*મનોરથનું પ્રાણ તત્વ વૈરાગ્ય છે.*
*ગુરુ અને ગ્રંથ તટસ્થ રહી,દૂર રહીને માર્ગદર્શન કરે છે,પરંતુ સદગુરુ અને સદગ્રંથ સાથે-સાથે ચાલે છે.*
*ગુરુ-રથ નહીં સારથી છે.*
*ગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.*
*રથી તો પરમાત્મા છે.*
*હિંમત કરીને પરમાત્મા પાસે ઐશ્વર્ય નહીં આંસુ માંગજો.*
ભૂમિની સાથે અહીં ઉપસ્થિત તમામ લોકોને વંદન નમન અને યાદ કરીને કેન્યાની ખૂબસૂરત હરિયાળી ધરતી પર ચાલતી ભીતરની યાત્રા કરાવતી રામકથાનો શુક્રવારે સાતમાં દિવસમાં પ્રવેશ થયો. ત્યારે બાપુએ જણાવ્યું કે હું તલગાજરડાની માટીથી બનેલા બુદ્ધપુરુષનો એકમાત્ર આશ્રિત છું.
ગુરુને રથ નહીં સારથી બનાવાય.ગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.રથી તો પરમાત્મા છે. ગુરુ અને ગ્રંથ બંનેનું મહત્વ છે.કોઈ સારથી એવો જોયો કે જે રથીને બેસાડીને લગામ છોડી દે! ગુરુ અને ગ્રંથ તટસ્થ રહી,દૂર રહીને માર્ગદર્શન કરે છે. પરંતુ સદગુરુ અને સદગ્રંથ સાથે-સાથે ચાલે છે.
વેદાંત અને ઉપનિષદમાં માત્ર ગુરુ શબ્દ મળે છે પણ મધ્યકાલીન કાળમાં સદગુરુ શબ્દ આવ્યો.સદગુરુ સદૈવ સાથે ચાલે છે.
વિવેક ચુડામણીમાં શંકરાચાર્યજી કહે છે:
*તટસ્થિતા બોધયંતિ ગુરવ: શ્રુતયો યથા;*
*પ્રજ્ઞયૈવ તરેદ્વિદ્વાનીશ્વરાનુગૃહીતયા.*
*-વિવેકચૂડામણિ-૪૭૬*
ગ્રંથ અને ગુરુ દૂર ઊભા-ઊભા માર્ગદર્શન કરીને કહે છે કે તારી પ્રજ્ઞાથી તું તર!ઈશ્વરનાં અનુગ્રહને કારણે તારી પ્રજ્ઞા જાગૃત છે.પણ સદગુરુ જ્યાં સુધી રથીને ભવ સિંધુથી પાર ન કરી દે ત્યાં સુધી સારથી રૂપે સાથે રહે છે,ઉતરતા નથી.રાજ્યનો સાચો સારથી સચિવ હોય છે.હનુમાનજી સચિવ છે અને એ રથની ધ્વજામાં રહીને સાથે-સાથે ગયા છે.
એક ખૂબ મહત્વનો રથ છે જેનું નામ છે:મનોરથ. મનોરથ આંતરિક હોય છે.આ રૂપક ને સમજવા માટે કથાયાત્રામાં રામના પ્રાગટ્ય પછી એક મહિનાનો દિવસ થયો અને નામકરણ સંસ્કાર ચાલુ થયા ત્યારે જણાવ્યું કે હિંમત કરીને પરમાત્મા પાસે ઐશ્વર્ય નહીં આંસુ માંગજો.ભરતજીનો સ્વભાવ અને શીલ રામ જેવા છે.તે બધાનું ભરણ પોષણ કરે છે.કોઈનું શોષણ નથી કરતો,વિશ્વનું પોષણ કરે છે.સ્મરણ કરતા જ શત્રુતાનો નાશ કરે એનું નામ શત્રુઘ્ન પાડવામાં આવ્યું.આ બધા જ નામ વૈશ્વિક છે. વિશ્વામિત્ર દશરથના દરબારમાં આવ્યા ત્યારે વાર ન લાગી,જલદી પહોંચી ગયા કારણકે એનો રથ હતો: મનોરથ.વિભીષણ રામ પાસે મનોરથ કરતા કરતા આવેલો.સુતીક્ષ્ણ પણ રામ આવશે એવો મનોરથ કરીને ફરી રહ્યા છે.
માનસમાં મનોરથ શબ્દનો ઘણી વખત પ્રયોગ થયો છે.આ ગુપ્ત રથ છે,સ્થૂળ નથી.આંખથી દેખાતો નથી માત્ર અનુભવી શકાય છે.આ રથના બે પૈડા છે. સાધુઓ અને સમાધિઓનો અનુભવ છે કે સાધુનો પુરુષાર્થ અને સાધુનું પ્રારબ્ધ એ બે પૈડાઓ છે. મનોબળ અને પ્રાણબળ આ રથના બે ઘોડા છે. બલભદ્ર,સુભદ્ર અને જગભદ્ર સાક્ષી છે.આ રથનું લક્ષ્ય સત્ય,પ્રેમ અને કરુણા છે.આ બધું હોવા છતાં પણ જીવનમાં જો વૈરાગ્ય નહીં આવે તો બરાબર નથી.વૈરાગ્ય મનોબળ અને પ્રાણબળને મજબૂત કરે છે.રાગ અને વિતરાગમાં થોડો ફેર છે.પૈસા માટે સતત આકર્ષણ એ રાગ અને પૈસાને અડવું જ નથી એ વૈરાગ્ય.પણ બંનેના કેન્દ્રમાં પૈસો છે.હું વિતરાગને બદલે વિરાગ,વૈરાગ્ય શબ્દનો પ્રયોગ કરું છું.રાગ અને વિતરાગ બંનેથી પર-એ વૈરાગ્ય છે.મનોરથનું સૌથી મહત્વનું પ્રાણ તત્વ વૈરાગ્ય છે.વિશ્વામિત્ર આવ્યા અને મનોરથના રથમાં રામલક્ષ્મણને બેસાડીને ચાલ્યા ગયા.તેનો મનોરથ હતો-અહલ્યા પાસે લઈ જવા.પોતાના મનોરથથી અહલ્યાનાં મનનો ભાવ પણ આ ઋષિ જાણતા હતા.અહલ્યનાં મનનો મનોરથ પકડાઈ જાય છે,એ મુક્તિ ઈચ્છે છે.કોઈપણ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે સાધુ-સંત આવે છે,આજે પરમાત્મા અહલ્યાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરે છે.શીલનું બહુવચન શીલા કરીએ તો ઈન્દ્રનાં છળથી જેણે શીલ ગુમાવ્યું એ એક જગ્યાએ અનેક શિલ જાણે કે ભેગા કરી,’શીલા’ બનીને બેસી ગઈ.અહલ્યાનાં સ્પર્શનું પ્રાયશ્ચિત કરતા હોય એમ ગંગા સ્નાન કરી રામ લક્ષ્મણ જનકપુર પહોંચ્યા. મનોરથ કરો તો સીતાના ગામ સુધી પહોંચી જવાય! મનોરથ વૈશ્વિક હોવો જોઈએ.સિતા-રામજી સહિત ચારે ભાઇઓનાં વિવાહ તથા વિદાય બાદ અયોધ્યાથી મનોરથમાં બેસીને વિશ્વામિત્રની વિદાય સાથે બાલકાંડનું સમાપન થયું.
== સમાપ્ત ==
