Virat Gujarat
બિઝનેસ

IFFCOના અધ્યક્ષ દિલીપ સાંઘાણી ICAના વૈશ્વિક બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા

*પનામા :* ભારતીય સહકારી આંદોલન માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક સિદ્ધિ નોંધાઈ છે. પનામા સિટીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની જનરલ એસેમ્બલી દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં IFFCOના અધ્યક્ષ શ્રી દિલીપ સાંઘાણીની ICAના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ‘એટ-લાર્જ ડિરેક્ટર’ તરીકે પસંદગી થઈ છે.

શ્રી દિલીપ સાંઘાણી વિજેતા જાહેર થતાં જ પનામામાં ઉપસ્થિત ભારતીય સહકારી પ્રતિનિધિમંડળમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. પ્રતિનિધિઓએ સામૂહિક રીતે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ના નારા લગાવ્યા હતા. વિદેશની ધરતી પર ગુંજેલા આ નારાઓએ વૈશ્વિક સહકારી ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવને ઉજાગર કર્યો હતો.

શ્રી દિલીપ સાંઘાણી અનેક દાયકાઓથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ખેડૂતોના સશક્તિકરણ, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને સહકારી સંસ્થાઓના વિકાસ માટે તેમણે સતત કાર્ય કર્યું છે. તેઓ હાલમાં IFFCO અને GUJCOMASOLના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.

ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA) વિશ્વની અગ્રણી વૈશ્વિક સહકારી સંસ્થા છે, જે વિવિધ દેશો અને પ્રદેશોની સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ICAના વૈશ્વિક બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ થવાથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સહકારી આંદોલનનો અવાજ વધુ મજબૂત બનશે.

શ્રી સાંઘાણીની આ જીતને ભારતના સહકારી આંદોલનને મળેલી વૈશ્વિક માન્યતા તરીકે જોવામાં આવી રહી છે. તેમજ ‘સહકારથી સમૃદ્ધિ’ના વિચારને વૈશ્વિક સ્તરે આગળ વધારવાની દિશામાં આ મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. સહકારી ક્ષેત્ર દ્વારા ખેડૂતો, ગ્રામીણ સમુદાયો અને સામાન્ય નાગરિકોના આર્થિક તથા સામાજિક સશક્તિકરણ માટે ભારત એક નવો મોડેલ રજૂ કરી રહ્યું છે.

વિજય બાદ આભાર વ્યક્ત કરતાં શ્રી દિલીપ સાંઘાણીએ ICAના સભ્ય દેશો, પ્રતિનિધિઓ અને વૈશ્વિક સહકારી સમુદાયનો આભાર માન્યો હતો. તેમણે વૈશ્વિક મંચ પર ભારતીય સહકારી આંદોલનની ભાવના, અનુભવ અને દૃષ્ટિકોણને અસરકારક રીતે રજૂ કરવા તેમજ વિશ્વભરમાં સહકારને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ICAના ગ્લોબલ બોર્ડમાં શ્રી દિલીપ સાંઘાણીની પસંદગી ભારત માટે ગૌરવની બાબત છે અને ભારતીય સહકારી આંદોલન માટે મહત્વપૂર્ણ સન્માન સમાન છે.

Related posts

એમેઝોન બ્યુટીવર્સ 2026 તેના અત્યાર સુધીની સૌથી મોટી સૌંદર્ય ઉજવણી તરીકે સમાપ્ત થયો

viratgujarat

પ્રાણી સંભાળમાં વંતારા વિશ્વસ્તરીય માપદંડ ગોઠવે છે

viratgujarat

વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સે હવે અમદાવાદમાં શરૂ કરી ઇમિગ્રેશન એડવાઇઝરી સર્વિસ

viratgujarat

Leave a Comment