Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય શ્રી મોરારી બાપુની ‘ભારત સ્વસ્તિક યાત્રા’ દ્વારા ભારતની પવિત્ર ભૂમિ અને રાષ્ટ્રીય વિરાસતને જોડવાનો પ્રયાસ

પૂજ્ય શ્રી મોરારી બાપુની ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો બીજો તબક્કો 14 નવેમ્બરથી દ્વારકાથી શરૂ થશે, 22 નવેમ્બરે જગન્નાથપુરી ખાતે થશે સમાપન 

ભારતની વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને એકતાના સૂત્રમાં પરોવવાનો પ્રયાસ કરતી યાત્રા

નવી દિલ્હી | ૧૨ નવેમ્બર ૨૦૨૬ | પૂજ્ય શ્રી મોરારી બાપુના નેતૃત્વમાં આયોજિત ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો બીજો તબક્કો આગામી 14 નવેમ્બરથી શરૂ થશે. દ્વારકાથી પ્રારંભ થનારી આ યાત્રાનું 22 નવેમ્બરના રોજ જગન્નાથપુરી ખાતે સમાપન થશે. આ યાત્રાનો પ્રથમ તબક્કો 10થી 23 ઓક્ટોબર દરમિયાન કન્યાકુમારીથી કેદારનાથ સુધી યોજાયો હતો, જેમાં ભારતનાં અનેક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં આવ્યાં હતાં.

યાત્રાના પ્રથમ તબક્કાનો પ્રારંભ કન્યાકુમારીથી થયો હતો અને કેદારનાથ ખાતે તેની પૂર્ણાહુતિ થઈ હતી. આ દરમિયાન કલાડી, શૃંગેરી, હમ્પી, તુલજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, અટારી-વાઘા અને જમ્મુ સહિતનાં મહત્ત્વપૂર્ણ સ્થળોની યાત્રા કરવામાં આવી હતી. આ માર્ગે ભારતની આધ્યાત્મિક વિરાસત સાથે સંકળાયેલાં વિવિધ સ્થળોને જોડીને દેશની વિવિધ પરંપરાઓ વચ્ચેની આંતરિક એકતાને ઉજાગર કરી હતી.

યાત્રાના બીજા તબક્કામાં દ્વારકાથી પ્રસ્થાન કરીને સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, છત્તીસગઢના ચંપારણ, માયાપુર અને કોલકાતા થઈને 22 નવેમ્બરે જગન્નાથપુરી પહોંચવામાં આવશે. બંને તબક્કા મળીને ભારતનાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને આવરી લેશે. આ રીતે પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ભારતને એક સમાન આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક ભાવનાના તાંતણે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ યાત્રાનો ભૌગોલિક અને સાંસ્કૃતિક વ્યાપ ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની ભાવના સાથે પણ સુસંગત છે. રાષ્ટ્રગીતમાં પંજાબ, ગુજરાત, મરાઠા પ્રદેશ, દ્રવિડ, ઉત્કલ અને બંગાળ જેવા પ્રદેશો ઉપરાંત ગંગા-યમુના નદીઓ, હિમાલય અને સમુદ્રનો ઉલ્લેખ કરીને ભારતની વિવિધતામાં રહેલી એકતાને વ્યક્ત કરવામાં આવી છે.

યાત્રાના માર્ગમાં આવતા વિવિધ પ્રદેશો સાથે સંકળાયેલી નદીઓ પણ ભારતની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં પેરિયાર, તુંગા, તુંગભદ્રા, ભીમા, નર્મદા, બેતવા, રાવી, તાવી, મંદાકિની, ગોમતી, ક્ષિપ્રા, મહાનદી, જલાંગી, હુગલી અને દયા જેવી નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓ યાત્રાના ભારતની વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ અને પ્રાદેશિક પરંપરાઓ સાથેના જોડાણને વધુ વ્યાપક બનાવે છે.

પૂજ્ય મોરારી બાપુએ આ યાત્રાના આધ્યાત્મિક મહત્ત્વ વિશે જણાવ્યું હતું કે, “ઓમકાર અને સ્વસ્તિક એકબીજાના પર્યાય છે. ઓમકાર અથવા પ્રણવ નિરાકાર સ્વરૂપ છે, જે નિર્ગુણ પરમ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સ્વસ્તિક તેનું સાકાર (સગુણ) સ્વરૂપ છે, જે મંગળ અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણનું પ્રતીક છે.

ચાર ખૂણાવાળી યજ્ઞવેદી (ચતુષ્કોણ યજ્ઞવેદી) પણ સ્વસ્તિકના ભાવને વ્યક્ત કરે છે. તે આપણને યાદ અપાવે છે કે યજ્ઞનો મૂળ ભાવ અન્યના કલ્યાણ માટે કંઈક અર્પણ કરવાનો છે. આવા નિઃસ્વાર્થ સમર્પણ દ્વારા જ શાંતિ, સંવાદિતા અને સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે.” સંતકૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત ‘ભારત સ્વસ્તિક યાત્રા’નો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મના શાશ્વત આદર્શો દ્વારા દેશની વિવિધ આધ્યાત્મિક પરંપરાઓ, પ્રદેશો અને સમુદાયોને એકસાથે જોડવાનો છે. ભારતીય પરંપરામાં મંગળ અને કલ્યાણના પ્રતીક એવા પ્રાચીન સ્વસ્તિકથી પ્રેરિત આ યાત્રા એકતા, સર્વહિત અને રાષ્ટ્રીય એકીકરણની ભાવનાને પ્રસ્થાપિત કરે છે.

યાત્રાની પરિકલ્પના અંગે મિરાજ ગ્રુપના ચેરમેન અને સંતકૃપા સનાતન સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “ભારત સ્વસ્તિક યાત્રા દેશના વિવિધ પ્રદેશો અને જીવનના અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને એક મંચ પર લાવીને ભારતની શાશ્વત એકતાની ભાવનાને સાકાર કરે છે. દ્વારકાથી જગન્નાથપુરી સુધીના બીજા તબક્કામાં પ્રવેશતી આ યાત્રા એકતા, રાષ્ટ્રીય એકીકરણ અને સર્વાંગી કલ્યાણના આદર્શોને વધુ મજબૂત બનાવશે. સ્વસ્તિકમાં સમાયેલો ‘સ્વસ્તિ’ એટલે કે મંગળ અને કલ્યાણનો સંદેશ આ સહિયારી યાત્રા તથા સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની આપણી સામૂહિક ભાવનાનું સુંદર પ્રતીક છે.”

આ યાત્રા આદિ શંકરાચાર્યની આધ્યાત્મિક વિરાસતથી પણ પ્રેરિત છે. આદિ શંકરાચાર્યે સમગ્ર ભારતનો પ્રવાસ કરીને સનાતન ધર્મની દાર્શનિક અને આધ્યાત્મિક પરંપરાઓના માધ્યમથી દેશના વિવિધ પ્રદેશોને જોડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. સ્વસ્તિકની ચારેય ભુજાઓ દેશના વિવિધ પ્રદેશો વચ્ચેના પરસ્પર જોડાણ અને એક અખંડ ભારતની ભાવનાનું સ્મરણ કરાવે છે. આ યાત્રા શાશ્વત મૂલ્યો પર આધારિત સનાતન ધર્મની અવિરત અને ચિરંતન પરંપરાને પણ ઉજાગર કરે છે. પૂજ્ય મોરારી બાપુની રામકથાનો મુખ્ય આધાર સત્ય, પ્રેમ અને કરુણા છે. આ યાત્રા દ્વારા તેઓ આ મૂલ્યોને દેશના વિવિધ પ્રદેશો સુધી પહોંચાડીને આધ્યાત્મિકતા, સંવાદ અને સહિયારી સાંસ્કૃતિક વિરાસતના માધ્યમથી સમાજના વિવિધ વર્ગોને એકબીજાની નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દ્વારકાથી જગન્નાથપુરી તરફ આગળ વધવા સજ્જ ભારત સ્વસ્તિક યાત્રા મંગળ, સંવાદિતા અને એકતાનો સંદેશ પ્રસરાવશે. ભારતના વિવિધ પ્રદેશોને એકસાથે જોડતા સહિયારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પાયાને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ યાત્રા મહત્ત્વપૂર્ણ બની રહેશે. યાત્રા દરમિયાન યોજાનારી રામકથા અને અન્ય સંબંધિત કાર્યક્રમોમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. આ કાર્યક્રમો સૌ કોઈ માટે નિઃશુલ્ક અને ખુલ્લા રહેશે. યાત્રાના દરેક સ્થળે પ્રસાદરૂપે શાકાહારી સામૂહિક ભોજન એટલે કે ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે.

== સમાપ્ત ==

Related posts

જીના શીખોના એચઆઈઆઈએમએસ (HIIMS) દ્વારા અમદાવાદમાં આચાર્ય મનીષજીના માર્ગદર્શન હેઠળ ‘શુદ્ધિ આયુર્વેદિક હેલ્થ કેમ્પ’નું આયોજન

viratgujarat

વડોદરામાં BMW ગોલ્ફ કપ 2026ની નેશનલ ક્વોલિફાયરનું સમાપન

viratgujarat

ધનતેરસ પર હેવમોર — ઓફર કરતાં વધુ, ગુજરાતની મોસ્ટ આઇકોનિક ફેસ્ટિવ રિચ્યુઅલ

viratgujarat

Leave a Comment