અમદાવાદ : ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનની ૨૨મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદ, ‘IAACON 2026’, ત્રણ દિવસ સુધી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે વૈજ્ઞાનિક આદાનપ્રદાન, ક્લિનિકલ શિક્ષણ અને આધુનિક વિકાસ પર ગહન ચર્ચા-વિચારણા બાદ અમદાવાદ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ પરિષદમાં ૨૦૫ રાષ્ટ્રીય ફેકલ્ટી સભ્યો, ૯ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો તેમજ દેશભરમાંથી સેંકડો ઓર્થોપેડિક સર્જનો અને અનુસ્નાતક (પીજી) વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેણે હેલ્થકેરમાં ઝડપથી આગળ વધી રહેલી આર્થ્રોપ્લાસ્ટી વિશેષતાના મહત્વને પુનઃ રેખાંકિત કર્યું છે.
આ કાર્યક્રમને ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન, ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશન, ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન, અમદાવાદ ઓર્થોપેડિક સોસાયટી અને અમદાવાદ આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન દ્વારા સંયુક્ત સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
સમગ્ર પરિષદ દરમિયાન સર્જિકલ ચોકસાઈ વધારવા અને દર્દી-કેન્દ્રિત સારવાર સુનિશ્ચિત કરવામાં ટેકનોલોજીની વધતી ભૂમિકા મુખ્ય કેન્દ્રબિંદુ રહી હતી. તજજ્ઞોએ જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે ૩ લાખથી વધુ હિપ અને ઘૂંટણ પ્રત્યારોપણ (ની રિપ્લેસમેન્ટ) સર્જરીઓ કરવામાં આવે છે. વધુમાં, જોઈન્ટ રિપ્લેસમેન્ટની સંખ્યા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે, જેનાથી અદ્યતન ઓર્થોપેડિક સારવાર માટેના મુખ્ય કેન્દ્ર તરીકે રાજ્યની પ્રતિષ્ઠા વધુ મજબૂત બની છે.
પરિષદ પૂર્વે બી. જે. મેડિકલ કોલેજ ખાતે કેડેવરિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ૭૦ ફેકલ્ટી સભ્યો અને ૧૮૦ ડેલિગેટ્સે હિપ રિપ્લેસમેન્ટ માટેના ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ, યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ અને રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ પર પ્રાયોગિક (હેન્ડ્સ-ઓન) તાલીમ મેળવી હતી.
આ પરિષદનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. તેમણે દર્દીઓના જીવનમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીના પરિવર્તનકારી પ્રભાવ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ગતિશીલતા (મોબિલિટી) પાછી મળવાથી દર્દીઓ આત્મનિર્ભર બને છે, પુનઃ પોતાના કામ પર પરત ફરી શકે છે અને સામાજિક જીવનમાં સક્રિયપણે જોડાઈ શકે છે. તેમણે ઉમેર્યું કે સર્જિકલ ટેકનિક અને તાલીમમાં સતત થતો વિકાસ દર્દીઓની સંભાળના ધોરણોને વધુ ઉચ્ચ સ્તરે લઈ જાય છે.
આ પરિષદના મહત્વ વિશે વાત કરતાં ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. એચ. પી. ભાલોડિયાએ જણાવ્યું હતું કે, “IAACON 2026 એ સર્જનો માટે ઊભરતી નવીન ટેકનોલોજીનું મૂલ્યાંકન કરવાની અને વિવિધ ક્લિનિકલ અનુભવોનું આદાનપ્રદાન કરવાની ઉત્તમ તક પૂરી પાડી છે. ઓર્થોપેડિક પ્રેક્ટિસમાં નવા સાધનો અને પ્રણાલીઓ પ્રવેશી રહી છે ત્યારે સહયોગી શિક્ષણ અને પુરાવા-આધારિત (એવિડન્સ બેઝ્ડ) ચર્ચાઓ અનિવાર્ય બની રહે છે.”
ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. ધીરજ મરોઠી જૈનએ નોંધ્યું હતું કે, “કોઈપણ વૈજ્ઞાનિક પરિષદની તાકાત તેના અર્થપૂર્ણ સંવાદમાં સમાયેલી હોય છે. દેશ-વિદેશના ફેકલ્ટી અને ડેલિગેટ્સની સક્રિય ભાગીદારીથી જટિલ ક્લિનિકલ સ્થિતિઓને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ મળી છે, જે ઓર્થોપેડિક સર્જનોના વ્યવસાયિક વિકાસમાં મોટો ફાળો આપશે.”
આ પરિષદનું સૌથી મોટું આકર્ષણ જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરનો વિશેષ ભાર હતો. ડેલિગેટ્સે ઇમેજ-બેઝ્ડ, ઇમેજલેસ અને AI-સંચાલિત 3D રોબોટિક ટેકનોલોજીના પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન અને ચર્ચાઓમાં ભાગ લીધો હતો. સર્જરી પૂર્વેનું પ્લાનિંગ, હાડકાની યોગ્ય તૈયારી, ઇમ્પ્લાન્ટની ચોક્કસ ગોઠવણી અને રિયલ-ટાઇમ બેલેન્સિંગમાં આ ટેકનોલોજી સર્જનોને કેવી રીતે મદદરૂપ થાય છે તેની તજજ્ઞો દ્વારા વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
“ઇવોલ્વિંગ આર્થ્રોપ્લાસ્ટી: રોબોટિક્સ, કિનેમેટિક્સ એન્ડ ઇનોવેશન” થીમ હેઠળ આયોજિત આ કોન્ફરન્સ હિપ, ઘૂંટણ અને ખભાના પ્રત્યારોપણમાં દર્દીઓને શ્રેષ્ઠ પરિણામો આપવા માટેના વૈજ્ઞાનિક અભિગમો ચકાસવાનું મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી.
પરિષદના શૈક્ષણિક સત્રોમાં ૩૫ સાયન્ટિફિક સત્રો અને ૪ સુનિયોજિત ડિબેટ્સનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત સર્જિકલ વિડિયો પ્રેઝન્ટેશન્સ, જટિલ કેસોની ચર્ચા અને યુવા ઓર્થોપેડિક સર્જનો માટે માર્ગદર્શન સત્રો યોજાયા હતા. જેમાં ઇમ્પ્લાન્ટની ડિઝાઈન, સંક્રમણ (ઇન્ફેક્શન) નિવારણ, પોસ્ટ-સર્જરી પરિણામો અને ઝડપી રિકવરી પ્રોટોકોલ્સ જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવાયા હતા.
IAACON 2026ના સમાપન સાથે ઉપસ્થિત તબીબો આર્થ્રોપ્લાસ્ટીના ભવિષ્ય વિશે નવીન દ્રષ્ટિકોણ અને આધુનિક ટેકનોલોજીની ઊંડી સમજ સાથે રવાના થયા હતા. આ પરિષદે સફળતાપૂર્વક સાબિત કર્યું છે કે રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અદ્યતન ઇમેજિંગ અને પુરાવા-આધારિત પદ્ધતિઓ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીને એક નવો આયામ આપી રહી છે, જે આખરે દર્દીઓની ગતિશીલતા અને જીવનની ગુણવત્તા સુધારવા માટે વરદાનરૂપ નીવડશે.
