Virat Gujarat
ગુજરાત સરકારરાજકારણ

સરદાર સાહેબનો આદર્શ સાદગીનો, સરકારનો રસ્તો સ્વપ્રચારનો : ડૉ. મનિષ દોશી

સરદાર સાહેબના નામે પોતાની છબી ચમકાવવા કરોડો રૂપિયાના ખર્ચે કાર્યક્રમો યોજવાની તૈયારી કરતી કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ સરકાર સામે સવાલ એ છે કે ખેડૂતોના આંસુ લૂછવા માટે પૈસા નથી, પરંતુ પોતાના ગુણગાન ગવડાવવા માટે સરકારી-સહકારી તિજોરી ખુલ્લી કેમ? ૩૧મી ઓક્ટોબરે યોજાનારા કાર્યક્રમના સંદર્ભમાં સરકારની પ્રાથમિકતાઓ પર ગંભીર સવાલો ઉઠાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતના ૧૫ જિલ્લાઓના ૪૫થી વધુ તાલુકાઓમાં દુષ્કાળની અસર હોવા છતાં માત્ર ચાર જિલ્લાઓને જ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. એક તરફ ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, ખેતીની સ્થિતિ કથળી રહી છે અને ગામડાં મોટા પાયે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, ત્યારે બીજી તરફ મોદી સરકાર પોતાની છબી ઊભી કરવામાં વ્યસ્ત છે. સરદાર સાહેબનો આદર્શ સાદગીનો, સરકારનો રસ્તો સ્વપ્રચારનો. સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રની એકતા, જનસેવા અને જવાબદારીનું મહાન ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સરદાર સાહેબનું નામ લેવું સહેલું છે, પરંતુ તેમના આદર્શો પ્રમાણે શાસન કરવું જરૂરી છે. સરકારી નાણાંનો કરકસરપૂર્વક અને જનહિતમાં ઉપયોગ કરવો એ જવાબદાર સરકારની ફરજ છે. પણ છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં અને ૧૨ વર્ષના કેન્દ્રના શાસનમાં ભાજપા સરકારે કરોડો રૂપિયા સ્વપ્રસિધ્ધી-પ્રચારમાં વેરફી નાખ્યાં છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતનાં ૧૮,૦૦૦ ગામોમાં ભાષણ કાર્યક્રમનું આયોજન કરવાની વાત છે, જેમાંથી આશરે ૧૨,૦૦૦ ગામોના ખર્ચની જવાબદારી અમૂલ, ૩,૦૦૦ ગામોની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ (GSC) અને ૩૦૦૦ ગામોની ગુજકોમાસોલ દ્વારા ઉઠાવવાની વિગતો સામે આવી છે. આ કરોડો રૂપિયાના ખર્ચની સત્તાવાર વિગતો અને નાણાંના સ્ત્રોત અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. પ્રશ્ન એ છે કે સહકારી સંસ્થાઓના નાણાં ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિકાસ માટે વપરાવા જોઈએ કે પછી સરકારના ભાષણો અને વ્યક્તિગત છબીના પ્રચાર માટે?
ખાતરના ભાવમાં વધારો, દેવાનો બોજ અને ખેડૂતોની હાડમારી ખેડૂતો પહેલેથી જ મોંઘવારી, ઉત્પાદન ખર્ચ અને દેવાના બોજા સામે ઝઝૂમી રહ્યા છે. એનપીકે ખાતરની થેલીદીઠ રૂ. ૫૦૦ના વધારાનો મુદ્દો હોય કે ખેતીનાં ઓજારો અને ખાતર પર જીએસટીનો બોજ  દરેક મોરચે ખેડૂતની આર્થિક સ્થિતિ પર દબાણ વધી રહ્યું છે. ગુજરાતના ખેડૂતો પર અંદાજે રૂ.૧ લાખ કરોડના દેવાના બોજાનો મુદ્દો પણ ગંભીર ચિંતાનો વિષય છે.
ખેડૂતને પોષણક્ષમ ભાવ, સસ્તાં કૃષિ ઇનપુટ્સ, સિંચાઈની સુવિધા, પાકના નુકસાનનું યોગ્ય વળતર અને દેવામાંથી રાહત જોઈએ છે. પરંતુ સરકાર ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ કરતાં પ્રચારને પ્રાથમિકતા આપે તો ગામડાંની આર્થિક સ્થિતિ કેવી રીતે સુધરશે? ખેડૂતને ભાષણ નહીં, વળતર જોઈએ. જાહેરાત નહીં, આર્થિક રાહત જોઈએ. ફોટો નહીં, પાકના પોષણક્ષમ ભાવ જોઈએ.  સહકારી સંસ્થાઓનાં નાણાંનો હિસાબ આપો. એક તરફ દૂધ સંઘો નફો કરી રહ્યા હોવાની વાત છે, જ્યારે બીજી તરફ પશુપાલકોને તેમના દૂધના ઉત્પાદન ખર્ચને અનુરૂપ પોષણક્ષમ ભાવ મળવા અંગે સવાલો ઊભા થાય છે. આવી સ્થિતિમાં સહકારી સંસ્થાઓનાં નાણાંનો ઉપયોગ પશુપાલકોનાં બાળકોના શિક્ષણ, ખેડૂતોના પરિવારોના ઉત્કર્ષ, પશુઆરોગ્ય, ગ્રામ્ય રોજગારી અને કૃષિ વિકાસ માટે થવો જોઈએ. સરકાર અને સંબંધિત સહકારી સંસ્થાઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે ૩૧મી ઓક્ટોબરના કાર્યક્રમમાં કેટલો ખર્ચ થશે, કોણ ચૂકવશે અને આ ખર્ચ માટે કઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે ? સહકારી સંસ્થાઓનાં નાણાંનો ઉપયોગ ખેડૂતો અને પશુપાલકોના કલ્યાણને બદલે પ્રચારાત્મક કાર્યક્રમોમાં શા માટે કરવામાં આવે છે?, સરકારી ખર્ચ અને સહકારી સંસ્થાઓના યોગદાનની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં સરકારને વાંધો શું છે?
અંતે એક જ સવાલ સરકાર કોના માટે કામ કરે છે?, ખેડૂતો માટે કે પોતાની છબી માટે? ગામડાંના વિકાસ માટે કે રાજકીય પ્રચાર માટે? જનતાના પરસેવાના પૈસા જનકલ્યાણ માટે કે સત્તાના ગુણગાન માટે? સરદાર સાહેબનું નામ લઈને કાર્યક્રમો યોજવાથી તેમની વિચારધારાનું અનુસરણ થતું નથી. સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય, જ્યારે ખેડૂત સમૃદ્ધ બને, પશુપાલકને યોગ્ય ભાવ મળે, ગામડાં આત્મનિર્ભર બને અને સરકારી નાણાંનો એકેએક રૂપિયો જનહિતમાં વપરાય. મોદી સરકાર અને ભાજપ સરકાર યાદ રાખે: ખેડૂતોની મુશ્કેલીઓ ભાષણોથી દૂર થતી નથી, ગામડાંનો વિકાસ પ્રચારથી થતો નથી અને જનતાનો વિશ્વાસ જાહેરાતોથી નહીં, પરંતુ કામથી જીતાય છે. ખેડૂતને ન્યાય આપો, ખેતીને બચાવો, ગામડાંને મજબૂત બનાવો, સ્વપ્રચાર પાછળના ખર્ચ અંગે પારદર્શિતા જાળવો.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા

Related posts

17 મી જાન્યુઆરી, 2025ના રોજ યોજાયેલા અમદાવાદ રોડ શોની પોસ્ટ ઇવેન્ટ પ્રેસ રિલીઝ

viratgujarat

ગુજરાત સરકારની 2026 ભરતી કેલેન્ડર જાહેર: KarmSakha એ બહાર પાડી 50,000+ જગ્યાઓની સંપૂર્ણ યાદી

viratgujarat

ભારત જહાજની માલિકી, લીઝિંગ અને મેરીટાઇમ ફાઇનાન્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે: સર્વાનંદ સોનોવાલ

viratgujarat

Leave a Comment