Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પરમ પાવન ગંગાપ્રવાહની સાક્ષી,દેવભૂમિ હરિદ્વારથી ૯૮૦મી કથાગંગાનો શુભારંભ થયો.

ભદ્ર શ્રોતા-વક્તા થવા માટે પ્રભાવ પાવરફુલ, સ્વભાવ પૂઅર અને સદભાવ પ્યોર હોવો જોઇએ.

સાધુ એ છે જે મમત્વ છોડે,પણ મહત્વ ન છોડે.

દંભ પાર્ટટાઈમ નથી હોતો,કાયમ હોય છે.

જ્યારે અહંકાર મટી જાય ત્યારે મુર્શીદ અને શાગીર્દ પ્રેમી અને પ્રિયતમ એક થઈ જાય છે.

આસ્થા અવસ્થાવાળાનાં ચરણોમાં રાખવી, વ્યવસ્થાવાળાનાં ચરણોમાં નહિ.

——————————————–

બીજ પંક્તિઓ:

માગુ માગુ બરુ ભૈ નભ બાની;

પરમ ગભીર કૃપામૃત સાની

-બાલકાંડ

પાવા પરમ તત્વ જનુ જોગીં;

અમૃતુ લહેઉ જનુ સંતત રોગીં

-બાલકાંડ

સેવહિં અરંડુ કલપતરુ ત્યાગી;

પરિહરિ અમૃત લેહિં બિષુ માગી

-અયોધ્યા કાંડ

પરમ સંતો-સાધુઓનાં આશીર્વાદક ભાવ તેમજ મનોરથી પરિવારનાં આવકાર ભાવ બાદ માનસની આ બીજ પંક્તિઓનાં ગાયન સાથે મંગળવારે સાંજે ભરપૂર વહેતી મા ગંગાનાં કિનારે શ્રી પ્રેમનગર આશ્રમ હરિદ્વારની પતિત પાવન ભૂમિ પરથી મોરારિબાપુની ૯૮૦મી રામકથાનો આ બીજ પંક્તિઓનાં ગાયન સાથે શુભારંભ થયો.

આરંભે મા ગંગા અને તમામ તીર્થોને પ્રણામ કરીને કહ્યું કે છેલ્લે ઋષિકેશમાં સાત દીકરીઓનાં મનોરથથી કથા થયેલી ત્યારે સાત જમાઇઓ, યુવરાજો,કુમારોને કથા મનોરથ થયેલો જેની બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી.ઋષિકેશ આશ્રમનાં ષષ્ઠમ પીઠાધીશ વિષ્ણુ દેવાનંદગિરિ અને ત્રિભુવન દાદાની સ્મૃતિનો ભાવ હતો.આ વખતે મા નાં સ્મરણનો ભાવ છે.મા નાંતટ ઉપર બેઠા છીએ,આનાથી મોટી બીજી કઈ મા!

૫૫-વર્ષ પહેલા હરિદ્વારની પહેલી કથાનાં નિમિતમાત્ર મનોરથી મોંઘી મા નું સ્મરણ કરીને કથાનું નામકરણ કરતા કહ્યું કે ગત કથા મૃત્યુલોક ઉપર ગાયેલી. રામચરિતમાન અમૃત તરફ લઈ જાય છે એ દર્શન કરીશું.

ત્રણ પંક્તિમાંથી બે બાલકાંડ અને એક અયોધ્યાકાંડ માંથી લીધેલી છે.

રામચરિત માનસનાં મંથનથી ૧૪-અમૃત પ્રાપ્ત થયા છે.

પહેલા દિવસની કથામાં શ્રોતા અને વક્તાનાં પાંચ પાંચ લક્ષણો કહેતા કહ્યું કે સમુદ્ર મંથનથી વિવિધ વસ્તુઓમાં એક ઉચ્ચશ્રવા નામનો અશ્વ નીકળેલો. શ્રોતાનું પહેલું લક્ષણ ઉચ્ચશ્રવા-એટલે કે જેનાં કાન કથા શ્રવણ માટે ઊંચા થવા જોઈએ.બીજો શબ્દ છે વૃદ્ધશ્રવા:શ્રોતા અનુભવ વૃદ્ધ થઈને,પરિપક્વ થઈને સાંભળે.ત્રીજુ ઉગ્રશ્રવા એટલે કે તીવ્રતાનાં ભાવથી સાંભળે.ચોથું ચક્ષુશ્રવા-આંખ જ કાન બની જાય. પાંચમુ ભદ્રશ્રવા-ભદ્ર થઈને સાંભળે.

એ જ રીતે વક્તાનાં પાંચ લક્ષણ:વક્તા ઉચ્ચૈવચના: નિમ્ન કક્ષાનું ન બોલે.ઉગ્રવચના એટલે કે પોતાની નસ-નસ તોડીને શ્રોતા સુધી પહોંચે.વક્તા વૃદ્ધ વચના-જેનો દરેક શબ્દ અનુભૂતિમાંથી નીકળે.ચક્ષુ વચના-આંખ જ બધું કહી દે તથા ભદ્રવચના એટલે કે અભદ્ર વચન ન બોલે.બુદ્ધ,મહાવીર,શંકરાચાર્યનાં મુખેથી ક્યારેય અભદ્ર વચન નીકળ્યા નથી,લોકમંગલ માટે ભદ્ર જ નીકળે છે.

જ્યારે અહંકાર મટી જાય ત્યારે મુર્શીદ અને શાગીર્દ પ્રેમી અને પ્રિયતમ એક થઈ જાય-એવું રૂમી કહે છે. પ્રગટ પરમાત્મા રૂપી સાધુ આવીને સ્નાન કરશે ત્યારે ગંગામાં એકઠા થયેલા અન્ય પાપો પણ મટી જશે, ગંગા વધુ પવિત્ર બને.સાધુ એ છે જે મમત્વ છોડે પણ મહત્વ ન છોડે.મતલબ સાધુ મા-બાપ,બાળકો, પરિવાર બધું છોડે પણ એનું મહત્વ ન છોડે.પૈસાથી કથા કરે,પણ પૈસા માટે ન કરે.

બાપુએ જણાવ્યું કે મરવા માટે એક જ વખત ઝેર પીવું પડે,પણ જીવવા માટે વારંવાર ઝેર પીવું પડે છે. ભદ્ર શ્રોતા-વક્તા થવા માટે પ્રભાવ પાવરફુલ હોય,સ્વભાવ પૂઅર હોય અને સદભાવ પ્યોર હોય. કારણ કે દંભ પાર્ટટાઈમ નથી હોતો,કાયમ હોય છે. શ્રદ્ધા ઉધાર છે,શંકા પોતાની હોય છે જેની એક જાતક કથા પણ બાપુએ વર્ણવી.

ગ્રંથ મહિમા,ગ્રંથ પરિચય,મંગલાચરણમાં સાત સોપાન રૂપી સીડી,પહેલા સોપાનનાં સાત મંત્રો,વંદના પ્રકરણ,સનાતન ધર્મને હાની અને ગ્લાની કરવા માટે તથાકથિત લોકો પંચદેવોને માનતા નથી.ગણેશને એ લોકો દ્વારપાળ બનાવે છે!સૂર્યને નથી માનતા સૂર્યનમસ્કાર પણ નથી કરતા!વિષ્ણુને,મહાદેવને, માતાજીને નથી માનતા.આપણે ખંડન-મંડન કર્યા વગર પાંચ પરમ તત્વનો આશ્રય કરીશું.આસ્થા અવસ્થાવાળાનાં ચરણોમાં રાખવી,વ્યવસ્થાવાળાનાં ચરણોમાં નહિ.જ્યારે રાજમહેલમાં કોઇ જોકર ઘૂસી જાય છે ત્યારે ખુદ રાજનીતિજ્ઞ નથી બનતો પણ મહેલને સરકસ બનાવી દે છે!

ગુરુવંદના અને હનુમંતવંદના સુધી કથાનું ગાયન કર્યું.

Box

કથા-વિશેષ

બ્રહ્મરૂપ શાસ્ત્ર:

શ્રીમદ ભાગવતનાં ન્યાયથી શાસ્ત્રનાં ૨૭-લક્ષણો વર્ણવાયા છે.

શાસ્ત્ર સત-ચિત-આનંદ છે.સતનાં ત્રણ રૂપ:વિચાર ઉચ્ચાર અને આચાર.ચિત્તના ત્રણ લક્ષણો:એકાગ્ર, પ્રસન્ન અને નિરોધિત.આનંદ ત્રણ પ્રકારના:બ્રહ્માનંદ, પરમાનંદ અને સહજાનંદ.વિશ્વની ઉત્પત્તિ પાલન અને લય પણ ત્રણ પ્રકારના.ત્રણ પ્રકારના પાતક: આધિ દૈવિક,આધિ ભૌતિક અને આધિ દૈહિક.

શ્રી ત્રણ પ્રકારની:માયા,ભક્તિ અને શાંતિ.ત્રણ પ્રકારનાં કૃષ્ણ:દ્વેપાયન કૃષ્ણ,યોગેશ્વર કૃષ્ણ અને ગીતાકાર કૃષ્ણ.વયં પણ ત્રણ પ્રકારનાં:શ્રોતા,વક્તા અને લીલા.ત્રણ પ્રકારના નમસ્કાર:પ્રણામ,દંડવત અને આંખોથી નમન.

આ રીતે ભાગવત આવા ૨૭ પ્રકારના શાસ્ત્ર લક્ષણોની વાત કરે છે.

Box

શેષ-વિશેષ:

મોરારિબાપુની હરિદ્વાર(ઉત્તરાખંડ)ની આ ૧૨મી કથા થઇ રહી છે.

૧૯૭૬થી આજ સુધી માત્ર હરિદ્વાર ખાતે જ ૧૧ રામકથાઓનું ગાયન થયું છે.

અહીં થયેલી રામકથાઓની આછેરી ઝલક:

૧-૧૨૨મી રામકથા-૨૨-૩-૧૯૭૬.

૨-૧૯૦મી રામકથા-૨૦-૩-૧૯૭૯.

૩-૨૧૩મી રામકથા-૧૭-૩-૧૯૮૦.

૪-૩૭૫મી માનસ રામકથા-૧૯-૩-૧૯૮૮.

૫-૪૦૦મી માનસ ગીતા-૪-૧૧-૧૯૮૯.

૬-૫૩૬મી માનસ કુંભકરણ-૨૮-૩-૧૯૯૦.

૭-૬૦૬મી માનસ રાવણ-૨-૪-૨૦૦૩.

૮-૭૦૫મી માનસ ગંગા-૩-૪-૨૦૧૦.

૯-૭૧૬મી માનસ જોગસૂત્ર-૪-૪-૨૦૧૧.

૧૦-૮૭૮મી માનસ હરિદ્વાર-૩૦૪-૨૦૨૦.

૧૧-૮૯૫મી માનસ ગુરુકૂલ-૨-૪-૨૦૨૨.

== સમાપ્ત ==

Related posts

યાત્રાળુઓને રહેવાની ઉત્તમ સગવડ શોધી આપવા માટે મેકમાયટ્રિપે ‘લવ્ડ બાય ડીવોટીઝ’ પહેલ શરૂ કરી

viratgujarat

કથા પણ પૂર્ણ છે,કથા પૂરી થઈ ગયા પછી જ્યાં અવકાશ રહે છે ત્યાં પૂર્ણ કથા બાકી રહે છે.

viratgujarat

થાઇરોઇડ સ્વાસ્થ્ય: મજબૂત ચયાપચય તરફ તમારું પ્રથમ પગલું

viratgujarat

Leave a Comment