ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ગતરોજ વિધાનસભા ગૃહ માં રજૂ કરાયેલ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટ સંદર્ભે પત્રકાર પરિષદ સંબોધી હતી.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પત્રકાર પરિષદની શરૂઆત સાહસ અને શૌર્યના પ્રતીક એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે તેમને કોટિ-કોટિ વંદન કરીને કરી હતી. તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રજૂ થયેલા ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર ત્રણ કર્તવ્યો આધારિત કેન્દ્રીય બજેટ રજૂ કરાયું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ‘ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ’ નો મંત્ર આપ્યો હતો તેને જ અનુસરતા ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે ₹૪,૦૮,૦૫૩ કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. આ બજેટ સાડા છ કરોડ ગુજરાતની જનતાની આશાઓનું પ્રતિબિંબ છે, જેમાં ગયા વર્ષ કરતા ૧૦.૨% નો વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ નવા કરવેરા વગરનું આ બજેટ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને વેગ આપશે.
તેમણે જણાવ્યું કે, દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮.૨% છે. ગુજરાતની માથાદીઠ આવક ₹૩,૦૧,૦૦૦ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦% થી પણ વધારે છે અને દેશમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. બજેટમાં સમાજના દરેક વર્ગ, ‘જ્ઞાન’ (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ બજેટ ૨૦૪૭ ના વિકસિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા માટે ‘ક્વોન્ટમ જમ્પ’ સમાન છે.
તેઓએ કહ્યું કે, ગરીબ અને શ્રમિક કલ્યાણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩.૧૫ લાખ નવા આવાસ ની જાહેરાત કરવામાં આવી છે. ૭૫ લાખ કુટુંબોને મફત અનાજ, ૫૦ નવા ધનવંતરી આરોગ્ય રથ અને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ૧૨૧ નવા કેન્દ્રો દ્વારા માત્ર ₹૫ માં પૌષ્ટિક ભોજન ની સુવિધા આપવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે પીએમ જન આરોગ્ય અને મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજના હેઠળ ૨ કરોડ ૭૨ લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. શ્રમયોગીઓના ઉત્કર્ષ માટે ₹૨૬૦ કરોડની અલગ જોગવાઈ કરવામાં આવી છે. યુવા શક્તિ માટે બજેટમાં ‘ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે ₹૨૨૬ કરોડ ફાળવાયા છે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રિસર્ચ પાર્કની સ્થાપના થશે, જેથી યુવાનોમાં રિસર્ચની જિજ્ઞાસા વધે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદના i-Hub ના તર્જ પર સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે રીજનલ સેન્ટર સ્થાપવામાં આવશે.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે ૧૬ નવી સરકારી કોલેજો, ૯૨૬ નવી પીએમ શ્રી શાળાઓ અને ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અત્યાધુનિક લાઈબ્રેરી બનશે. ૨,૦૦૦ જેવી નવી આંગણવાડીઓ માટે ₹૩૬૦ કરોડની જોગવાઈ કરાઈ છે અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ₹૪૦૦ કરોડ ફાળવાયા છે. ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે કૃષિ રાહત પેકેજમાં ₹૧૧,૦૦૦ કરોડથી વધુની ફાળવણી કરી છે. ૧૮,૦૦૦ કરોડથી વધુની કિંમતના (મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસ) ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદીની વાત કરાઇ છે. કિસાન ક્રેડિટ અંતર્ગત વ્યાજ સહાય માટે ₹૧,૫૩૯ કરોડ ફાળવાયા છે. એક ઐતિહાસિક નિર્ણય મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી અવિભાગ્ય શરતની જમીનો હવે સ્વમેળે જૂની શરતની ગણાશે, જેનાથી ખેડૂતોને પ્રીમિયમમાંથી મુક્તિ મળશે. પશુપાલકો માટે ચાર ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરાઈ છે.
તેમણે કહ્યું કે, નારી સશક્તિકરણ અંતર્ગત ‘લખપતિ દીદી’ અભિયાન અને આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી ‘કૌશલ્ય લક્ષ્મી યોજના’ જાહેર કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજનાના કારણે ધોરણ ૯ થી ૧૨ ના પ્રવેશમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આદિવાસી વિકાસ માટે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ₹૩૫,૦૦૦ કરોડથી વધુ ની માતબર રકમ ફાળવવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં ઉદ્ધવન સિંચાઈ યોજના અને ૫ નવી જીઆઈડીસી સ્થાપીને રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. અનુસૂચિત જાતિ/જનજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા ₹૨.૫૦ લાખથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી છે.
તેઓએ વધુ માહિતી આપતા કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે શહેરોનું ભારણ ઘટાડવા કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર એમ ૫ નવા સેટેલાઈટ ટાઉન વિકસાવવામાં આવશે. ૧,૧૫૫ કિમીનો ‘ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર’ અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે નિર્માણ પામશે. ‘વિકસિત ગુજરાત ફંડ’ માટે ₹૫૦,૦૦૦ કરોડની અલાયદી જોગવાઈ કરાઈ છે. ગ્રીન ગ્રોથ માટે કડાણા ડેમ પર ફ્લોટિંગ સોલાર અને ‘ડમ્પ ફ્રી ગુજરાત’ માટે ૨૫૩ મેટ્રિક ટન કચરાના નિકાલની વ્યવસ્થા કરાશે. ઉદ્યોગો માટે ૨૫ GIDC ને સ્માર્ટ બનાવાશે અને ૧૨૦ મીની GIDC નું નવીનીકરણ કરાશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી અમદાવાદને ‘કોમનવેલ્થ ગેમ્સ’ ની યજમાની મળી છે. આ માટે શહેરને ‘ઓલિમ્પિક રેડી’ બનાવવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ માટે ₹૧,૨૦૦ કરોડ ફાળવાયા છે. પ્રવાસન ક્ષેત્રે વર્ષ ૨૦૨૬ ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ જાહેર કરાયું છે અને સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ બનાવાશે. ટેકનોલોજીમાં AI અને ડિજિટલ ગવર્નન્સ માટે ₹૮૫૦ કરોડ અને ‘વિકસિત ગુજરાત @2047’ ના લક્ષ્ય માટે ‘GRIT’ સંસ્થાની રચના કરાઈ છે. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ બજેટને ટેલેન્ટ, ટેકનોલોજી, ટ્રાન્સફોર્મેશન, ટુરિઝમ, ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી (6-T) પર આધારિત ગણાવ્યું હતું.
તેમણે અંતમાં ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનાર, વિકાસની ધારાથી કોઈ પણ વર્ગ બાકાત ન રહી જાય તે માટે સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને સર્વ સુખાય સર્વ હિતાય ના મંત્ર સાથે આ બજેટ આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈને ગુજરાત પ્રદેશ ભાજપ અને સાડા ૬ કરોડ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા.
આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અનિરુદ્ધભાઈ દવે તથા પ્રદેશના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
