મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયામાં પ્રથમવાર આયોજિત પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬’ની ૧૦મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહ્યા હતા.
આ વૈશ્વિક ફોરમમાં વિશ્વના ૬૬ દેશોના ૨,૦૦૦થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો સહભાગી થઈ રહ્યા છે. આગામી તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી યોજાનારા આ ચાર દિવસીય ફોરમમાં વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા, સર્ક્યુલર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે. આ આયોજનથી દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને એક નવી દિશા મળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે ગ્રીન ઇનોવેશન્સ, વેસ્ટ-ટુ-વેલ્થ મોડેલ્સ અને રિસાયક્લિંગ ટેકનોલોજીને પ્રદર્શિત કરતાં ૧૨૫થી વધુ સ્ટોલ્સ ધરાવતાં વિશેષ ‘સર્ક્યુલરિટી એક્સ્પો’ નું પણ વિધિવત ઉદ્ઘાટન કરી નિરીક્ષણ કર્યું હતું.
-:મુખ્યમંત્રીશ્રી:-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર એક એવી વૈશ્વિક ચિંતનયાત્રાનો આરંભ થઈ રહ્યો છે, જે માત્ર અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવાની નહીં, પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાની યાત્રા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનૉમી ફોરમ–2026(WCEF)નું સૌ પ્રથમ વખત ભારતમાં આયોજન થઈ રહ્યું છે. ભારત ઉપરાંત ૬૬ દેશોના પ્રતિનિધિઓ, ૨૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને ૫૫ આંતરરાષ્ટ્રીય વક્તાઓની ભાગીદારી આ ફોરમના વૈશ્વિક મહત્વને દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતના વધતા વૈશ્વિક નેતૃત્વની આ ઓળખ છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા અને જળ વ્યવસ્થાપન તેમજ સંસાધન કાર્યક્ષમતા જેવાં ક્ષેત્રોમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી અનેક પહેલો કરી છે. WCEF–2026 ગુજરાતને પોતાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવાની અને વિશ્વની શ્રેષ્ઠ પ્રથાઓમાંથી શીખવાની તક પૂરી પાડશે.
શ્રી પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરને સર્ક્યુલર ઇકોનોમીના ઉત્તમ ઉદાહરણ તરીકે રજૂ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલો કરવામાં આવી રહી છે. મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બિલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજીને ફેંકી દેવામાં આવતી નથી. અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’ તરીકે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે.
મંદિર અને ટ્રસ્ટની વ્યવસ્થામાંથી નીકળતાં ફૂલ, બિલીપત્ર અને ભોજનના જૈવિક કચરાને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે છે. પ્લાસ્ટિક કચરામાંથી પેવર બ્લોક બનાવવામાં આવે છે તથા સ્થાનિક સખી મંડળની મહિલાઓને તાલીમ આપી આ કાર્ય સાથે જોડવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સર્ક્યુલર ઇકોનોમી ભારતની પ્રાચીન પરંપરાઓનો પણ હિસ્સો રહી છે. રિયુઝિંગ અને રિસાયક્લિંગ આપણાં જીવન સાથે સહજ રીતે જોડાયેલાં છે. ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને કચરા વ્યવસ્થાપનના મોડલ દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ગતિ આપવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે અને સર્ક્યુલર ઇકોનોમી ઊર્જા ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્પષ્ટ માનવું છે કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી. આપણે ગ્રોથ પણ જોઈએ અને ગ્રીનરી પણ જોઈએ, ઇન્ડસ્ટ્રી પણ જોઈએ અને ઇકોલોજી પણ જોઈએ, પ્રોસ્પેરિટી પણ જોઈએ અને સસ્ટેનેબિલિટી પણ જોઈએ, આ જ WCEF–2026ની સાચી ભાવના છે.
