રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ડીઝલની અછત ના લીધે નાના રણના અગરિયા સમુદાય ને માઠી અસર થઈ છે. ભારતના કુલ મીઠા ઉત્પાદનનું ૭૦% મીઠું ગુજરાતમાં પાકે છે. નાના રણની આજુબાજુ જેમ કે સાંતલપુર, માળિયા, ખારા ઘોડા , આડેસર, ધાંગધ્રા, હળવદ, રાધનપુરના સીમાંત ગામો માં આશરે ૩૫૦૦ થી વધુ જેટલા અગર હશે. આશરે ૬૦ લાખ ટન થી વધુ નું વાર્ષિક મીઠાનું ઉત્પાદન ૧૦ એકર ના અગરવાળા કરતા હોય છે. ડીઝલની અછતના લીધે અગરિયા મીઠાને અગર થી ગંજા સુધી પહોંચાડી નથી શકી રહ્યા. ટ્રાન્સપોર્ટરો દ્વારા ડીઝલની અછતના લીધે અગરિયા વ્યવસાય જોડે સંકળાયેલા ને ફેરા ની મનાઈ કરી દેવામાં આવી રહી છે અથવા અગરિયા જોડે થી ડીઝલની વ્યવસ્થાની માંગ થઈ રહી છે. નાના અગરિયાનો ૨૫૦ કરોડ થી વધારે રૂપિયાના વેપારને ડીઝલ અછતની માઠી અસર પડી રહી છે. આશરે ૫૦,૦૦૦ થી વધુ લોકો જે અગર વ્યવસાય જોડે સીધી રીતે સંકળાયેલા છે અને ૧૦૦૦૦૦ થી વધુ લોકો જે પરોક્ષ રીતે અગર વ્યવસાય જોડે સંકળાયેલા છે. કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લાના અગર ઉદ્યોગોને મોટી અસર પડશે.
ડિઝલ ની અછત ના લીધે અગર વ્યવસાય ના લોકો ને પોતાના અગરમાં હિટાચી , ટ્રકો જેવા વાહનો ના ઉપયોગમાં ખૂબ તકલીફ પડી રહી છે. નાના રણ ના ૧૦,૦૦૦ પરિવારો અગર ઉદ્યોગો જોડે સંકળાયેલા છે તેમની આ વર્ષ ની આજીવીકા ચિંતા માં મુકાય ગઈ છે. ડીઝલ ની અછત લંબાશે અને જો વરસાદ આવી જશે તો અગરિયાં ના મીઠા ના પાક પાણીમાં જતો રહેશે. મીઠાનો પાક બરબાદ થશે તો અગરિયા સમુદાયને ૨૫૦ કરોડ થી વધુ નુકશાન થવાની ભીંતી છે. જે મોટા અગર ના માલિકો ખાનગી કંપનીઓ જોડે ડીઝલ બલ્ક માં લેતા હતા, તેમને ડીઝલ મળી જાય છે તો નાના અગર વાળા નો શું વાંક છે? અગરિયા વ્યવસાય ને માત્ર ૨૦ લીટર ડીઝલ મળે છે જ્યારે તેમની ખપત ૫૦૦ લીટર થી વધુ છે.
ડીઝલ ની અછતના કારણે વર્ષે પકવેલ લાખો ટન મીઠું ટ્રાન્સપોર્ટ કરી ને રણ માં થી બહાર નહીં ખેંચી શકાય તો અગર ઉદ્યોગ પર નભતા મજૂરો, કામદારો ની આજીવીકા ઉપર વિપુલ નુકશાનની શક્યતા. સ્થાનિક તંત્ર કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીઝલ સંકટ ને હલ નથી કરવામાં આવી રહ્યો અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી રહી ત્યારે અગરિયાઓ સ્વબળે લડી રહ્યા છે. સરકારે તાત્કાલિક મીઠા ઉદ્યોગ જોડે સંકળાયેલા અગરિયા સમુદાય ને ડીઝલ ની પૂરતી માત્રા મળે તે માટે તાકીદે પગલાં લેવા જોઈએ. અગર ઉદ્યોગને ડીઝલ નહીં મળે તો હજારો પરિવારોની આજીવીકા ઉપર અસર પડશે તે ખુબ જ ચિંતાજનક છે. ડીઝલની અછત નો પ્રશ્ન નાના રણ ના અગર પૂરતો સીમિત નથી બીજે આ પ્રકાર પ્રશ્નો સામે આવ્યા છે.
