Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

જો ખેડૂત ઘટે અને મજૂર વધે, તો શું તેને વિકાસ કહેવાય કે અસમાનતા? : ડૉ. મનીષ દોશી

ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યાઓ ગુજરાત તેમજ સમગ્ર દેશ માટે એક ગંભીર રાષ્ટ્રીય આપત્તિ બની ગઈ છે. ભાજપની “ડબલ એન્જિન સરકાર”ના દસ વર્ષના શાસન છતાં કૃષિ સંકટ ઘટવાનું નામ લેતું નથી. ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યા શું માત્ર સરકારી આંકડાઓમાં જ જીવે-મરે છે? ભાજપ સરકાર અને મોદી સરકારની ખેડૂત-ખેતી વિરોધી નીતિઓ આ માનવ સંકટ માટે સીધી જવાબદાર છે. એવો ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ‘ભારતમાં અકસ્માતી મૃત્યુ અને આત્મહત્યાઓ ૨૦૨૪’ અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કુલ ૧૦,૫૪૬ લોકોએ આત્મહત્યા કરી હતી, જે દેશની કુલ આત્મહત્યાઓના ૬.૨ ટકા છે. તેમાં ૪,૬૩૩ ખેડૂતો અને ૫,૯૧૩ કૃષિ મજૂરોનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં કૃષિ મજૂરોની આત્મહત્યાઓ સૌથી વધુ સ્તરે પહોંચી છે. દરરોજ સરેરાશ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ આપી રહ્યા છે અને લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેતી મજૂર આત્મહત્યા કરી રહ્યો છે. આત્મહત્યાના મુખ્ય કારણોમાં દેવું, પાક નિષ્ફળતા, કુદરતી આફતો, વધતો ખેતી ખર્ચ, લોન વસૂલાતનું દબાણ અને પરિવારની આર્થિક જવાબદારીઓ મુખ્ય છે. NSOના સર્વે મુજબ ખેડૂતોની આવકમાં ખેતીનો હિસ્સો સતત ઘટી રહ્યો છે. વર્ષ ૨૦૧૨-૧૩માં પાક ઉત્પાદનથી આવકનો હિસ્સો ૪૭.૯ ટકા હતો, જે ૨૦૧૮-૧૯માં ઘટીને માત્ર ૩૭.૭ ટકા રહ્યો હતો, જ્યારે મજૂરીથી આવકનો હિસ્સો વધીને ૪૦.૩ ટકા થયો છે. આ દર્શાવે છે કે ખેતી હવે ખેડૂતો માટે લાભદાયી વ્યવસાય રહ્યો નથી.
ગુજરાતની ખેડૂતો-ખેતી-ખેત મજૂરોની પરિસ્થિતિ વધુ ચિંતાજનક હોવાનું જણાવતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે NCRBના ૨૦૨૪ના અહેવાલમાં ગુજરાત ટોપ રાજ્યમાં ન હોવા છતાં જમીન પરની હકીકત કંઈક જુદી જ છે. NCRB ૨૦૨૩ના આંકડા મુજબ ગુજરાતમાં ૩૮૧ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેમાંથી અડધાથી વધુ કેસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં નોંધાયા હતા. ૨૦૨૪-૨૫ દરમિયાન અનિયમિત વરસાદ, મગફળી અને કપાસના પાકનું નુકસાન, પાક વીમાના ક્લેઈમમાં વિલંબ અને દેવાના બોજાના કારણે અનેક ખેડૂતો આત્મહત્યાની કગાર પર પહોંચી ગયા છે. ભાજપ સરકાર “વિકસિત ગુજરાત”નો ઢોલ પીટે છે, પરંતુ હકીકત એ છે કે ખેડૂતોને MSP પર પાક વેચવાનો કાયદેસર અધિકાર મળ્યો નથી. પાક નુકસાન પર યોગ્ય વળતર મળતું નથી. પાક વીમાના ક્લેઈમ સમયસર ચૂકવાતા નથી. ભૂમિહીન ખેતીહર મજૂરો માટે કોઈ સ્થાયી આવક સુરક્ષા કે રોજગાર યોજના ઉપલબ્ધ નથી. દેવું માફીની માંગને વારંવાર અવગણવામાં આવી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે અને જમીનહીન કૃષિ મજૂરોનો વર્ગ ઝડપથી વધી રહ્યો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કૃષિ મજૂરોની સંખ્યા ૬૮.૩૯ લાખ સુધી પહોંચી હતી, જે ૨૦૦૧ના ૫૧.૬૧ લાખથી નોંધપાત્ર વધારો દર્શાવે છે. બીજી તરફ રાજ્યના ૭૦ ટકા કરતાં વધુ ખેડૂતો નાના અને સીમિત છે. “જો ખેડૂત ઘટે અને મજૂર વધે, તો શું તેને વિકાસ કહેવાય કે અસમાનતા?” દરેક આત્મહત્યાના પાછળ એક તૂટી ગયેલું પરિવાર, અનાથ બનેલા બાળકો, ચૂકવાઈ ન શકેલા દેવા અને તૂટી રહેલું ગ્રામ્ય અર્થતંત્ર છે. આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ ભારતના ગામડાંઓ અને કૃષિના ભવિષ્ય અંગેનો ગંભીર ચેતવણી સંકેત છે. NCRBના છેલ્લા પાંચ વર્ષના આંકડા સ્પષ્ટ રીતે બતાવે છે કે ખેતી હવે ખેડૂતો માટે જીવનનિર્વાહનું સાધન નહીં પરંતુ સંઘર્ષ અને દેવાના ગાળામાં ધકેલતું વ્યવસાય બની રહ્યું છે. પરંતુ ગ્રામ્ય ભારતની પીડાનો જીવંત પુરાવો છે.

વર્ષ ખેડૂત ખેતી મજૂરો કુલ
૨૦૨૦ ૫૫૭૯ ૫૦૯૮ ૧૦૬૭૭
૨૦૨૧ ૫૩૧૮ ૫૫૬૩ ૧૦૮૮૧
૨૦૨૨ ૫૨૦૭ ૬૦૮૩ ૧૧૨૯૦
૨૦૨૩ ૪૬૯૦ ૬૦૯૬ ૧૦૭૮૬
૨૦૨૪ ૪૬૩૩ ૫૯૧૩ ૧૦૫૪૬

ડૉ. મનિષ એમ. દોશી
મીડીયા કન્વીનર અને પ્રવક્તા

Related posts

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં સામાજિક પ્રવૃત્તિઓમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના યોગદાનની પ્રશંસા કરી

viratgujarat

શું તમને ઊંચા કોલેસ્ટરલનું જોખમ છે? તંદુરસ્ત વ્યક્તિએ પણ શા માટે LDLC લેવલ પર નજર રાખતા રહેવુ જોઇએ તે જાણો

viratgujarat

આઈપીએસ સફીન હસને રોટરી ટોકમાં ભગવદ્ ગીતાની પ્રેરણાદાયી આંતરદૃષ્ટિ શેર કરી

viratgujarat

Leave a Comment