Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વિશેષ ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. છોટાઉદેપુરમાં આયોજિત બૂથ કાર્યકર્તા સંમેલનનો મંડપ ગઈકાલે ભારે પવનના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો, છતાં કાર્યકર્તાઓના આગ્રહથી કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો ત્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મંચ છોડી, કાર્યકર્તાઓની હરોળમાં તડકે ઊભા રહી સંવાદ કર્યો હતો.
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ બાબા પિઠોરાદેવ અને મહાકાળા માતાજીના જયનાદ સાથે આદિવાસી સંસ્કૃતિને વંદન કરી તેમના સંબોધનની શરૂઆત કરી પ્રતિકૂળ હવામાન છતાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓની કર્મનિષ્ઠાને બિરદાવતા જણાવ્યું કે, ભાજપનો કાર્યકર્તા ક્યારેય થાકતો કે હારતો નથી; તે માત્ર ચૂંટણી માટે નહીં પણ જનસેવા માટે સમર્પિત છે. મેં બૂથ પ્રમુખ તરીકે દીવાલો પર કમળ દોર્યા છે, આજે પાયાના કાર્યકર્તાઓના સહારે જ હું મંચ સુધી પહોંચ્યો છું. મારા માટે બૂથનો કાર્યકર્તા મંચ પર બેસનાર સૌથી મોટો કાર્યકર્તા છે. જંગલ અને ડુંગરાળ વિસ્તારોમાં પણ સરકારની યોજનાઓ ઘર-ઘર પહોંચાડવાનું કામ કાર્યકર્તાઓ કરે છે. ભાજપાનો કાર્યકર્તા માત્ર ચૂંટણી માટે નહીં પરંતુ સેવા માટે કાર્ય કરે છે.
આદિવાસી અસ્મિતા અને વિકાસની વાત કરતા શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે, પીઠોરા ચિત્રકલા અને આદિવાસી વારસાને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય ભાજપ સરકારે કર્યું છે. બજેટના પ્રથમ પેજ પર આદિવાસી સંસ્કૃતિને સ્થાન આપી સરકારે ખરા અર્થમાં આદિવાસી સમાજનું સન્માન જાળવ્યું છે. તેમણે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે નર્મદાનું પાણી, આયુષ્માન કાર્ડ (₹10 લાખ સુધીની સહાય), પીએમ કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના અને મફત અનાજ વિતરણનો ઉલ્લેખ કરી જણાવ્યું કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવો એ જ ભાજપની પ્રાથમિકતા છે. ૫૫૦૦ કરોડના ખર્ચે બે વખત પાણી લિફ્ટ કરીને આપણા ત્રણ જિલ્લાઓ સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું ઐતિહાસિક કામ કરવામાં આવ્યું છે. ગરીબ પરિવારની દીકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે દીકરીનો હાથ પકડી શાળાના દ્વાર સુધી લઈ જનાર કોઈ મુખ્યમંત્રી રહ્યા હોય તો તે આજે દેશના વડાપ્રધાન બનેલા શ્રી મોદીજી જ છે.
તેમણે જણાવ્યું કે, આદિવાસી સમાજે આઝાદીની લડાઈથી લઈને બ્રિટિશ શાસન સામે કઠિન સંઘર્ષ કર્યો છે. જંગલ, જમીન અને જળની રક્ષા કરનાર આદિવાસી સમાજને છેતરવા માટે જે કાળો પંજો આવે છે તે હવે સફળ થવાનો નથી. કોંગ્રેસે વર્ષો સુધી ફક્ત વાયદા કર્યા, ભ્રષ્ટાચાર કર્યો અને આદિવાસી સમાજને છેતર્યો, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સાચા અર્થમાં તેમને સન્માન અને હક આપવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના કાળા પંજાના મુખમાંથી આદિવાસીઓને છોડાવાનું કાર્ય કર્યુ છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસનો કાળો પંજો આદિવાસીઓને છેતરવામાં સફળ નહિ થાય.
વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, વિરોધ પક્ષે માત્રને માત્ર વિકાસનો પ્રવાહ રોકવાનો પ્રયાસ કર્યો છે, કોંગ્રેસે માત્ર વિરોધ કર્યો છે. કોંગ્રેસ 60 વર્ષોમાં દેખાવો કરવામાં, ખોટા વિરોધ કરવામાં, જુઠુ બોલવામાં, વચનો આપવામાં, ભ્રષ્ટાચાર કરવામાં, વિકાસથી વંચિત રાખવામાં નંબર વન છે. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ દેખાય, ચૂંટણી જાય એટલે કોંગ્રેસ જતી રહે છે. કોંગ્રેસ પાસે માત્ર કન્ફ્યુઝન અને ભાજપ પાસે દરેક સમસ્યાનું નિરાકરણ છે. લોકો ભાજપાની કમળવાળી સરકાર પર વિશ્વાસ રાખે છે અને દરેક ચૂંટણીમાં આ વિશ્વાસ વધુ મજબૂત બની રહ્યો છે.
અંતમાં, તેમણે કાર્યકર્તાઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘કમળ’ને ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આદિવાસી સમાજનું તીર કામઠું ક્યારેય નિશાન ચૂકતું નથી, તે વિકાસની રાજનીતિ પર ભરોસો રાખી ફરી એકવાર ભાજપને વિજયી બનાવશે. વિજય બાદ આ જીતનું ‘કમળ’ મહાકાળી માતાજીના ચરણોમાં અર્પણ કરવાનો સંકલ્પ દોહરાવી તેમણે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદશ્રી ગીતાબેન રાઠવા, સાંસદશ્રી જશુભાઇ રાઠવા, જિલ્લાના પ્રભારીશ્રી હિમંતભાઇ, જિલ્લા પ્રમુખશ્રી ઉમેશભાઇ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સ્થાનિક ભાજપા આગેવાનો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાશ્રી (રાધે-રાધે)ની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે પાવન મુલાકાત

viratgujarat

શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી ભારે ભવ્યતાથી કરવામાં આવશે.

viratgujarat

સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ઉદ્ઘાટન પ્રસંગની આયોજન બેઠક યોજાઈ

viratgujarat

Leave a Comment