Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

માત્ર ૧૦,૦૦૦ રૂપિયાની રોજગાર લોન અને ટૂંકાગાળાના કોર્સને ‘રોજગાર’ ગણાવી આંકડાકીય માયાજાળ રચતી સરકાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોડીનેટર શ્રી હેમાંગ મહિપતરામ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે અર્થશાસ્ત્રના નિયમ મુજબ, કોઈપણ રાજ્ય કે દેશનો ‘બેરોજગારીનો દર’ માપવા માટે કુલ શ્રમબળ (Labour Force) ને ધ્યાનમાં લેવામાં આવે છે. શ્રમબળ એટલે એવા લોકો (ખાસ કરીને ૧૫ વર્ષથી વધુ વયના) જેઓ કામ કરવા સક્ષમ છે અને સક્રિયપણે રોજગારી શોધી રહ્યા છે. બેરોજગારીના દરની ગણતરી એ રીતે થાય છે કે બજારમાં કુલ કામ માંગનારા લોકોમાંથી કેટલા લોકોને નોકરી કે કામ નથી મળ્યું. આંકડાકીય રીતે સમજીએ તો, જો કામની શોધમાં રહેલા ૧૦૦ યુવાનોમાંથી ૯૯ લોકોને નોકરી મળી જાય અને માત્ર ૧ યુવાનને કામ ન મળે, ત્યારે બેરોજગારીનો દર ૧ ટકો ગણાય છે.
આ જ પદ્ધતિનો હવાલો આપીને તાજેતરમાં ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા એક વીડિયો બાઈટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૧ ટકા છે. રાજ્યના એક અત્યંત જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિનું આ નિવેદન સદંતર સત્યથી વિપરીત છે અને તે લાખો શિક્ષિત પરંતુ બેરોજગાર યુવાનોની મજાક ઉડાવવા સમાન છે. નાણામંત્રીના આ દાવાનો સીધો અર્થ એ થાય કે રાજ્યના દર ૧૦૦ યુવાનોમાંથી ૯૯ યુવાનો નોકરી કે રોજગારી મેળવી રહ્યા છે, જે જમીની હકીકતથી જોજનો દૂર છે.
જો રાજ્યની વસ્તીના આંકડાઓ પર નજર કરીએ તો, ૧૫ થી ૨૯ વર્ષના અંદાજિત ૨ કરોડ યુવાનો, ૨૯ થી ૩૯ વર્ષના અંદાજિત ૧.૫ કરોડ અને ૩૯ થી ૫૦ વર્ષના અંદાજિત ૧ કરોડ લોકો વસે છે. આમ, કુલ સાડા ચાર કરોડ લોકોના આ વિશાળ વસ્તીજૂથમાં રોજગારીની સાચી સ્થિતિ છુપાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા રોજગારીના આંકડા બતાવવા માટે જે વ્યાખ્યાઓ અને પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે તે પણ માત્ર કાગળ પરની માયાજાળ જ છે. દાખલા તરીકે, પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ કોઈ યુવાન પોતાના વ્યવસાયના ઓજારો લેવા માટે માત્ર ૧૦,૦૦૦ રૂપિયાની લોન લે, તો તેને પણ ‘રોજગાર મળી ગયો’ તેમ માની લેવામાં આવે છે. આ ઉપરાંત, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) ના ટૂંકા ગાળાના કોર્સ પૂરા કર્યા પછી કાગળ પર સિક્યુરિટી ગાર્ડ જેવી નોકરીઓ બતાવીને તેને પણ મોટા રોજગારીના આંકડાઓમાં ખપાવી દેવામાં આવે છે.
ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસના શાસન સમયે રોજગાર કચેરીઓમાં બેરોજગારોની સત્તાવાર નોંધણી થતી હતી ત્યારે બેરોજગારીનું સાચું ચિત્ર સામે આવતું હતું. પરંતુ આજે રોજગાર વિભાગ અને બેરોજગારીની નોંધણી કરતું આખું તંત્ર જ રણીધણી વિનાનું બની ગયું છે, જ્યાં કોઈ નવી ભરતીઓ કે સાચી નોંધણીઓ થતી જ નથી.
આ સંજોગોમાં અમે નાણાં વિભાગના તમામ આઈએએસ (IAS), આઈપીએસ (IPS) અને અન્ય જવાબદાર અધિકારીઓને અપીલ કરીએ છીએ કે તેઓ મંત્રીશ્રીને વાસ્તવિક માહિતી પૂરી પાડે. અત્યારે મંત્રીશ્રી પોતે તો ગેરમાર્ગે દોરવાયા જ છે, પરંતુ આવા ખોટા અને પાયાવિહોણા નિવેદનો આપીને તેઓ ગુજરાતના યુવાનોને અને સામાન્ય જનતાને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાતના યુવાનો આંકડાકીય માયાજાળ કે ૧૦ હજારની લોન નથી માંગતા, તેઓ પોતાના ભવિષ્ય માટે વાસ્તવિક અને કાયમી રોજગાર ઝંખે છે. સરકારે આ કડવી વાસ્તવિકતા સ્વીકારીને યોગ્ય દિશામાં પગલાં લેવા જોઈએ.

Related posts

વસ્ત્રાપુર અગ્રવાલ સમાજ એ પહેલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી- એકતા અને જાગૃતિનો સંદેશ

viratgujarat

યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્મા અને શ્રી અજય ચૌધરી, IPS (ADGP) દ્વારા GMERS ગાંધીનગર ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

viratgujarat

કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું દૂરદર્શી નેતૃત્વ તથા ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે : દિલીપ સંઘાણી

viratgujarat

Leave a Comment