ગાંધીનગર, 16 સપ્ટેમ્બર : ગાંધીનગર ખાતે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીએ રાજ્યભરના કુલ 14 પર્યાવરણ પ્રેમી વિજેતાઓને વિવિધ 5 શ્રેણીમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’ એનાયત કરી સન્માનિત કર્યા હતા. તેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, 75 હજાર અને 50 હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે જ્યાં સુધી ક્લાઈમેટ ચેન્જ એક્શન એ આપણી ‘જીવનશૈલી’ -Way of life નહીં બને, ત્યાં સુધી તે માત્ર સરકારી ફાઈલો અને કાગળો સુધી જ સીમિત રહી જશે,તેને આપણે સાથે મળીને એક જનઆંદોલન બનાવવું પડશે. વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘ક્લાઈમેટ ચેન્જ’ સંદર્ભે વિશ્વમાં ગુજરાત ત્રીજું કે ચોથું એવું રાજ્ય હતું જેણે સૌથી પહેલાં ‘ક્લાઈમેટ ચેન્જ વિભાગ’ શરૂ કરી આ દિશામાં નક્કર કામની શરૂઆત કરી છે.
તેમણે કહ્યું કે જે રીતે અત્યારે ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન જનઆંદોલન બની રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં તેનો સ્વીકાર થઈ રહ્યો છે, તે ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આપણે ગ્રીન કવર પર કામ નહીં કરીએ, ત્યાં સુધી પર્યાવરણનું સંતુલન જાળવવું મુશ્કેલ છે, કારણ કે કાર્બન ફૂટપ્રિન્ટ ખૂબ ઝડપથી વધી રહી છે. આપણી એવી ઘણી પ્રવૃત્તિઓ છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જો તેને બેલેન્સ નહીં કરીએ તો પ્રકૃતિ પોતાની મેળે ટકી શકશે નહીં.
તેમણે કહ્યું કે, આપણે તો પ્રકૃતિની પૂજા કરનારા લોકો છીએ. આદિવાસી સમાજ પણ પ્રકૃતિની જ પૂજા કરે છે.ડુંગર, નદી, પથ્થર, વૃક્ષો અને પ્રાણીઓની પૂજા કરે છે. આપણે પણ એ જ કરતા આવ્યા છીએ. પરંતુ આપણી ‘લાલચ’ આપણી ‘જરૂરિયાત’ કરતાં વધી ગઈ છે. તેથી સૌથી પાયાનું કામ એ કરવાનું છે કે આપણે આપણા બાળકોને આ અંગે શિક્ષિત કરીએ. IITની અંદર જે આપણું સેન્ટર ઓફ એક્સેલન્સ છે તે આ બાબતે કામ કરી રહ્યું છે, પરંતુ તે મર્યાદિત જગ્યાઓ કે થોડી શાળાઓ સુધી જ સીમિત છે. જેમ આપણે સરવાળા-બાદબાકી, કક્કો કે એબીસીડી શીખીએ છીએ અને વિષયો ભણીએ છીએ, તેટલું જ નવી પેઢી માટે ક્લાઈમેટ ચેન્જનું શિક્ષણ પણ જરૂરી છે. આ માટે આપણે આપણો અભિગમ બદલવો પડશે. ક્લાઈમેટ ચેન્જ વિભાગે પણ આ અંગે શિક્ષણ અને જાગૃતિ વધારવી પડશે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે ૨0 જેટલા જિલ્લાઓ માટે ‘ક્લાઈમેટ ચેન્જ એક્શન પ્લાન’ રજૂ થયો છે. જેમાં ઘરમાં એલપીજીને બદલે પીએનજી વાપરવું, ડીઝલ જનરેટરના બદલે ઇલેક્ટ્રિક કે ઈવી સ્વીકારવું, ખેતી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગમાં શું કરવું તેની ખૂબ સરળ સમજણ આપેલી છે.
આ સંશોધનોની શાળા-કોલેજના શિક્ષકો, વહીવટી તંત્રના વિભાગો અને સામાન્ય નાગરિકો સુધી પહોંચવા માટે નાની બુકલેટ્સ ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવી જોઇએ.આ એક્શન પ્લાન માત્ર પુસ્તકોમાં જ ન રહેતા, એક વહીવટી સુધારાના ભાગરૂપે સરકારી પ્રક્રિયાઓમાં સામેલ થવો જોઈએ. આ માટે સરકારી ઠરાવના સ્વરૂપમાં નીતિઓ બનાવીને છેક તાલુકા અને જિલ્લા કક્ષા સુધી તેનો અમલ કરાવવો પડશે તો જ આનો વધુ ફાયદો થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રી મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જના આ કાર્યમાં આપણી પ્રાથમિક, માધ્યમિક અને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ આ વિષયના એક-બે પ્રકરણો ઉમેરવા જોઈએ.ભવિષ્યની પેઢી માટે એક સારું વાતાવરણ અને જીવવા યોગ્ય પૃથ્વી છોડીને જવું એ આપણી જવાબદારી છે.
આ એક્શન પ્લાનને ગ્રાઉન્ડ લેવલ-જમીની સ્તર સુધી પહોંચાડવા મંત્રીશ્રીએ આ પ્રસંગે સૌને અનુરોધ કરીને એવોર્ડ વિજેતા અને આ ક્ષેત્રમાં કાર્ય કરતા સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા માટે સરકાર અને નિષ્ણાતોના પ્રયાસોની સાથે સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે અને ક્લાઇમેટ એક્શનને માસ મૂવમેન્ટ એટલે કે જનઆંદોલનનું સ્વરૂપ આપવાની જરૂર છે,
તેમણે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જનું ક્ષેત્ર વિશાળ છે અને તેમાં કામ કરનારા લોકોની સંખ્યા હજુ મર્યાદિત છે. આઈઆઈટી, આઈઆઈએમ, વિદ્યાપીઠ સહિતની વિવિધ સંસ્થાઓ આ ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. કાર્બન ફૂટપ્રિન્ટ, નેટ ઝીરો કે કાર્બન ન્યુટ્રલ જેવા શબ્દો સામાન્ય નાગરિકો માટે ભલે અજાણ્યા હોય, પરંતુ આદિવાસી સમાજ સહિત અનેક વર્ગો વર્ષોથી પોતાની જીવનશૈલી દ્વારા પ્રકૃતિ અને ઈકોસિસ્ટમનું જતન કરતા આવ્યા છે.
તેમણે સરકારી ઇમારતોને સોલરથી સજ્જ કરવાના નિર્ણયને મહત્વપૂર્ણ ગણાવી સોલર રૂફટોપ ક્ષેત્રે નાગરિકો અને ઉદ્યોગોની ભાગીદારી વધારવા અનુરોધ કર્યો હતો. બાળકો અને સામાન્ય લોકો સુધી ક્લાઇમેટ ચેન્જનો સંદેશ પહોંચાડવા સરળ ભાષા, માઇક્રો મોડલ અને પ્રાયોગિક પ્રદર્શન અપનાવવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી હતી.
ક્લાઇમેટ એક્શન ટ્રેકર દ્વારા જિલ્લા કક્ષાએ કાર્બન ઉત્સર્જનના મેપિંગને મહત્વપૂર્ણ ગણાવતા તેમણે બનાસકાંઠાના ખેતી ક્ષેત્રનું ઉદાહરણ આપ્યું હતું. ભૂગર્ભજળ અને વીજળીના વપરાશથી થતા ઉત્સર્જન ઘટાડવા ઈનોવેશનને પ્રોત્સાહન આપવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
ક્લાઇમેટ એક્શનને શિક્ષણ સાથે જોડીને નવી પેઢીને જાગૃત કરવા તથા ભારતના 2070ના નેટ ઝીરો લક્ષ્યાંક તરફ સહિયારા પ્રયાસો સાથે આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન જેડા અને આઈઆઈએમ-અમદાવાદ વચ્ચે ક્લાઇમેટ ક્ષેત્રે પરસ્પર સહકાર અને મળીને કામ કરવા અંગે એમઓયૂ થયા હતાં. આ સાથે જ, મંત્રીશ્રીઓના હસ્તે ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર, ક્લાઇમેટ ચેન્જ મોડ્યુલ તથા ડિસ્ટ્રિક્ટ લેવલ ક્લાઇમેટ સ્માર્ટ એક્શન પ્લાન વિથ ડીકાર્બનાઇઝેશન પાથવે ફોર 20 ડિસ્ટ્રિક્ટનું લૉન્ચિંગ કરવામાં આવ્યુ હતું.
