Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અગ્રવન કથાનું ભાવમય સમાપન; હવેની કથા-સ્વસ્તિક કથાનાં વિશેષ રૂપે ૧૦-થી ૨૩ ઓક્ટોબર સુધી ટ્રેનની સાથે-સાથે વહેશે

વૈરાગ્ય ઢાલ છે અને સંતોષ કીરપાણ છે.

ન ભૂતો,ન ભવિષ્યતિ જેવી આધ્યાત્મિક ઐતિહાસિક,સ્વસ્તિક કથા,ખાસ ટ્રેઇન દ્વારા,દક્ષિણથી ઉત્તરનો સેતુબંધ રચશે.

આધ્યાત્મિક ઊડાન માટે બે પાંખ જોઈએ:એક વૈરાગ્યની,બીજી બોધની.

કલી પ્રભાવ છે એટલે આ વૈરાગ્યની ઢાલ આગળ આવી ગઈ છે.

માનસ એ વેદ છે,ચૌપાઇઓ એની ઋચાઓ છે.

જીવ અને શિવ એક જ શાખાઓ પર બેઠેલા બે પંખીઓ છે.

મોક્ષ પણ એક પ્રકારનું બંધન છે,મુક્તિ મળી ગયા પછી ક્યારેય ફરી પાછા અહીં આવી શકતા નથી,નવા પ્રકારનું બંધન સમજો!

કૃષ્ણરૂપા કાલિન્દી-યમુનાનાં તીરે વસેલી આધ્યાત્મિક-ઐતિહાસિક નગરી અગ્રવન-આગ્રાનાં જેપી વેડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી રામકથા જ્યારે બુધવારે નવમા-પૂર્ણાહૂતિનાં દિવસે પહોંચી ત્યારે શેષ કથા અને ઉપ સંહારક સૂત્રો વહેંચતા બાપુએ સમગ્ર કથા આયોજન માટે ‘અધિકારી’ લલિતભાઇ-પરિવાર તરફ પ્રસન્નતા અને સાધુવાદ દર્શાવ્યો.

બીજ પંક્તિઓ:

એક બાર ત્રેતા જુગ માહીં,

સંભુ ગએ કુંભજ રિષિ પાહીં.

-બાલકાંડ-દોહો-૪૭,ચૌપાઇ-૧

રિષિ પૂછી હરિભગતિ સુહાઇ,

કહી સંભુ અધિકારી પાઇ.

-બાલકાંડ દોહો-૪૭,ચૌપાઇ-૪

જાસુ કથા કુંભજ રિષિ ગાઇ,

ભગતિ જાસુ મૈં મુનિહિ સુનાઇ.

-બાલકાંડ- દોહો-૫૦,ચૌપાઇ-૭

વિદાય લેતા બધાને પ્રણામ કરી આજે કથાનાં સુ-ફળ રૂપ ચિત્રકૂટ કાંતાનાથ,કામદગિરિ પીઠનાં શંકરાચાર્યજીની વિશેષ ઉપસ્થિતિને વધાવીને જણાવ્યું કે જીવનમાં પ્રસન્નતાનું પૂર આવતું રહ્યું છે.

જગદગુરુ શંકરાચાર્યજીનો એક શ્લોક સમાપન વેળાએ ઉચ્ચારિત કરતા જણાવ્યું:

वैराग्यबोधौ पुरुषस्य पक्षिवत्

पक्षौ विजानीहि विचक्षण त्वम्।

विमुक्तिसौधाग्रतलाधिरोहणं

ताभ्यां विना नान्यतरेण सिध्यति।।

–विवेकचूडामणिः३७४

ભૂમિ તળથી એક પક્ષીને ઉપર જાવું છે.બે પાંખો જોઈએ.પરમાત્માએ પક્ષીની અદભુત રચના બનાવી છે.એનું પ્રમાણમાપ ખૂબ અદભુત છે.આપણે પણ પક્ષીની એક કથા પછી બીજી કથામાં કેટલું ઉર્ધ્વગમન થયું,દરેક સાધકે પોતાનું અવલોકન કરવું જોઈએ.

જગતગુરુ બતાવ્યું કે જીવ અને શિવ એક જ શાખાઓ પર બેઠેલા બે પંખીઓ છે.પક્ષ,વિપક્ષ જેવા પક્ષપાત પ્રમાણે પણ આપણે પક્ષી છીએ. કાલડીથી કૈલાશ જતાં જગતગુરુ કહે છે કે ત્રિભુવનનું પ્રત્યેક પક્ષી ઉર્ધ્વગમન કરે એ માટે બે પાંખો જોઈએ:એક વૈરાગ્યની,બીજી બોધની પાંખ. આ બંને રામચરિત માનસમાં પણ સરળતાથી સમજાવાયા છે.મોરે મન પ્રબોધ જો હોઇ-બોધ આપણી એક પાંખ.ખૂબ સુંદર શબ્દ છે.જ્ઞાનથી પણ વધારે મહિમા બોધનો છે.ક્યારેક માહિતી ને જ આપણે જ્ઞાન માનીએ છીએ.

વંદે બોધમયં નિત્યં ગુરું શંકર રૂપિણૌ-વૈરાગ્ય જમણી,બોધ ડાબી પાંખ છે.

રામચરિત માનસનાં પ્રત્યેક કાંડના સમાપનમાં વંદના આવે છે પણ મને મારા દાદા-ગુરુએ સમાપન પર જે શબ્દ આપ્યો-વિમલ વૈરાગ્ય સંપાદનો-

આ ખાસ સમાપન છે.

ગાયને દોહ્યા પછી માખણ નીકળે,પછી જે વિમલ નવનીત બને એમાં ક્યારેક કીટું રહી જાય.અહીં ગાતાં-ગાતાં વૈરાગ્ય સંપાદન થાય છે.

મોક્ષ પણ એક પ્રકારનું બંધન છે,મુક્તિ-આ મળી ગયા પછી ક્યારેય ફરી પાછા અહીં આવી શકતા નથી!નવા પ્રકારનું બંધન સમજો.

આમ પણ અમારા માર્ગી સાધુબાવાને ઉપેક્ષાનાં, ઉપાહાસનાં રૂપમાં વૈરાગી બાવા શબ્દ કહીને બોલાવે છે.

એક વૈરાગ્યની વ્યાખ્યા લક્ષ્મણજી સામે થઈ છે. તણખલાની સમાન સાધક ત્રણેય ગૂણોને ત્યાગી દે. આપણે બિલકુલ નવરા બેઠા હોઈએ ને તણખલું તોડીને ફેંકતા હોઈએ એમ યાદ પણ ન હોય કે ત્યાગ કર્યો છે-એને વૈરાગ્ય કહેવાય.

બીજું-માખણ એટલું શુદ્ધ નથી,ક્યારેક એમાં કીટું રહી જાય મમતા રૂપી કીટું નીકળી જાય પછી નારાયણ રૂપી ઘૃત ઘી બને છે.સાચા માખણમાંથી દીપ નથી પ્રગટતો. શુદ્ધ ઘીની જ્યોત જ પ્રકાશ ફેલાવે છે.ત્રીજું-વૈરાગ્ય ધર્મરથની ચર્ચામાં લંકાકાંડમાં સમજાવ્યો છે.ત્યાં કહ્યું છે કે વૈરાગ્ય ઢાલ છે અને સંતોષ કીરપાણ છે.ઢાલ હંમેશા પાછળ રહેતી હોય છે.વૈરાગ્ય ઢાલ છે એ પ્રદર્શન ન બને પણ દર્શનીય બને.પ્રદર્શન કરવા જશો તો અભદ્ર દેખાશે.ઢાલ પાછળ નહીં રહે તો કમ્ફર્ટેબલ નહીં રહેવાય.

હૃદયમાં બોધ આગળ અને પાછળ વૈરાગ્ય એ રીતે ઉડાન ભરી શકાય છે.

જાણકારોથી,મહુવાની ડબગર શેરીમાં રહેતા લોકો પાસેથી બાપુએ જાણ્યું કે ઢાલ ગેંડાની ચામડીથી સારી બને છે.પણ એમાં એને અતિશય સુકવવામાં આવે છે,એકાદ બુંદ રક્ત રહી જાય તો ચામડું ફાટી જાય છે.આપણા રક્તયુક્ત(વિરક્ત નહીં) વૈરાગમાં અંદર રહેલા રક્તની રક્ષા નહિ થાય.પરમાત્મા પ્રતિ આપણી આરક્તિ ને બચાવે એ વૈરાગ્યની ઢાલ રક્તમુક્ત હોવી જોઈએ.

કલી પ્રભાવ છે એટલે આ વૈરાગ્યની ઢાલ આગળ આવી ગઈ છે.તથાકથિત વૈરાગી અનકમ્ફર્ટેબલ લાગે છે.કેટલું પણ સત્કર્મ કરીને લોકો પ્રચાર પોતાની રીતે જ કરતા હોય છે,પોતે જ પોતાની જાહેરાત ઉદ્ઘોષણા કરે છે ત્યારે ઢાલ આગળ હોય એવું લાગે છે!

પહેલા કોઈ સાધુ મળતા ત્યારે એવું પૂછતા કે વૈરાગ્ય કેટલો વધ્યો?

શંકરાચાર્ય કાલડીથી કેદારની ઉડાન આપણને સમજાવે છે.જાનકીજી પાસે રાવણ આવ્યો ત્યારે સીતાજીએ એક તણખલું આડે ધરીને કહ્યું કે તારી તમામ સંપત્તિ તણખલા સમાન છે.

શંકરાચાર્ય ચારે શિષ્યોને કહે છે કે તમે તો વિચક્ષણ છો!વૈરાગ્ય અને બોધની પાંખ સિવાય કોઈ તરી નહીં શકે.

શેષ કથામાં રાવણને ગતિ આપી,પુષ્પક આરૂઢ થઈને અયોધ્યામાં રામજીએ આવી એશ્વર્યા લીલા કરી બધાને વ્યક્તિગત મળ્યા.વશિષ્ઠ દ્વારા રાજતિલક થયું.પછી ભુશુંડિ ચરિત્ર અને સાત પ્રશ્નો બાદ કથાનો સાર કહી બધા જ ઘાટ પર કથાનો વિરામ થયો.

આ કથાનું સુ-ફળ જગતનાં તમામ ઋષિઓને અર્પણ કર્યું.

સરળ-તરલ સહ સ્વભાવનાં જગતગુરુએ આશીર્વાદ આપતા કહ્યું કે કથા ઘણી હોય પણ ઋષિ પંચમી પર ઋષિની આ કથા વિશિષ્ટ છે.સમસ્ત કામનાઓનો અંત એ જ સંત છે અને ભદ્ર આચરણ વાળો સાધુ છે.કામદગિરિ ભગવાન પાસે પ્રાર્થના કરી પ્રસાદીનાં રૂપમાં તમામને આશીર્વાદ બાદ કથાને વિરામ અપાયો

 

શેષ-વિશેષ:

સ્વસ્તિક કથા:કાલડીથી કેદાર

હવે પછીની રામકથા કાલડીથી કેદાર,કન્યાકુમારીથી કેદારનાથ(સ્વસ્તિક કથા ભાગ-૧) તા-૧૦-૧૦-૨૦૨૬ થી ૨૩-૧૦-૨૦૨૬ દરમિયાન,

ખાસ ટ્રેઇન દ્વારા મુખ્ય ધાર્મિક-આધ્યાત્મિક સ્થળે  એક-એક દિવસ કથાગાન કરતા કેદારનાથ વિરામ થશે.

૧૦ એક્ટોબર-પહેલા દિવસ-શનિવાર સાંજે ૪ વાગ્યે કન્યાકુમારી(તમિલનાડુ)થી રામકથાનો આરંભ થશે. જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તથા ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી જે તે દિવસે જે સમયે કથા સ્થળે આગમન થાય એ રીતે જીવંત પ્રસારણ નિહાળી શકાશે.

 

કથા-વિશેષ:

સ્વામી નિષ્કૂળાનંદજીની આ રચના છે.જે ધારાનાં મહાપુરુષ છે એ ધારા પણ અભ્યાસ કરે તો..

ત્યાગ ન ટકે વૈરાગ વિના,કરીએ કોટિ ઉપાય જી,

અંતર ઊંડી જે ઇચ્છા રહે તે તો કેમ તજાય જી,

વેશ તો લીધો વૈરાગનો દેશ રહી ગયો દૂર જી,

ઉપર વેશ અચ્છો બન્યો,માંહી મોહ ભરપૂર જી.

સપનામાં બુદ્ધિ ભટકાવે છે,નિદ્રા-સુષુપ્તિમાં શાંત હોય છે,જાગૃતિમાં બુદ્ધિ ચિંતન કરાવે અને તુરીયા અવસ્થામાં બુદ્ધિ નિર્મૂળ થઈ જાય છે.

ઋષિ અને મુનિની સંયુક્ત ચેતના-સાધુને પોતાનું રૂપ હોય છે.ઋત હોય છે અને શ્રદ્ધાની ઋતુ હોય છે. ઋચા પણ હોય છે.માનસ એ વેદ છે,ચૌપાઇઓ એની ઋચાઓ છે.

== સમાપ્ત ==

Related posts

બીએનઆઈ અમદાવાદ દ્વારા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 9મા સિસિલિયન ગેમ્સનો પ્રારંભ

viratgujarat

15 સૌથી ઝડપથી વિકસતી સ્કિલ જે ભારતીયોને કાર્યસ્થળ પર આગળ રહેવા માટે જરૂરી : લિંક્ડઇન સ્કિલ્સ ઑન ધ રાઇસ 2025

viratgujarat

પ્રયાગી કથાની પૂર્ણાહૂતિ; આગામી કથા ૧૮ એપ્રિલથી પાલિતાણાથી યોજાશે

viratgujarat

Leave a Comment