦ ફેબ્રુઆરી, શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે અમદાવાદ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર આગમન થશે જ્યાં ભવ્ય સ્વાગત-અભિવાદન કાર્યક્રમના આયોજન સાથે ભાજપા આગેવાનો અને કાર્યકર્તાઓ તેઓને ગુજરાતની પવિત્ર ધરા પર આવકારશે.
૨૦ ફેબ્રુઆરી, શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે શ્રી નીતિન નવીનજી અમદાવાદમાં નારણપુરા સ્થિત GSC બેંક ખાતે
ગુજરાતના સંસદસભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સાથે સંવાદ કરશે. સાંજે ૫.૩૦ વાગ્યે તેઓ ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે ઇન્ડસ્ટ્રીયાલીસ્ટસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગકારો, ડોક્ટર્સ, વિવિધ એસોસિયેશનના પદાધિકારીઓ સાથે ‘બજેટ મીટ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંવાદ કરશે.
એક સમયે અમદાવાદમાં સાબરમતી નદીમા કચરા અને ગંદકીનું સામ્રાજ્ય રહેતું, ઝુંપડપટ્ટીઓ હતી, સૂકી ભટ્ટ નદી હતી, સર્કસ યોજાતા તે જ સ્થાને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી બનેલો દેશનો સૌ પ્રથમ રિવરફ્રન્ટ આજે વિશ્વસ્તરે ગુજરાત અને દેશની ઓળખ બન્યો છે અને રિવરફ્રન્ટ પર બનેલા આઇકોનિક અટલ બ્રીજ પણ અમદાવાદની નવી ઓળખ બની ગયો છે ત્યારે ગુજરાત પ્રવાસના બીજા દિવસે શ્રી નીતિન નવીનજી ૨૧ ફેબ્રુઆરી, શનિવારે સવારે ૬.૦૦ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોર્નિંગ વોક કરશે. સવારે ૮.૪૫ વાગ્યે તેઓ અમદાવાદના પ્રાચીન, પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે.
૨૧ ફેબ્રુઆરી, શનિવારે સવારે સવારે ૧૧.૦૦ વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ અધ્યક્ષશ્રી નીતિન નવીનજી ગુજરાત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે પ્રદેશ પદાધિકારીશ્રીઓ, ગુજરાતભરમાંથી પધારેલા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સિનિયર આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બપોરે ૨.૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર ખાતે જ તેઓ સોશીયલ મીડિયા ટીમ સાથે પણ બેઠક કરી માર્ગદર્શન આપશે. બપોરે ૪.૦૦ વાગ્યે તેઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ, દેશનું સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી, જ્યાં હાલ ૪૦૦ થી વધુ કંપનીઓ કાર્યરત છે, એવા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ફાઉંડર્સને સંબોધિત કરશે. અને સાંજે સાંજે ૫.૩૦ વાગ્યે તેઓ અમદાવાદના GMDC હોલ ખાતે બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે.
અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું બિરુદ મળ્યું છે. પોળ સંસ્કૃતિ એ અમદાવાદની આગવી ઓળખ બની છે ત્યારે, ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે ૨૨ ફેબ્રુઆરી, રવિવારે શ્રી નીતિન નવીનજી અમદાવાદના ખાડિયા ખાતે સવારે ૧૦.૪૫ કલાકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળશે. ૨૨ ફેબ્રુઆરીએ બપોરે સાડા બાર વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી મળ્યા બાદ નીતિન નવીનજીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે ત્યારે ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓ તેઓના ઉત્સાહપૂર્ણ સ્વાગત માટે અને તેઓને આવકારવા માટે થનગની રહ્યા છે.
આ પત્રકાર પરિષદમાં ભાજપાના પ્રદેશ મહામંત્રીશ્રી પ્રશાંતભાઈ કોરાટ તથા પ્રદેશના મુખ્ય પ્રવકતાશ્રી ડૉ. અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
