Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કથા ચિત્તનો નિરોધ કરીને કે ચિત્તવૃત્તિનો વિરોધ કરીને ન સાંભળો

  • ચિત્તવૃત્તિને અનુરોધ કરો કે તું કથા સાંભળ!
  • પરમગુરુનાં પ્રસાદથી બધું જાણી અને પામી શકાય છે.
  • પાદરી-સાધુનાં નામની યુનિવર્સિટીમાં માર્ગી સાધુની કથા હોવી જ જોઈએ,આ જ નિયતિ છે.
  • જ્ઞાનનો માર્ગ ધારામાર્ગ,કર્મનો માર્ગ ધોરીમાર્ગ,જ્યારે ભક્તિનો માર્ગ ધીરમાર્ગ છે.

વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીનાં પ્રાંગણમાં બોસ્ટન-અમેરીકાથી ગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસ,રવિવારનો આરંભ વૈષ્ણવાચાર્ય યદુનાથજ ગોસ્વામીજીનાં વક્તવ્યથી થયો.તેઓએ અમૃત ક્યાં છે એના વિવિધ રસભર્યા કથાનકો ઉઠાવીને જણાવ્યું કે અલગ-અલગ જગ્યાએ અમૃત નથી પણ બાપુ જેવા વક્તાની વાણીમાં કથાની અંદર કથામૃત છે-એ શ્રેષ્ઠ અમૃત છે.

લંડનથી આવેલા એક યુવાનનાં પ્રશ્નથી આરંભ કરતા પ્રત્યુત્તરમાં બાપુએ જણાવ્યું કે કથા કેવી રીતે સાંભળવી જોઇએ.

કથા ચિત્તનો નિરોધ કરીને ન સાંભળો.ચિત્તનો નિરોધ કરી યોગ થઈ શકે છે.કથા ચિત્તવૃત્તિનો વિરોધ કરીને પણ ન સાંભળો.ગોસ્વામીજીએ કહ્યું છે કે સાધકનું ચિત્ત ચિત્રકૂટ છે.ચિત્તને હટાવી દેશો તો અહંકાર જ વધશે.મારું કામ ‘તમારા’ સુધી પહોંચવાનું છે. ચિત્તવૃત્તિને અનુરોધ કરો કે તું કથા સાંભળ! કથા મનને બોધ આપે છે,બુદ્ધિને અવ્યભિચારિણી બનાવે છે.ચિત્ત જ સૌથી મોટું રીસીવર છે. ચિત્ત ખૂબ સંગ્રહ કરે છે.

રામચરિત માનસમાં પ્રસાદ શબ્દ આવ્યો એનો આખો સ્વાધ્યાય સાર્થક કરતા કહ્યું કે માનસમાં રામ પ્રસાદ,શિવપ્રસાદ,હરિપ્રસાદ,ઇશ પ્રસાદ,મમ પ્રસાદ, શંભુપ્રસાદ,મુનિપ્રસાદ,ગુરુપ્રસાદ(ત્રણ વખત),નામ પ્રસાદ,પ્રભુ પ્રસાદ,તવપ્રસાદ વગેરે મળીને ૩૩-૩૪ વખત ‘પ્રસાદ’ શબ્દ આવ્યો છે.

એવો કયો ગુરુ છે જેનાં પ્રસાદથી બધું જ સમજણમાં આવી જાય?ગુરુ પ્રસાદથી બધી જાણકારી આવી જાય છે અને વિદ્યા મળી જાય છે. જાણવું અને મેળવવું બંને અલગ વાત છે.

આ યુનિવર્સિટીનું નામ જ્હોન હાર્વર્ડ-કે જે એક પાદરી-સાધુ હતો એના નામ પરથી રખાયું.પાદરી સાધુનાં નામની યુનિવર્સિટીમાં માર્ગી સાધુની કથા હોવી જ જોઈએ,આ જ નિયતિ છે.

ગુરુઓની યાદીમાં ગુરુ સપ્તક રજૂ કરતા બાપુએ કહ્યું કે એક ધર્મગુરુ હોય છે.સત્ય જ્યાંથી મળે સ્વીકાર કરવું જોઈએ,પણ આપણે સ્વીકારી શકતા નથી કારણ કે બારીઓ બંધ રાખી છે!આપણે મોટાભાગે ધર્મનું પૂજન કરીએ છીએ,સેવન નથી કરતા.બીજો વર્મગુરુ હોય છે.વર્મનો મતલબ છે રક્ષક.

કવચ અભેદ બિપ્ર ગુરુ પૂજા;

એહિ સમ બિજય ઉપાય ન દૂજા.

ઓશોને સુમિત્રાનંદન પંતજીએ ૧૨-મહાનુભાવોની યાદી આપીને પ્રશ્ન પૂછ્યો હતો કે આમાંથી આપના માટે સૌથી વિશિષ્ટ કોણ છે?ઓશો કહેતા ગયા.એ પછી પંતજીએ એમાંથી ચાર-ચાર નામ બહાર કાઢીને વધુને વધુ વિશિષ્ટ કોણ છે એ પૂછ્યું.ઓશોએ રામનું નામ પણ કાઢી નાખ્યું! પૂછવામાં આવ્યું કે રામ અપના માટે કેમ વિશિષ્ટ નથી?ઓશોનો જવાબ હતો કે રામની કોઈ મૌલિક દેન નથી.કૃષ્ણની મૌલિક દેન ગીતા છે.બાપુએ કહ્યું કે ઓશોની ચેતનાને પ્રણામ કરીને મારે કહેવું છે કે રામની મૌલિક દેન ધર્મરથ છે. વ્યંગભરી ચૂટકી લેતા બાપુએ કહ્યું કે:મહાપુરુષોની આ લીલા હોય છે,મહાપુરુષોનાં આ એક ડાળી પરથી બીજી ડાળી પરના ‘સુંદર'(બંદર)કૂદકા હોય છે ત્રીજા છે:નર્મગુરુ.નર્મનો મતલબ છે-આનંદ આપનાર નર્મ દે એ જ નર્મદ છે.

આજ જીવનમાં આઠેય પ્હોર આનંદ કરવો આપણો જન્મસિધ્ધ અધિકાર છે.ચોથો ગુરુ-કર્મગુરુ જે આપણને કામમાં જોતરી દે.જ્ઞાનનો માર્ગ ધારામાર્ગ છે,કર્મનો માર્ગ ધોરીમાર્ગ છે જ્યારે ભક્તિનો માર્ગ ધીરમાર્ગ છે.પાંચમો ગુરુ-મર્મગુરુ છે.શાસ્ત્રનો મર્મ સમજાવી દે,રહસ્ય ખોલી આપે છે.છઠ્ઠો-ચર્મગુરુ દેહવાદી ગુરુ છે,વિદેહવાદી નથી.સાતમો શર્મગુરુ જે સંકોચી હોય છે,આશ્રિત ભૂલ કરે તો પણ એને ખીજાતો નથી.બધાથી ઉપર છે:પરમ ગુરુ.પરમગુરૂનો પ્રસાદ આપણને બધું જ આપી દે છે.જાણવું અને મેળવવું પરમગુરુનાં પ્રસાદથી શક્ય છે.

ચિત્રકૂટમાં ભરતજી આવ્યા.રામ અને ભરત વચ્ચે પરમપ્રેમ છે.રામ કહે ભરત,તું જો કહે તો પિતાની આજ્ઞા પણ છોડી દઉં ત્યારે ભરત કહે છે કે આપનું મન પ્રસન્ન હોય એવું કરો.અહીં બીજ પંક્તિનો પૂર્વાપાર સંબંધ જોડતા બાપુએ જણાવ્યું ત્યારે રામ કહે છે કે તું વનમાં રહે અને હું ઘરમાં રહું તો પણ આપણું રક્ષણ કોઈ ગુરુ કરે છે.ગુરુ આપણો રક્ષક છે.

કથાક્રમનાં વંદના પ્રકરણ પછી લીલાક્ષેત્રમાં બે પરંતુ તત્વત: અભિન્ન એવા સીતારામજીની વંદનામાં પહેલા સીતાજીની વંદના કરી.એ પછી નામવંદનાનું મોટું પ્રકરણ-૭૨ પંક્તિઓ અને નવ દોહામાં નામ મહારાજનું મહિમા ગાન થયું છે.સતયુગનો સ્વભાવ ધ્યાનપ્રધાન છે.ત્રેતાયુગ-યજ્ઞપ્રધાન,દ્વાપરયુગ-સેવા, પૂજા-પ્રધાન અને કળિયુગમાં ધ્યાન,યજ્ઞ,સેવા-પૂજા સુલભ નથી.કળિયુગમાં માત્ર નામથી બધું જ મળી જાય છે.રામ મહામંત્ર છે.આપને સ્વભાવિક જે મંત્રમાં જે,નામમાં રુચિ અને ભાવ જાગે એ નામનું સ્મરણ કરો એમ કરી નામ મહિમાનાં પ્રકરણનું ગાન કરીને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.

કથા વિશેષ:

કથા દરમિયાન રોજ સવારે કથા આરંભ પહેલા વિશેષ વક્તાઓનાં વક્તવ્યની શ્રેણીમાં સોમવારે સમર્થ ભાગવત કથાકાર,ગીતા ઉપાસક ભુપેન્દ્રભાઇ પંડ્યાનું વક્તવ્ય રહેશે.

સાંધ્ય કાર્યક્રમોની શ્રૃંખલામાં ૧૬ થી ૨૨ ઓગસ્ટ વિશેષ ઉપક્રમો સ્થાનિક સમયે સાંજે ૫-૩૦ થી ૭-૩૦ દરમિયાન યોજાશે.

જેમાં ૧૬-૧૭-૧૮ ઓગસ્ટનાં હાર્વર્ડ યુનિવર્સિટી તથા અન્ય અમેરીકન યુનિવર્સિટીઓનાં સ્કોલર્સની એકેડેમીક ટોક-ગોષ્ઠિ રહેશે.

૧૯ ઓગસ્ટ અતિ વિશેષ આનંદ દાયક સમારંભ,તુલસી જન્મોત્સવમાં બાપુનાં શુધ્ધ અને શુભ હસ્તે એવોર્ડ્સ પ્રદાન થશે.

૨૦-૨૧-૨૨ ઓગસ્ટ ત્રણ દિવસ ભારતથી આવેલા કથાગાયકો વિશેષ વક્તાઓ જીવનદર્શી અધ્યાત્મ કેન્દ્રી દર્શન રજૂ કરશે.

તુલસી જયંતિનાં વિશેષ દિવસે અત્રે ત્રણ વાલ્મીકિ એવોર્ડમાં ૧-પ્રો. સેલ્કજ સાધરલેન્ડ ગોલ્ડમેન.૨-પ્રો.રોબર્ટ પી.ગોલ્ડમેન.૩-પ્રો.મડુઓકા ફુકુઓકા-જાપાનને અર્પણ થશે.

ત્રણ વ્યાસ એવોર્ડ અનુક્રમે ૧-દેવી ચિત્રલેખાજી-વૃંદાવન ધામ.૨-ડો.અશ્વિનભાઇ કાંતિભાઇ રાજગોડ-અમેરીકા.૩-ડો.જ્હોન સ્કેટર્ડ હાઉલી-અમેરીકાને પ્રદાન થશે.

બે તુલસી એવોર્ડ અનુક્રમે ૧-પિયુષભાઇ મહેતા.૨-પ્રો.રૂપર્ટ સ્નેઇલ-ગ્રીસને અર્પણ કરાશે.

રત્નાવલી એવોર્ડ પ્રો.ડાયેનાજી-હાર્વર્ડ યુનિવર્સિટી-બોસ્ટન,અમેરીકાને અર્પણ કરવામાં આવશે.

== સમાપ્ત ==

Related posts

અશોકા યુનિવર્સિટીએ 500 મેરિટ અને જરૂરિયાત-આધારિત શિષ્યવૃત્તિઓ સાથે 2026ના અંડરગ્રેજ્યુએટ પ્રવેશ માટે અરજીઓ ખોલી

viratgujarat

પાર્શ્વ જ્વેલરી હાઉસ નોરતા નગરીમાં કિર્તીદાન ગઢવીના ગરબા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

viratgujarat

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની બાઇકીંગ સંસ્કૃતિને વેગ આપે છે

viratgujarat

Leave a Comment