– રામચરિતમાનસ એ ત્રિભુવનીય સ્વસ્તિક છે
– પ્રસાદથી જે મળે તે ક્યારેય પ્રયાસથી નથી મળતું
– નદી એ પ્રવાહમાન પરમાત્મા છે
ભારત જોડોની ભાવના સાથે દિલ જોડવાના ભાવ સાથે ભ્રમણ કરી રહેલી ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા ગઈકાલે પૌરાણિક ભૂમિ હમ્પી ખાતે પહોંચી છે. રામકથાના પ્રેમલ સંવાદને આગળ ધપાવતા બાપુએ કહ્યું હતું કે, આ ભૂમિનો સંબંધ ચાર યુગ સાથે જોડાયેલો છે. હનુમાનજીના પ્રાગટયની આ પરમ ચેતનામય ભૂમિ છે. એટલે તો તુલસીદાસે હનુમાન ચાલીસા માં કહ્યું કે, ‘ચારો જુગ પરતાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગ ઉજિયારા’ આ પાંચ માતાઓની ભૂમિ છે પંચ માતૃભૂમિ છે : ભૂવનેશ્વરી મા લોકમાતા તુંગભુદ્રા (નદીએ પ્રવાહમાન શક્તિપીઠ છે) લોકશક્તિ લોકમાતા શબરી, સ્વયંપ્રભા અને ભગવતીમાં જાનકીની શોધનો પ્રારંભ આ ભૂમિ પરથી થયો હતો.
માનસ એ ત્રિભવુનીય સ્વસ્તિક છે. આ સ્વસ્તિક લંબચોરસ છે. અને હું માનસની પોથી લઈને ભારતમાં સાથિયો પુરવા નીકળ્યો છું. તલગાજરડીય દ્રષ્ટિએ બાર પ્રકારના દર્શન એ મંગલમય દર્શન છે. દ્વાદર્શન દેવદશી
દર્શન છે. (1) માનસદર્શન મૂળમાં તો વેદ દર્શન – શાસ્ત્ર દર્શન. પણ મારી તો આંખ ખુલી ત્યારથી આ માનસ દર્શન છે. (2) ગૌમાતા દર્શન ગાયોને પ્રેમ કરો ગાયોની પૂજા તો કરો પણ ગાયને પ્રેમ આપો, મને ઘણા લોકો સલાહ આપતા હોય છે કે, બાપુ ગાય વિશે કહો, આમ કહેનારાઓને હું પૂછું કે તમે ગાય પાળો છો? તો કહે ના ! અમે તો સલાહ આપીએ!
મારો જનમ થયો ત્યારથી અમે ગાયની સેવા કરીએ છીએ. આજે પણ તલગાજરડામાં રોજ રોજ ભટકતી ગાયોને ચારો આપીએ છીએ. ગાય એ આપણી સાત્વિક શ્રદ્ધા છે ગાયના ચાર આંચળ એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. (3) ગાય જેવા રાંક સાધુનું દર્શન એ મંગલ દર્શન છે (4) દેશ દર્શન (5) વિશ્વ દર્શન – ભારતની દ્રષ્ટિલઈને વિશ્વદર્શન કરો હું સાવિત્રી માની આંખથી વિશ્વ દર્શન કરું છું. વિવેકાનંદજી અને અન્ય ઘણા મહાપુરુષોએ ભારતની દ્રષ્ટિ રાખીને વિશ્વદર્શન કર્યું છે. (6) નિજદર્શન એટલે કે આત્મદર્શન એ મંગલદર્શન છે. (7) દેવદર્શન – પોતપોતાના ઇષ્ટ દેવનું દર્શન એ મંગલ દર્શન (8) બ્રહ્મદર્શન એટલે કે દરેક જીવમાં બ્રહ્મનુંદર્શન એ મંગલ દર્શન છે. (9) પ્રકૃતિ દર્શન – આપણી આસપાસ કેવી કેટલી પ્રકૃતિ ખીલી છે, પ્રકૃતિ દર્શન એ મંગલદર્શન છે. (10) પરસ્પર દર્શન – અન્યના ગુણોનું દર્શન અને આપણા દોષોનું દર્શન કરવું જોઈએ. પરસ્પરના શુભનું દર્શન એ મંગલદર્શન છે (11) તત્ત્વદર્શન અને (12) સમાધિ દર્શન – કોઈ સાધુ બુદ્ધપુરુષ સંતની સમાધિનું દર્શન એ શુભમંગલ દર્શન છે.
પૂજ્ય શ્રી મોરારી બાપુ એ કથારત્નો રજૂ કરતા કહ્યું કે, આપણને જે પણ કઈ મળ્યું છે એ આપણા કારણે નથી મળ્યું. “સહેલી અમને ભાગ્ય રે મળ્યો છે, સાધુ પુરૂષનો સંગ” પૂજ્ય બાપુએ કવિ શ્રી પ્રણવ પંડ્યાની કવિતાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે, તું જ્યાંત્યાં ના ભાંભર, કથા સાંભળ, કથા સાંભળ કથા સાંભળ કથા સાંભર કથા સાંભર (એટલે કે કથા સાંભરે)
== સમાપ્ત ==
