Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય “મામેરા” શોભાયાત્રા યોજાઈ

ગુજરાત, અમદાવાદ ૨૨ જૂન ૨૦૨૫: અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે, પશ્ચિમ અમદાવાદના પાલડી-વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક “મામેરા” શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રથમવાર પાલડી-વાસણાને મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જેને કારણે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ ભવ્ય આયોજનના મુખ્ય યજમાન શ્રી મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, મામેરાના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે તે માટે વાસણાની 131 સોસાયટીઓને 2,000 થી વધુ પત્રિકાઓ વિતરિત કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 10 જેટલી સોસાયટીઓને રથયાત્રાની થીમ પર વિશેષ રૂપે શણગારવામાં આવી હતી.

4 કિલોમીટર લાંબી શોભાયાત્રા અને ભવ્ય સ્વાગત:
23 જૂને, આ ભવ્ય મામેરા શોભાયાત્રા વાસણાના સુગમ ફ્લેટથી સવારે 7 વાગ્યે પ્રસ્થાન કરીને વૃંદાવન ફ્લેટ, લાવણ્ય સોસાયટી, કેસરિયાજી થઈને અરવિંદ સોસાયટી પરત ફરી હતી. લગભગ 4 કિલોમીટર લાંબી આ શોભાયાત્રાનું 31 સ્થળોએ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 10 હજારથી વધુ ભક્તો જોડાયા હતા, જે પશ્ચિમ અમદાવાદમાં આ પ્રકારનું પ્રથમ આયોજન હતું.

મામેરાના પ્રસંગને ભવ્યતા આપવા માટે, યજમાનો દ્વારા વાસણાની દરેક સોસાયટીમાં “રથયાત્રા વેલકમ” ના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન છોટા ઉદેપુરના આદિવાસી સમાજના 31 કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બે દિવસીય આ ઉત્સવમાં લોકગાયક ધરતી સોલંકીના સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વાસણાની અરિહંત સોસાયટીના ચેરમેન શ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે આ વર્ષે સોસાયટીના 40 સભ્યોની ટીમે મામેરાના આયોજન માટે સઘન કાર્ય કર્યું હતું. 23 જૂને અરિહંત સોસાયટીમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.4 દિવસ પહેલાં સોસાયટીને શણગારવામાં આવી હતી.

આ ધાર્મિક ઉત્સવના ભાગરૂપે, ભીમ અગિયારસ નિમિત્તે શુક્રવારે ભગવાન જગન્નાથને કેરીનો મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો, જેનો ભોગ સવારે 9 વાગ્યાથી ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે આ પ્રસાદ ગરીબો અને ભક્તોને વિતરિત કરવામાં આવ્યો હતો.

Related posts

ગુજરાતની ઓળખ, ગરબાની શાન: “ક્રિષ્ના ગરબા એકેડેમી”

viratgujarat

પ્રયાગી કથાની પૂર્ણાહૂતિ; આગામી કથા ૧૮ એપ્રિલથી પાલિતાણાથી યોજાશે

viratgujarat

તેરાપંથ પ્રોફેશનલ ફોરમ દેશભરમાં 101 સ્થળોએ આંખની તપાસના કેમ્પનું આયોજન કરશે.

viratgujarat

Leave a Comment