આજરોજ અદાણી શાંતિગ્રામ ખાતે ASSOCHAM દ્વારા આયોજિત “ગુજરાત: પાવરિંગ ગ્લોબલ ગ્રોથ ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્ટિવ સેશન”માં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગજગતના આગેવાનો, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ASSOCHAM દેશની અમૂલ્ય સંપત્તિ સમાન સંસ્થા છે, જેણે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાજ્ય સરકાર દેશ-વિદેશના રોકાણકારોને અનુકૂળ અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.
તેમણે ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ને પ્રાથમિકતા આપતા જણાવ્યું હતું કે ઉદ્યોગકારોને સરળ, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સતત કાર્યરત છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના તાજેતરના બજેટમાં 25 સ્માર્ટ GIDCના વિકાસ માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે, જે ઔદ્યોગિક વિસ્તારોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને વિકાસને વધુ ગતિ આપશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ગુજરાત દેશનું અગ્રણી મેન્યુફેક્ચરિંગ હબ બની રહેશે અને વર્ષ 2035 સુધી દેશમાં સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ગુજરાતમાંથી ઉભરી આવશે. તેમણે ગિફ્ટ સીટી અને ધોલેરા SIR જેવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ પહેલો ગુજરાતને વૈશ્વિક રોકાણ અને ઉદ્યોગ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવી રહી છે.
આ કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગજગત અને સરકાર વચ્ચે પરસ્પર સંવાદ અને સહકાર વધારવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, સચિવ (પર્યટન) અને મેનેજિંગ ડિરેક્ટર, DCIDL શ્રી કુલદીપ આર્ય, ASSOCHAMના ડિરેક્ટર શ્રી નિર્મલ કે. મીંડા, ASSOCHAM ગુજરાત કાઉન્સિલ અધ્યક્ષ અને સહ અધ્યક્ષ શ્રી ચિંતન ઠાકર, અને શ્રી જયમીન શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
