ભાવિ આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી યથાવત
જેતલપુર, 10 માર્ચ, 2026: ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05 માર્ચથી તા.11 માર્ચ સુધી ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય કાર્યક્રમ “અવસર”નાછઠ્ઠાદિવસેગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પાવન પ્રસંગે હજારો હરિ ભક્તોને સંબોધન કરતાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમે નાના હતાં ત્યારથી જેતલપુર પૂનમ ભરવા આવતા અને ક્યારેય વિચાર્યું ન હતું કે ભગવાન સ્મામિનારાયણના આશિર્વાદ મળશે. જેતલપુરધામનો 200 વર્ષનો ઇતિહાસ નાનો નથી. તેમણે ઉમેર્યું હતું કે, અહીં જે કામ થઇ રહ્યું છે, તેના પગલે-પગલે અમે ચાલીએ છીએ અને સનાતન ધર્મનો પ્રચાર થઇ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભાવ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, મંદિર સાથે સંપર્ક રહેશે તો તમે જીવંત રહેશે. આપણે બધાએ મંદિર સાથે જોડાણ રાખવાનું છે.આજના ટેક્નોલોજી અને એઆઇના યુગમાં આપણા દિકરા-દિકરીઓનું મંદિર સાથે કનેક્શન નબળું પડશે તો જીવનનું એક અગત્યનું કાગળ ઉખડીને ક્યાંક પડી ગયું હોય તેવો અહેસાસ થશે. તેમણે જણાવ્યું હતું કે, જેતલપુર નગરની આ આધ્યાાત્મિકતાની ભૂમિ ઉપર સ્વચ્છતા, પર્યાવરણ શુદ્ધિ, અંતરિક્ષ વિજ્ઞાનની નગરી, ઓપરેશન સિંદૂરની પ્રદર્શની, બાળ નગરી, રક્તદાન શિબિર, જ્ઞાનવર્ધક મંચ, અને વ્યસન મુક્તિ સંબંધિત પ્રદર્શની ઉભી કરાઇ છે. તેનાથી અહીં મુલાકાત લેતાં દરેક વ્યક્તિ ઘણું ગ્રહણ કરીને જાય છે.
આ પ્રસંગે મેઘમણી પરિવારના નટુભાઈ પટેલ, સ્માર્ટ મીટર્સ ટેકનોલોજીસના રાકેશભાઈ શાહ, ગુજકોમાસોલનાં ચેરમેન બિપિનભાઈ પટેલ, રીટાયર્ડ ચીફ જસ્ટીસ ગુજરાત રાજ્ય શ્રી એ. એલ. દવે જેવા મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
