Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટથી અમદાવાદનાં બે દર્દીને મળ્યું નવજીવન

અમદાવાદ, ગુજરાત | ૧૩ નવેમ્બર ૨૦૨૬ | જ્યારે પતિ કે પત્ની પોતાના જીવનસાથીને કિડની આપવા તૈયાર હોય, પરંતુ મેડિકલ કારણોસર તેમની કિડની મૅચ ન થાય, ત્યારે કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ એક વિકલ્પ બની શકે છે. નરોડા શેલ્બી હોસ્પિટલમાં બે દંપતી વચ્ચે કિડનીની આપ-લે (કિડની સ્વેપ) દ્વારા બે દર્દીઓનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. આ પ્રક્રિયામાં બંને દર્દીઓને જીવિત દાતાઓ પાસેથી મૅચ થતી કિડની મળી.

આ કિડની સ્વેપમાં એક દંપતીના પતિએ બીજા દંપતીના પતિને, જ્યારે બીજા દંપતીની પત્નીએ પહેલા દંપતીની પત્નીને કિડની દાન કરી હતી. એક દર્દી છેલ્લા છ મહિનાથી ડાયાલિસિસ પર હતા, જ્યારે બીજા દર્દીની કિડનીની બીમારી ગંભીર તબક્કામાં હતી અને ટૂંક સમયમાં ડાયાલિસિસની જરૂર પડે તેવી સ્થિતિ હતી.

આ બંને દર્દીઓના કેસ મેડિકલ દૃષ્ટિએ પડકારજનક હતા. એક દર્દીનું વર્ષ 2013માં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને તે કિડની આશરે 13 વર્ષ સુધી કાર્યરત રહી હતી. અગાઉ કિડનીનો અસ્વીકાર, ચેપ, વારંવાર હિમોગ્લોબિન ઘટવું અને અનેક વખત લોહી ચઢાવવાની જરૂરિયાત જેવી જટિલતાઓને કારણે બીજી વખત ટ્રાન્સપ્લાન્ટ કરવું પડકારજનક હતું.

બીજા દર્દીને ADPKD નામની વારસાગત બીમારી હતી, જેમાં કિડનીમાં અનેક ગાંઠો (સિસ્ટ) થાય છે. દર્દીની એક કિડની 22 સેન્ટિમીટરથી વધુ મોટી હોવાથી નવી કિડની મૂકવા માટે જગ્યા નહોતી. આથી ટ્રાન્સપ્લાન્ટ પહેલાં સર્જનોએ જમણી બાજુની મોટી થઈ ગયેલી કિડની દૂર કરી હતી.

ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી વખત ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર દર્દીનું સીરમ ક્રિએટિનિન 1.3 mg/dL અને બીજા દર્દીનું 0.6 mg/dL નોંધાયું હતું. લાંબા ગાળે કિડનીની કામગીરી પર નજર રાખવા નિયમિત ફોલોઅપ જરૂરી રહેશે.

જ્યારે પરિવારનો કોઈ સભ્ય કિડની દાન કરવા તૈયાર હોય, પરંતુ મેડિકલ કારણોસર તેની કિડની દર્દી સાથે મૅચ ન થતી હોય, ત્યારે બે અલગ-અલગ દાતા અને દર્દીની જોડી વચ્ચે બ્લડ ગ્રુપ, મેડિકલ અને ઇમ્યુનોલોજિકલ તપાસના આધારે મૅચ શોધવામાં આવે છે. ત્યારબાદ બંને દાતા એકબીજાના દર્દીને કિડની દાન કરે છે. બંને દાતાની કિડની કાઢવાની અને બંને દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની કુલ ચારેય સર્જરી એક જ સમયે કરવામાં આવે છે. તેના માટે ચાર ઓપરેશન થિયેટર અને સર્જરી, એનેસ્થેસિયા, નેફ્રોલોજી તથા નર્સિંગની ટીમો વચ્ચે ચોક્કસ આયોજન અને સંકલન જરૂરી હોય છે.

આ ટ્રાન્સપ્લાન્ટ ટીમમાં કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. મહેન્દ્ર મુલાણી તથા સર્જન ડૉ. કીર્તિપાલ વિસાણા, ડૉ. રાઘવેન્દ્ર કશ્યપ, ડૉ. શ્રેણિક શાહ અને ડૉ. તેજાંશુ શાહનો સમાવેશ થાય છે.

કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટને ટ્રાન્સપ્લાન્ટેશન ઑફ હ્યુમન ઑર્ગન્સ એન્ડ ટિશ્યુઝ ઍક્ટ (THOTA) હેઠળ કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. પરિવારના દાતા સાથે કિડની મૅચ ન થતી હોય તેવા દર્દીઓ યોગ્ય તબીબી તપાસ બાદ કિડની સ્વેપ પ્રોગ્રામમાં નોંધણી કરાવી શકે છે.

નરોડા શેલ્બી હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઑફિસર ડૉ. પ્રફુલ ધરાણીએ જણાવ્યું હતું કે, “દાતા સાથે કિડની મૅચ ન થવી એનો અર્થ એ નથી કે દર્દીએ ટ્રાન્સપ્લાન્ટની આશા છોડી દેવી પડે.  કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ એક મહત્ત્વપૂર્ણ વિકલ્પ પૂરો પાડે છે. દર્દીઓને આ વિકલ્પ વિશે યોગ્ય માર્ગદર્શન, તબીબી મૂલ્યાંકન અને જરૂરી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું અમારી જવાબદારી છે.”

== સમાપ્ત ==

Related posts

ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે બજાર ચક્રોમાં તકોનો લાભ લેવા માટે મલ્ટી કેપ ફંડ લોન્ચ કર્યું

viratgujarat

શહેરભરમાં ફિટનેસ ઇવેન્ટ્સ અને પ્રવૃત્તિઓના કેલેન્ડર સાથે દુબઈ ફિટનેસ ચેલેન્જની 10મી આવૃત્તિ

viratgujarat

Jio-bp લોન્ચ કરે છે એન્જિન ક્લિનીંગ એક્ટિવ ટેકનોલોજી કોઈ વધારાના ખર્ચ વિના 100 કિમી સુધીની વાર્ષિક વધારાની ડ્રાઈવ આપતું પેટ્રોલ

viratgujarat

Leave a Comment