6થી 8 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય રાષ્ટ્રીય ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સ અમદાવાદમાં
દેશભરના 500થી વધુ ટાઉન પ્લાનર્સ, પૉલિસી મેકર્સ અને શહેરી વિકાસ નિષ્ણાતો દેશના ફ્યુચર રીજીયોનલ પ્લાનિંગ અંગે મંથન કરશે
5 ફેબ્રુઆરી 2026, અમદાવાદ : 13 વર્ષના વિરામ બાદ અમદાવાદ શહેર ફરી એક વાર રાષ્ટ્રીય ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ કોન્ફરન્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય પરિષદ 6 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન કર્ણાવતી ક્લબના ગોલ્ડન ગ્લોરી હોલમાં યોજાશે. આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં દેશભરના 500 થી વધુ ટાઉન પ્લાનર્સ, પૉલિસી મેકર્સ, શિક્ષણવિદો અને શહેરી વિકાસ નિષ્ણાતો હાજરી આપશે અને ભારતના ક્ષેત્રિય આયોજનના ભાવિ માર્ગદર્શક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે.
આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ કે. શ્રીનિવાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
પરિષદમાં ખાસ કરીને હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) અંગેના આયોજન દૃષ્ટિકોણ તેમજ શહેરી આયોજનમાં AI અને GIS મોડલ ટૂલ્સના વધતા ઉપયોગ જેવા અદ્યતન વિષયો પર પણ વિશેષ સત્રો રહેશે. આ ચર્ચાઓ દ્વારા ટેકનોલોજી આધારિત સુસ્થિર અને સર્વસમાવેશક શહેરી વિકાસ માટે નવી દિશા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના અને હાલ ભારત સરકારમાં શહેરી વિકાસ વિભાગમાં સચિવ તરીકે સેવાઓ આપતાં શ્રી શ્રીનિવાસ આઈએએસ શુક્રવારે આ રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સત્રમાં રાજ્યના શહેરી વિકાસ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ, પૉલિસી મેકર્સ તથા ટાઉન પ્લાનિંગ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
ભારતીય ટાઉન પ્લાનર્સ સંસ્થા (Institute of Town Planners, India – ITPI) દ્વારા રાજ્યના શહેરી વિકાસ વિભાગના સહયોગથી યોજાતી આ ત્રણ દિવસીય પરિષદનું મુખ્ય થીમ “Proactive Regional Planning and Development to Usher Viksit Bharat” નક્કી કરવામાં આવ્યું છે, જે પ્રોએક્ટિવ ક્ષેત્રિય આયોજન દ્વારા “વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરવાનો માર્ગ દર્શાવે છે. પરિ ષદ દરમિયાન વિવિધ પેપર પ્રેઝન્ટેશન, પેનલ ચર્ચા અને ટેક્નિકલ સત્રોનું આયોજન કરવામાં આવશે.
આ કોન્ફરન્સ એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે ભારતમાં શહેરી અને પ્રાદેશિક વિકાસમાં લોકોની સુખાકારી – હેપીનેસ ઈન્ડેક્સ વધારવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. દેશની શહેરી વસ્તી વર્ષ 2031 સુધીમાં 600 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જે કુલ વસ્તીના લગભગ 40% છે તેમજ 70 ઉપરાંત શહેરોમાં વસ્તી 10 લાખ અથવા તેનાથી વધુ થવાની અપેક્ષા છે. તેથી સંતુલિત અને સક્રિય પ્રાદેશિક આયોજનની જરૂરિયાત વધુ આવશ્યક અને મહત્વપૂર્ણ બની ગઈ છે.
આ કોન્ફરન્સ વિશે, ITPI ના પ્રમુખ પ્રદીપ કપૂરે જણાવ્યું હતું કે, “જેમ-જેમ ભારત, વર્ષ 2047 સુધીમાં ‘વિકસીત ભારત’ના તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ ઝડપી શહેરીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના પડકારોનો સામનો કરવા માટે પ્રોએક્ટીવ રીજીયોનલ પ્લાનિંગ (સક્રિય પ્રાદેશિક આયોજન) આવશ્યક બની ગયું છે. આ સમ્મેલન, વિચારોનું આદાન-પ્રદાન કરવા, સફળ મોડેલમાંથી શીખવા અને વિવિધ પ્રદેશોમાં સમાવિષ્ટ અને સંતુલિત વિકાસ સુનિશ્ચિત કરતી વ્યૂહરચનાઓ ડેવલપ કરવા માટે એક રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ પ્રદાન કરશે.”
આ વાર્તાલાપમાં સમાન વિકાસ સુનિશ્ચિત કરતી વખતે પોલિસી ફ્રેમવર્ક, ગવર્નન્સ મોડલ અને ઝડપી શહેરીકરણનું સંચાલન કરવા માટેની વ્યૂહરચનાઓ પર વિચાર-મંથન કરવામાં આવશે. ખાસ કરીને પ્લાનિંગ દ્વારા દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) અને ચેન્નાઈ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (CBIC) જેવા ઇકોનોમિક કોરિડોરને કેવી રીતે સપોર્ટ કરી શકાય, તેના પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, AMRUT 2.0 મિશન અને ગુજરાત સરકારની હાલમાં જ જાહેર કરાયેલ સેટેલાઇટ ટાઉન પોલિસી જેવી પહેલ દ્વારા શહેરી-ગ્રામીણ જોડાણોને કેવી રીતે મજબૂત બનાવી શકાય તેમજ ક્લાયમેટ રેસીલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કેવી રીતે કરી શકાય, તેની પણ માહિતી મેળવવામાં આવશે.
ITPI ના પેટ્રન અને પૂર્વ પ્રમુખ એન.કે. પટેલે જણાવ્યું હતું કે, “આ કોન્ફરન્સ, સંતુલિત વિકાસ માટે સ્પેશિયલ પ્લાનિંગ, ક્લાયમેટ રેસીલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈકોનોમીક કોરિડોર અને ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર ડેવલપમેન્ટ, અર્બન-રૂરલ કમ્યુનિટી મેનેજમેન્ટ અને અસરકારક રીજીયોનલ ગવર્નન્સ માટે સંસ્થાકીય પદ્ધતિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીઓ, રિજીયોનલ પ્લાન ઓથોરિટીઝ અને નદીના તટપ્રદેશો અને આર્થિક પ્રદેશો માટે આંતર-રાજ્ય સંકલન પદ્ધતિઓનો સામેલ છે.” ગુજરાત રીજીયોનલ ચેપ્ટરના અધ્યક્ષ આર.જે. રાવલે ITPI અને નેશનલ કોન્ફરન્સ વિશે સવિસ્તાર માહિતી આપી હતી.
આ કોન્ફરન્સમાં અન્ય પેટા-વિષયોમાં વર્ષ 2030 માં અમદાવાદ ખાતે યોજાનારી કોમન વેલ્થ ગેમ્સ, પ્લાનિંગમાં AI એપ્લિકેશન્સનો ઉપયોગ અને ગુજરાતમાં 100 વર્ષની ટાઉન પ્લાનિંગ યોજનાઓ જેવી ગ્લોબલ ઇવેન્ટ્સ માટે સમાવિષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આની સાથે જ, ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં અમદાવાદનો મેટ્રોપોલિટન પ્રદેશ એક જીવંત કેસ સ્ટડી તરીકે સેવા આપશે, જેમાં ધોલેરા SIR, GIFT સિટી, DMIC, મેટ્રો રેલ કનેક્ટિવિટી, સાણંદ અને બેચરાજી જેવા ઈન્ડસ્ટ્રીયલ અને ઓટોમોબાઈલ હબ, ગુજરાત સરકાર દ્વારા સેટેલાઇટ ટાઉન માટેની નવી જાહેર કરાયેલી નીતિ અને ઇન્ટીગ્રેટેડ રીજીયોનલ ડેવલોપમેન્ટમાં ઉભરતી તકોને આવરી લેવામાં આવશે.
ITPI 26 રાજ્યોમાં હાજરી ધરાવે છે અને 10,000 થી વધુ ટાઉન પ્લાનર ભારતના ટાઉન અને કન્ટ્રી પ્લાનિંગ(નગર અને દેશ આયોજન)ના વિચારોને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ખાસ નોંધનીય છે કે, અદાણી સિમેન્ટ આ કોન્ફરન્સના બ્રાન્ડ પાર્ટનર છે.
