Virat Gujarat
સ્પોર્ટ્સ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી

રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી અમદાવાદ ખાતે વાર્ષિક એવોર્ડ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીનની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રેરક સંબોધનમાં યુવાનોના સર્વાંગી વિકાસ માટે રમતગમતને અનિવાર્ય ગણાવી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજના સમયમાં મોબાઈલ અને સ્ક્રીનની લત બાળકોના ભવિષ્યને નુકસાન પહોંચાડી રહી છે, જેમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ રમતના મેદાનો છે. બાળકોમાં રહેલી અખૂટ ઊર્જાને જો યોગ્ય દિશા ન મળે તો તે ગેરમાર્ગે દોરવાઈ શકે છે. કુરુક્ષેત્ર ગુરુકુળના પોતાના અનુભવો વાગોળતા તેમણે જણાવ્યું કે કઠોર શિસ્ત અને ખેલકૂદના માધ્યમથી સામાન્ય બાળકો પણ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ રોશન કરી શકે છે. તેમણે ગુરુકુળ કુરુક્ષેત્રના વિદ્યાર્થી અને કોમનવેલ્થ ગોલ્ડ મેડાલિસ્ટ પહેલવાન રાજેન્દ્ર તેમજ હરિયાણાના ઉચ્ચ પોલીસ અધિકારી જોરાવરસિંહ અને સુરેન્દ્ર જેવા ખેલાડીઓના પ્રેરક પ્રસંગો વર્ણવી જીવનમાં રમતના મહત્વ અંગે માહિતી આપી હતી. તેમણે બાળકોની રમત પ્રતિભાને 5 વર્ષની વયથી જ પારખીને વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ આપવા પર ભાર મૂક્યો હતો. આ સાથે ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને પર્યાવરણ સંરક્ષણ થકી સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણનું આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીને જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રમતગમતના બજેટમાં 33 ગણો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાઓ હેઠળ 2800થી વધુ ખેલાડીઓને વાર્ષિક ₹5 લાખની સ્કોલરશિપ અને વૈશ્વિક કક્ષાનું કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમણે અમદાવાદ ખાતે નિર્માણ પામેલા અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની વાત કરતાં જણાવ્યું કે ગુજરાતના રમતવીરો હવે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરવા સંપૂર્ણ સજ્જ બન્યા છે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગુજરાતના રમત જગતમાં દીર્ઘકાલીન પ્રદાન આપવા બદલ બે દિગ્ગજોને પ્રતિષ્ઠિત ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વવિખ્યાત ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદના કોચ રહી ચૂકેલા શ્રી મયૂર પટેલ તેમજ ગુજરાત ક્રિકેટમાં નિસ્વાર્થ સેવા આપી અનેક રણજી ટ્રોફી ખેલાડીઓનું ઘડતર કરનાર કોચ શ્રી જયપ્રકાશભાઈ પટેલનું વિશેષ બહુમાન કરાયું હતું.

કાર્યક્રમમાં ગુજરાતના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 17થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ અને અગ્રણીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ શ્રી તુષાર ત્રિવેદી, મંત્રી શ્રી નરેન્દ્ર પંચોલી, સંરક્ષક શ્રી હિતેશ પટેલ સહિતના હોદ્દેદારો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના શ્રીમતી મમતા પ્રજાપતિ, વરિષ્ઠ પત્રકારો શ્રી અજય ઉમટ, શ્રી ઉદય પટેલ અને શ્રી કૌશિક શાહ સહિત વિવિધ સ્પોર્ટ્સ એસોસિએશનોના હોદ્દેદારો, વરિષ્ઠ ખેલાડીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: યુ મુમ્બા એ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી, દબંગ દિલ્હીના અજેય અભિયાન પર બ્રેક લગાવી

viratgujarat

અમદાવાદ ઇન્ડિયન ઓઇલ યુટીટી સીઝન 6 ના પ્રારંભ માટે તૈયાર : દબંગ દિલ્હી જયપુર પેટ્રિઓટ્સ સામે ટકરાશે

viratgujarat

હાયર ઇન્ડિયાએ એશિયા કપને ગોલ્ડ સ્પોન્સરના રૂપમાં સશક્ત કર્યુ, સ્પોર્ટ-ઓ-ટેનમેન્ટને મજબૂત બનાવ્યુ

viratgujarat

Leave a Comment