Virat Gujarat
બિઝનેસ

કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો સામનો કરી રહેલ ડિટર્જન્ટ ઉદ્યોગ : 80% લઘુ ઉદ્યોગો બંધ, હજારો શ્રમિકો બેરોજગાર

ગુજરાતમાં આશરે ૮૦૦ મધ્યમ તેમજ લઘુઉદ્યોગ કક્ષાના ડીટર્જન્ટ સાબુ પાવડર ઉત્પાદન કરતી ફેક્ટરીઓ આવેલ છે. આ ઉદ્યોગમાં ૨૫ થી ૩૦ હજાર શ્રમિકો (મજુરો) કામ કરી પોતાની રોજીરોટી મેળવે છે.

ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એસિડ સ્લરીના કાચા માલના ભાવોમાં ૩૦૦% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે ૮૦૦ થી ૮૫૦ જેટલી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગ (MSME) કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ આવેલી છે, જેની સાથે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે. હાલની ગંભીર પરિસ્થિતિને કારણે ૮૦% થી ૯૦% જેટલા એકમો બંધ થઈ ગયા છે, પરિણામે ૧૫ થી ૨૦ હજાર શ્રમિકો બેરોજગાર બનીને પાયમાલ થઈ રહ્યા છે. ગુજરાતના ડિટર્જન્ટ ઉદ્યોગ પર સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી અંગે ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ચેરમેન નરેશ જૈન, સેક્રેટરી દીપકભાઈ સુતરિયા, જોઈન્ટ સેક્રેટરી હિતેશ પિત્રોડા, કમિટી મેમ્બર નીરજભાઈ તેમજ સોપ એન્ડ ડિટર્જન્ટ એસોસિએશન ગુજરાતના ચેરમેન રમેશભાઈ સુદેશા અને સેક્રેટરી હેમાંગભાઈ પટેલે માહિતી આપી હતી.

ડિટર્જન્ટ ઉદ્યોગમાં વપરાતો મુખ્ય કાચો માલ એસિડ સ્લરી (LABSA) ના ઉત્પાદકોએ હાલની વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિનો ગેરલાભ લઈ કૃત્રિમ અછત ઊભી કરી છે. જે કાચા માલનો ભાવ ઓક્ટોબર-નવેમ્બરમાં ૧૦૫ રૂપિયા હતો, તે અત્યારે સ્થાનિક એકમો માટે વધીને ૩૦૦ રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત અન્ય કેમિકલ અને પેકિંગ મટીરિયલ્સમાં પણ અસહ્ય ભાવવધારો થયો છે. સાબુના જે પેકિંગની કિંમત પહેલા ૩૬ રૂપિયા હતી, તે હવે વધીને ૭૦ રૂપિયા થઈ ગઈ છે.

નાના ઉત્પાદકો મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં મલ્ટીનેશનલ કંપનીઓને સીધી સ્પર્ધા આપે છે. હાલમાં મલ્ટીનેશનલ કંપનીઓ 10 રૂપિયામાં 200 ગ્રામ સાબુ વેચી રહી છે (કારણ કે તેમની પાસે જૂનો સસ્તો સ્ટોક છે), જ્યારે નાના ઉત્પાદકોને વધતી પડતરને કારણે 10 રૂપિયામાં 125 ગ્રામ સાબુ વેચવો પણ પોસાય તેમ નથી. આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે નાના એકમોને જાણીજોઈને બંધ કરાવવાનું આ એક મોટું ષડયંત્ર હોઈ શકે છે.

ડિટર્જન્ટ ઉદ્યોગના સંગઠનો સરકારને નમ્ર અપીલ કરે છે કે જો MSME એકમો માટે કાચા માલમાં ૨૦% થી ૩૦% જેટલો ક્વોટા નક્કી કરી આપવામાં આવે, તો આ ઉદ્યોગને નવજીવન મળી શકે છે. એસિડ સ્લરી (LABSA) ના ઉત્પાદકો પણ માનવધર્મ સમજીને વ્યાજબી ભાવે જથ્થો પૂરો પાડે તેવી અપેક્ષા છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો હજારો શ્રમિકોની દિવાળી અંધકારમય બની જશે.

Related posts

ગુજરાત ડિજિટલ પેમેન્ટ્સની ક્રાંતિમાં ભારતના હાઈ-ગ્રોથ હબ તરીકે ઉભરી આવ્યું

viratgujarat

ગાંધીનગરમાં સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરનો પ્રારંભ

viratgujarat

Amazon.in નું AI દ્વારા સંચાલિત હોળી સ્ટોર હવે લાઇવ છે

viratgujarat

Leave a Comment