Virat Gujarat
બિઝનેસ

જિયો પ્લેટફોર્મ IPO માટે SEBI સમક્ષ DRHP ફાઈલ,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGMમાં મુકેશ અંબાણીની જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ આજે અહીં કંપનીની 49મી વાર્ષિક સામાન્ય સભાને (AGM) સંબોધિત કરી હતી. આ AGMમાં સૌથી મહત્વની જાહેરાત કરતા શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, જિયો પ્લેટફોર્મ્સના બોર્ડે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસને (DRHP) મંજૂર કરી દીધું છે અને તેને આજે જ સેબી (SEBI) સમક્ષ ફાઇલ કરી દેવાશે. આ ક્ષણને અત્યંત ભાવુક ગણાવતા તેમણે કહ્યું હતું કે રિલાયન્સ અને તેના શેરધારકો વચ્ચેનો સંબંધ પવિત્ર અને સહિયારી વૃદ્ધિ પર આધારિત છે. આ આઈપીઓ (IPO) રિલાયન્સના શેરધારકો માટે મોટી વેલ્યુ અનલોક કરશે.

તેમણે ઉમેર્યું હતું કે, જિયો પ્લેટફોર્મ્સે પેટન્ટ્સ દ્વારા નવતર સંશોધનના ક્ષેત્રમાં ફક્ત એક વર્ષની અંદર 340મા રેન્કથી 20મા રેન્ક સુધીની સિંહફાળ ભરી છે અને વિશ્વભરમાં ટોપ 20ની અંદર સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની બની છે. વૈજ્ઞાનિકો, ઈજનેરો અને નવતર સંશોધકોની અમારી બાહોશ ટીમે ભારતને ગર્વ અપાવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં, જિયો કામગીરીના એવા સ્તરે પહોંચી ગયું છે જેને અસાધારણ જ કહી શકાય. જિયોનો યુઝર બેઝ 524 મિલિયનને પાર કરી ગયો છે, જેણે પોતાની નં. 1 પોઝિશનને મજબૂત કરી છે. કંપનીના 5G સબસ્ક્રાઈબરનો આંક 268 મિલિયનથી વધી ગયો છે – જે ચીન પછીના કોઈ દેશમાં એક જ ઓપરેટર માટેનો સૌથી મોટો આંક છે, જેમાં ગત વર્ષે 77 મિલિયનનો ચોખ્ખો ઉમેરો થયો હતો. જ્યારે આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોનું પ્રસ્તાવિત લિસ્ટિંગ વિશ્વને બતાવી આપશે કે ભારત વૈશ્વિક સ્તર, વૈશ્વિક ક્ષમતા અને વૈશ્વિક મૂલ્ય ધરાવતી ટેક્નોલોજી કંપનીઓ બનાવી શકે છે. હું તમને અને તમામ સંભવિત નવા રોકાણકારોને ખાતરી આપું છું કે જિયોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ છે.”

શ્રી મુકેશ અંબાણીએ ‘રિલાયન્સ ઈન્ટેલિજન્સ’ને કંપનીના નવા ગ્રોથ એન્જિન તરીકે જાહેર કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે માત્ર એઆઈ (AI)નો ઉપભોક્તા નહીં, પણ સર્જક અને વૈશ્વિક લીડર બનવું જોઈએ. કંપનીનો ઉદ્દેશ નફાકારક AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લેટફોર્મ બનાવવાનો છે, જેના માટે ગૂગલ (Google), મેટા (Meta) અને એનવીડિયા (NVIDIA) સાથે ભાગીદારી કરવામાં આવી છે. જિયોએ 22 ભારતીય ભાષાઓમાં સુલભ હોય તેવી એઆઈ સેવાઓ-JioBharatIQ, AI Vyapar, અને JioHealthIQવિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

રિલાયન્સ ઈન્ટેલિજન્સ જામનગર ખાતે ભારતની સોવેરિન એઆઈ (AI) બેકબોન બનાવી રહી છે, જે સંપૂર્ણપણે સ્વચ્છ ઊર્જા દ્વારા સંચાલિત હશે. પ્રથમ 120 મેગાવોટ 2026ના અંત સુધીમાં શરૂ થશે, જે અદ્યતન NVIDIA GB300 GPUs થી સજ્જ હશે. આ ક્ષમતા રિલાયન્સને વિશ્વના સૌથી મોટા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ્સમાંનું એક બનાવશે.

ન્યુ એનર્જી બિઝનેસમાં રિલાયન્સ પ્લાન્ટના બાંધકામથી લઈને કમિશનિંગ થવાના તબક્કામાં પહોંચી ગયું છે. જામનગર ખાતે 5,000 એકરમાં ફેલાયેલું ‘ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ’ વિશ્વની સૌથી સંકલિત સ્વચ્છ ઊર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમમાંનું એક છે. સોલાર પીવી (PV) સેલ અને મોડ્યુલ ઉત્પાદન લાઈન્સ કાર્યરત થઈ ગઈ છે. અનંત અંબાણીએ આ અંગે માહિતી આપી હતી કે બેટરી ગીગા ફેક્ટરીની ક્ષમતા વધારીને 120 GWh કરવામાં આવશે. રિલાયન્સે ગ્રીન એમોનિયા માટે સેમસંગ (Samsung C&T) સાથે ૩ બિલિયન ડોલરનો ઐતિહાસિક પુરવઠા કરાર પણ કર્યો છે.કચ્છનો શુષ્ક પ્રદેશ જ્યાં અમે 5,50,000 એકર કરતાં વધુ વિસ્તારમાં એક રિન્યુએબલ એનર્જી હબ વિકસાવી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે, જે વિશ્વમાં સપ્લાય ચેઈનને પડકારવામાં આવી રહી છે અને ટેક્નોલોજીની પહોંચને હથિયાર બનાવવામાં આવી રહી છે, ત્યાં ભારતમાં વૈશ્વિક સ્તરની બેટરી ઉત્પાદન ક્ષમતાનું નિર્માણ કરવું એ માત્ર એક વ્યાપારી નિર્ણય નથી. તે રાષ્ટ્રીય સ્થિતિસ્થાપકતા માટે એક વ્યૂહાત્મક અનિવાર્યતા છે.

રિલાયન્સ રિટેલે તેની કામગીરીના20 વર્ષ પૂર્ણ કર્યા છે અને તે 20,000થી વધુ સ્ટોર્સ સાથે એશિયાની સૌથી મોટી રિટેલર બની છે. નાણાકીય વર્ષ 2026માં રિટેલ બિઝનેસે ₹3,70,026 કરોડની ગ્રોસ રેવન્યુ નોંધાવી છે. ઈશા અંબાણીના નેતૃત્વમાં રિટેલ બિઝનેસ હવે અદ્યતન મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ અને નિકાસપ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યો છે. આ બિઝનેસમાં તાજા ફળો, શાકભાજી અને પોષાય તેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જિયોમાર્ટ (JioMart) હવે 3,100થી વધુ સ્ટોર્સ સાથે ભારતનું સૌથી મોટું ક્વિક કોમર્સ નેટવર્ક બની ગયું છે. ઈશા અંબાણીએ કહ્યું હતું કે, “ત્રણ વર્ષ પહેલાં, અમે એક અતૂટ વિશ્વાસ સાથે પગલું ભર્યું હતું કે ભારત વૈશ્વિક ગુણવત્તાવાળી FMCG બ્રાન્ડ્સ ભારતીય કિંમતો પર બનાવી શકે છે અને કોઈપણ વિચારી શકે તેના કરતાં વધુ ઝડપથી તેને સ્કેલ કરી શકે છે.”

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય એક મિલિયન મહિલા સાહસિકોને સશક્ત બનાવવા ઉપરાંત બે લાખ યુવા ભારતીયોને રોજગારી મેળવવામાં મદદ કરવાનું તેમજ ગ્રામીણ પરિવર્તન માટે 23 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચવાનું છે. અમે આપણી કળા, કલાકારો અને કારીગરોને ટેકો આપવા સાથે ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પ્રેમ, આદર અને ગૌરવ સાથે આગળ વધારીએ છીએ.”

Related posts

રોટરી ક્લબ ઓફ અસ્મિતા દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

viratgujarat

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

viratgujarat

આય ફાઇનાન્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર સોમવાર, 9 ફેબ્રુઆરી, 2026 ના રોજ ખૂલશે, જેની પ્રાઈસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શૅર રૂ. 122 – રૂ. 129 નક્કી કરાઈ

viratgujarat

Leave a Comment