ગુજરાત ની યુનિવર્સિટીઓ શિક્ષણ માં તો ટોપ યુનિવર્સિટી ક્લબ માં ભલે ના આવે પણ વિદ્યાર્થીઓ ને લૂંટવા માટે મિલિયન ફી ક્લબ માં જવાની ઘેલછા લાગી છે.
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય માં શિક્ષણ ના વેપારીકરણ અને ખાનગીકરણ ની ઘેલછા માં શિક્ષણ ની ફી આસમાને પોહચાડી છે. ગુજરાત રાજ્ય માં સૌથી વધુ પ્રાઇવેટ યુનિવર્સિટી ને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓ ને લુંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સ માં વિદ્યાર્થી દીઠ એક મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવા માં આવી રહી છે. ગુજરાત ની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણ માં ટોપ યુનિવર્સિટી ક્લબ માં ના આવે, પણ વિદ્યાર્થીઓ – વાલીઓ ને લૂંટવા માં વન મિલિયન ફી ક્લબ માં જવા ની ઘેલછા છે.
ગુજરાત ની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા બીકોમ, બીએ, બીએસસી અને બીબીએ ની ફી મેડિકલ – ટેકનીકલ એજ્યુકેશન ની ફી કરતા પણ મોંઘી. ગુજરાત ની ખાનગી યુનિવર્સિટી પૈકીની કેટલીક યુનિવર્સિટી ના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સ ની ફી જોઈએ અને સરકાર ની કોલેજો ની ફી જોડે સરખાવવમાં માં આવે તો મોટો તફાવત જોવા મળે છે . અમદાવાદ યુનિવર્સિટીમાં બીકોમ, બીએ, બીએસસીમાં વાર્ષિક રૂ. ૬,૦૦,૦૦૦ ફી ઉઘરાવવામાં આવે છે, તેની જ સંસ્થામાં બપોરે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી ફી આશરે રૂ. ૨૮૫૦ ઉઘરાવવા માં આવી રહી છે. નિરમા યુનિવર્સિટી જેને ટોકન રૂપિયે શિક્ષણ માટે જમીન મેળવેલ તે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ જોડે બીકોમ માં વાર્ષિક ૨,૨૫,૦૦૦ ઉઘરાવવા માં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા બીએ ના વાર્ષિક ૨,૩૭,૫૦૦ રૂપિયા ઉઘરાવવા માં આવી રહ્યા છે. જ્યારે બીબીએ માં વાર્ષિક ૩,૦૦,૦૦૦ જેટલી ફી વિદ્યાર્થીઓએ ભરવી પડે છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં બીએ ના કોર્સની વિદ્યાર્થીઓએ વાર્ષિક રૂ. ૫૮,૦૦૦ ફી ભરવી પડે છે જ્યારે બીકોમ અને બીબીએ માં રૂ. ૧,૩૦,૦૦૦ જેટલી ફી ભરવી પડે છે. વડોદરાના નવરચના યુનિવર્સિટીમાં બીએ ના કોર્સની વાર્ષિક રૂ. ૮૪,૭૦૦ ફી ભરવી પડે છે જ્યારે બીબીએની વાર્ષિક ફી રૂ. ૧,૫૦,૫૦૦ ભરવી પડે છે. પંડિત દીનદયાળ ના અંત્યોદયના સિધ્ધાંત નો પ્રચાર ભાજપ ના નેતા કરતા હોય છે, તેમના નામે બનેલ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી માં બીકોમ અને બીએ જેવા કોર્સ માં વાર્ષિક રૂ. ૩,૧૦,૦૦૦ ફી ઉઘરાવવા માં આવી રહી છે. સુરતની ઓરો યુનિવર્સિટીમાં બીએ માટે વાર્ષિક રૂ. ૧,૯૨,૦૦૦ નો ખર્ચ થાય છે જ્યારે બીકોમ, બીબીએ માં વાર્ષિક રૂ. ૩,૨૭,૦૦૦ ની ફી વિદ્યાર્થીઓએ ભરવી પડે છે. કોંગ્રેસના શાસન માં બનેલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક આશરે ૩૦૦૦ જેટલી રકમ માં વિદ્યાર્થીઓને ભણાવવા માં આવે છે. વિદ્યાર્થીનીઓ ને ટ્યુશન ફીસ પણ માફ કરવા માં આવી છે. વિદ્યાર્થીઓ ને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવા માં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જજ ની ફી નિયમન કમિટી ની નિમણુક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ. અલગ અલગ હેડ હેઠળ જે પ્રકારે ખાનગી ફી લેવાય છે તેના ઉપર અંકુશ લાવવો જરૂરી છે. સરકાર શું આ શિક્ષણ માફિયા બનેલ ખાનગી યુનિવર્સિટીઓ ઉપર અંકુશ લાવશે? ખાનગી યુનિવર્સિટી દ્વારા લેવાતી ફીની રકમ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકવી જોઈએ તેવી માંગ છે. વન મિલિયન ફી ક્લબ વાળી ખાનગી યુનિવર્સીટી નાં સત્તાધીશો થી સરકાર કેમ ગભરાય છે? શિક્ષણ માફીયાઓથી ગુજરાતની જનતાને બચાવવા તે સરકારની જવાબદારી હોવી જોઈએ પણ સરકાર શિક્ષણ માફીયાઓના ઘુટણીયે પડી હોય તેવુ લાગે છે. ખાનગી યુનિવર્સિટીઓ પાછળ ગુજરાતના મુખ્ય ઉદ્યોગપતિઓના હાથ હોવાથી સરકાર આંખો મીચીને વિદ્યાર્થીઓ-વાલીઓને લુંટાતા જોઈ રહી છે.
