Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઘર અને ઘટમાંથી રાગ-દ્વેષ નીકળી જાય તો શાંતિ કાયમ નિવાસ કરે. સાધના પછી મળતું ફળ એ મૌન છે અને મૌન રસ છે. શ્રીમદ ભાગવત ગ્રંથબ્રહ્મ છે.

અમેરીકાની બોસ્ટન સ્થિત ઐતિહાસિક હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલતી રામકથામાં કથા આરંભ પહેલા પ્રવચનોની શ્રેણીમાં જેનાં સાત જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે એવા,કૃષ્ણશંકર દાદાનાં કૃપાપાત્ર, જેમણે અધ્યયન-અધ્યાપન માટે ૩૩ વર્ષ ભાગવત વિદ્યાપીઠ-સોવામાં વિતાવ્યા છે,વેદ અધ્યયન માટે બાપુના હસ્તે તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનાં હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો છે એ ડો. અશ્વિનકુમાર રાજગોરે ગૃહસ્થાશ્રમનું મહિમાગાન કરતા શ્રીમદ ભાગવતનાં ત્રીજા સ્કંધનો શ્લોક બતાવ્યો. જ્યાં દેવહૂતિ અને કદર્મ ઋષિની વાત છે. અહીં ગૃહસ્થાશ્રમને ધન્ય કહેવાયો છે. વાનપ્રસ્થાશ્રમમાં પણ સેવા જ કરીએ છીએ પણ સેવા માટે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે.કદર્મ મને દેવભૂતિનાં દાંપત્યની ઉપાસના,સાધનાથી ભગવાન આવ્યા અને નવ કન્યા રૂપે નવધા ભક્તિ આવી.કદર્મ ઋષિએ તપથી અને દેવહૂતિએ સેવા વૃત્તિથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી.

બાપુએ ચોથા દિવસની કથાનો આરંભ કરતા જણાવ્યું કે એક ધર્મગુરુનાં નામ સાથે જોડાયેલી યુનિવર્સિટીમાં એક સદગુરુ રૂપી ગ્રંથ લઈને તલગાજરડા આવ્યું છે.

સદગુરુ જ્ઞાન બિરાગ જોગ કે;

બિબુધ બૈદ ભવ ભીમ રોગ કે.

અનેક જીજ્ઞાસાઓ આવી.બાપુએ કહ્યું કે તમે સવાલ કરો છો,હું સંવાદ કરું છું.

સવાલ એવો હતો કે ઘરમાં,ઘટમાં,પરિવાર અને સમાજમાં શાંતિ નથી.જો કે આ બધાનો પ્રશ્ન છે,પણ એક નાનકડું સૂત્ર છે કે આપણા ઘરમાંથી બે વસ્તુ નીકળી જાય તો શાંતિ કાયમ નિવાસ કરશે,એ છે: રાગ અને દ્વેષ.

બીજો પ્રશ્ન એવો હતો કે કૃષ્ણ ભગવાનને સોળ કલા તો રામ,શંકર અને હનુમાનજીની કેટલી કલાઓ છે? શંકર સકલ કલાગુણધામ છે.રામ પણ પૂર્ણાવતાર છે હનુમાનજીમાં સોળ કળા નહીં પણ સોળ રસ છે. હનુમાન ચાલીસા પર દસ કથા ગાઇ છે,એક બાકી છે જ્યારે પણ સંયોગ થશે ત્યારે આ સોળ રસની વાત  કરીશું.કલા કદાચ અરસિક પણ હોઈ શકે છે. હનુમાનજી અને હનુમાન ચાલીસામાં સાહિત્યનાં નવરસ અને ભોજનનાં છ માંથી એક-મધુર રસ ઉમેરીએ. ઉપરાંત એક મૌનરસ.સાધના પછી મળતું ફળ એ મૌન છે.મૌન રસ છે.

તુલસીજીએ વિવેક વિચાર શબ્દ પ્રતિપાદિત કર્યો એની વાત કરતા બાપુએ કહ્યું વિચાર એ અલંકાર છે શૃંગાર છે પણ ક્યાં પહેરવો એનો વિવેક હોવો જોઈએ.

અક્ષર બ્રહ્મ છે,શબ્દબ્રહ્મ,પદ પણ બ્રહ્મ,છંદ પણ બ્રહ્મ અને રસ પણ બ્રહ્મ છે.ગ્રંથ પણ બ્રહ્મ છે.એટલે જ ભાગવત ગ્રંથબ્રહ્મ છે.

જેટલી માત્રામાં વિચારોનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એટલી માત્રામાં વિવેક નથી આવી રહ્યો.કારણ?બિનુ સતસંગ બિવેક ન હોઇ

હનુમાનજીમાં કથારસ,સેવારસ,વાત્સલ્ય રસ,સખ્ય રસ અને નૃત્યરસ અથવા તો રાસ રસ છે.

ગુરુપ્રસાદ માટે ગુરુદ્વાર જાવું પડશે.

શંકરાચાર્ય,તુકારામ,ગુરુ નાનક,મીરા,નરસિંહ મહેતા આ બધાનો આશ્રય લઈને એક ગુરુપ્રસાદાષ્ટક બાપુએ બનાવ્યું.જેમાં ગુરુ દ્વારા શિક્ષા,દીક્ષા, જ્ઞાનની ભિક્ષા,એ પછી પ્રતીક્ષા,સમીક્ષા અને સૌથી છેલ્લે કસોટી રૂપી પરીક્ષા પ્રાપ્ત થાય છે.

કથા વિશેષ:

ઘર અને ઘટમાં શાંતિ લાવવા શું કરવું?

તુલસીજી વૈરાગ્ય સાંદિપની અને બર્વે રામાયણમાં એનો ઉત્તર બતાવે છે.તુલસીજી લખે છે:

સોઇ પંડિત,સોઈ પારખી,સોઇ સંત સુજાન,

સોઇ સૂર(શૂર) સચિત,સોઇ સુભટ્ટ પ્રમાન,

સોઇ જ્ઞાની,સોઇ ગુનીજન,સોઇ દાતા ધ્યાની,

તુલસી જાકે ચિત્ત ભઈ રાગ દ્વેષ કી હાની.

જેના ચિત્તમાંથી રાગ-દ્વેષ મટી જાય એ પંડિત, વિદ્વાન,પૂજ્ય,પ્રણામ કરવા યોગ્ય,શૂરવીર સચેત, અને સુભટ્ટ છે.

રાગ દ્વેષકી અગિની બુઝાની,કામ ક્રોધ વાસના નસાની

તુલસી જબ શાંતિ ગૃહ આઇ,તબ ઉરહિ ઉર ફિરી દુહાઈ.

રાગ-દ્વેષ મટે અથવા ગ્રુપ પ્રસાદનો આશ્રય કરીએ તો શાંતિ પ્રાપ્ત થઈ શકે.

== સમાપ્ત ==

Related posts

વાપીના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના વિદ્યાર્થીઓએ GUJ-CET 2026 માં પરફેક્ટ સ્કોર્સ સાથે ટોચનો ક્રમ મેળવ્યો

viratgujarat

પ્રથમ આઇવીએફ(IVF) અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઇવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ

viratgujarat

મધુ બાંઠિયાએ FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો, મહિલાઓને કૌશલ્યબદ્ધ કરવા અને સશક્ત કરવા માટેનું વિઝન રજૂ કર્યું

viratgujarat

Leave a Comment