ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંક લી. અને ધી અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક લી.ના સંયુક્ત ઉપક્રમે “સહકાર થી સમૃધ્ધિ” અન્વયે ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, એ.ડી.સી. બેંક, હેડ ઓફીસ ખાતે ભારત સરકારના ઈન્કમટેક્ષ વિભાગ, અમદાવાદ ધ્વારા સહકારી બેંકોને સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા અને નિયમનકારી જાગૃતિ લાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૩૩ જેટલી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની અર્બન કો.ઓ. બેંકોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આવકવેરા નિયામક, ઈન્ટેલીજન્સ એન્ડ ક્રીમીનલ ઈન્વેસ્ટીગેશન, ગુજરાત, અમદાવાદ, શ્રી અખિલેન્દ્ર પ્રતાપ યાદવ અને તેમની ટીમ ધ્વારા તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૬ ને મંગળવારના રોજ યોજાયેલા સેમિનારમાં વિવિધ બેંકોના સી.ઈ.ઓ. અને ઉચ્ચ અધિકારીઓ માટે નિયમનકારી મુદ્દાઓ જેમ કે, ઈન્કમટેક્ષ સંબંધીત Form 61(B) (FATCA / CRS) કે જે કો-ઓપરેટીવ બેંકોને ફરજિયાતપણે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને રીપોર્ટીંગ કરવાનું હોય છે અને તે માટે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તે અંગે તથા Form 15(G)/15(H), SFT, કેશ ટ્રાન્ઝેકશન રીપોર્ટ – CTR વિશે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના પરિપત્રો અનુસાર દરેક બેંકોને આવકવેરા નિયમો ૧૯૬૨ ના નિયમ ૧૧૪(એફ) માં Form-60, 61(A), 61(B) અને FATCA/CRS માં સ્થાનિક બેંકોએ અહેવાલ આપવો ફરજિયાત છે. તેને ધ્યાને લઈ ઈન્કમટેક્ષ વિભાગ, અમદાવાદ ધ્વારા એ.ડી.સી. બેંક ખાતે યોજાયેલ સેમિનારમાં આવકવેરા નિયમો-૧૯૬૨ ના નિયમ-૧૧૪(એફ) ની વિસ્તૃત સમજૂતી તથા દરેક બેંકોને Form-61(B) માટે નોંધણી કરવા અને રીપોર્ટ ફાઈલ કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી. જેનું પાલન કરવાને પગલે આવકવેરા અધિનિયમ-૧૯૬૧ ની કલમ ૨૭૧(એફ) (એ) હેઠળ થતી દંડનીય કાર્યવાહીમાંથી બચી શકાશે. આ સેમિનારમાં આવકવેરા નિયામક, ગુજરાત, અમદાવાદ શ્રી અખિલેન્દ્રપ્રતાપ યાદવ, આઈ.ટી.ઓ. શ્રી પ્રિયવદન જે. ડોડીયા, શ્રી શશીકાંતકુમાર, શ્રી ટી. જોસેફ અને ઈન્સ્પેકટર શ્રી રોહિત દહીયા એ હાજર રહી વિસ્તૃત માહિતી આપી હતી.
