“શિક્ષણ એ કારકિર્દીનું પ્રથમ પગથીયું છે. શિક્ષિત યુવા જ એક સશક્ત અને શિક્ષિત સમાજની રચના કરે છે.” મહામાનવ અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના આ શિક્ષણ અને સામાજિક ઉત્થાનના વિચારોને સાર્થક કરવાના ઉમદા આશય સાથે, ડૉ. બાબાસાહેબ આંબેડકર શિક્ષણ સમિતિ – અભિગમ ફાઉન્ડેશનનાં સંયોજક ડૉ. હિરેન બેન્કર, શ્રી ભાવિક સોલંકી અને શ્રી હર્ષ મકવાણા દ્વારા એક વિશેષ અને પ્રેરણાદાયી ‘તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ડૉ. હિરેન બેન્કર દ્વારા ઉપસ્થિત તમામ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને ભારતીય બંધારણના આમુખનું સમૂહ વાંચન કરાવીને કરવામાં આવી હતી. ઉપસ્થિત વક્તાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ ના સંદેશને જીવનમાં ઉતારી સમાજ અને દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.
અમદાવાદ શહેરમાં રહેતા અને શિક્ષણનું મહત્વ અને સમાજ નિર્માણ એક પ્રેરક વિચાર સાથે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ૭૫ ટકાથી વધુ ગુણ સાથે ઉત્તીર્ણ થનાર ૨૫૦થી વધુ અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ બદલ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ડૉ.બાબા સાહેબ આંબેડકર શિક્ષણ સન્માનનો મોમેન્ટો, સર્ટિફિકેટ આપવામાં આવી હતી. વિદ્યાર્થી કાળમાં મેળવેલું સાચું શિક્ષણ જ વ્યક્તિના સર્વાંગી વિકાસનો પાયો નાખે છે. આજનો શિક્ષિત યુવાન આવતીકાલના સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરશે. આ જ ઉદ્દેશ્યથી અભિગમ ફાઉન્ડેશન વિદ્યાર્થીઓની આ શૈક્ષણિક સફરને બિરદાવી રહ્યું છે. આ સમારોહમાં ધારાસભ્યશ્રી શૈલેષ પરમાર, ડૉ,ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શિક્ષણવિદશ્રી ડૉ.મનીષ દોશી, સુપ્રિટેન્ડેન્ટ શ્રી પ્રીતેશ પરીખ, વણકર સેવા સંઘનાં પ્રમુખશ્રી મનુભાઈ પરમાર, સંત રોહીદાસ સમાજ સેવા સંઘનાં મહામંત્રીશ્રી એન.સી.પરમાર, યુવાન છાત્રનેતા શ્રી નરેન્દ્ર સોલંકી સહીત સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રના અનેક અગ્રણીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અભિગમ ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ જેવા ભિન્ન-ભિન્ન સામાજિક ક્ષેત્રોમાં નિરંતર સક્રિય રહીને સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરે છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક ડૉ. હિરેન બેન્કર, શ્રી ભાવિક સોલંક, શ્રી હર્ષ મકવાણા અને તેમની ટીમની મેહનતને વાલીઓએ બિરદાવી હતી.
