ભારતના શહેરી સહકારી બેંકિંગ એટલે કે અર્બન કોઓપરેટિવ બેન્કિંગ (યુસીબી) ક્ષેત્રમાં ટેક્નોલોજી આધારિત પરિવર્તન, સાયબર રેઝિલિયન્સ અને સંસ્થાકીય ક્ષમતા નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલા તરીકે, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે યુસીબી ક્ષેત્રને મજબૂત બનાવવા માટેનો રોડમેપ રજૂ કર્યો. આ સાથે મુંબઈના બીએસઈ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે શહેરી સહકારી બેંકો માટેની અમ્બ્રેલા સંસ્થા નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NUCFDC)ની ડિજિટલ અને સંસ્થાકીય પહેલોની શ્રેણીનો પ્રારંભ કર્યો.
આ પહેલોમાં બેંક ઇન અ બોક્સનો પણ સમાવેશ થાય છે, જે યુસીબીને એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવેલું એક સંકલિત મેનેજ્ડ ટેક્નોલોજી પ્લેટફોર્મ છે. સમગ્ર ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અને સાયબર રેઝિલિયન્સને મજબૂત બનાવવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી છે. તેમજ ‘સહકાર CBS’ના પ્રારંભિક સ્વીકારક તરીકે છ યુસીબીનું સન્માન કરવામાં આવ્યું. સહકાર CBSએ શહેરી સહકારી બેંકો માટે એનયુસીએફડીસીનું કોર બેંકિંગ સોલ્યૂશન છે.
આ કાર્યક્રમ દરમિયાન “ઓપરેશનલ રિસ્ક મેનેજમેન્ટ એન્ડ રેઝિલિયન્સ”નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું. આ યુસીબી માટેની એક વ્યવહારુ હેન્ડબુક છે, જે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર અને વિજય કો-ઓપરેટિવ બેંક તથા અમદાવાદ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર શ્રી જી. પી. મિસ્ત્રી દ્વારા લખવામાં આવી છે.
શ્રી અમિત શાહે મુંબઈમાં એનયુસીએફડીસીની નવી કચેરીનું પણ ઉદ્ઘાટન કર્યું, જે સંસ્થાની સંસ્થાકીય સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. એનયુસીએફડીસીએ પોતાની રજિસ્ટર્ડ ઓફિસ દિલ્હીથી મુંબઈ ખસેડવાનો નિર્ણય લીધો છે, જે મુંબઈને શહેરી સહકારી બેંકો, સહકારી સંસ્થાઓ, નીતિ નિર્માતાઓ, ટેક્નોલોજી ભાગીદારો અને અન્ય હિતધારકો સાથેના તેના જોડાણ માટેના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. મુંબઈ સ્થિત નવી કચેરી એનયુસીએફડીસીની ક્ષેત્ર સાથે નજીકથી કામ કરવાની, સભ્ય બેંકોને સહાય પૂરી પાડવાની અને સંકલિત રીતે સમગ્ર ક્ષેત્રને આવરી લેતી પહેલોને આગળ ધપાવવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, સહકાર મંત્રાલયના સચિવ શ્રી આશિષ કુમાર ભુટાણી, આઈએએસ, સહકાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, દેશભરની શહેરી સહકારી બેંકોના અધ્યક્ષો, નિયામક મંડળના સભ્યો અને શેરધારકો, રાજ્ય સહકારી ફેડરેશનો અને જિલ્લા સહકારી બેંકોના પ્રતિનિધિઓ, નીતિ નિર્માતાઓ, નિયમનકારો, ટેક્નોલોજી ભાગીદારો અને અન્ય મુખ્ય હિતધારકો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત એનયુસીએફડીસીના ચેરમેન શ્રી જ્યોતિન્દ્ર એમ. મહેતાના સ્વાગત સંબોધનથી થઈ હતી. ત્યારબાદ એનયુસીએફડીસીની કોર્પોરેટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ટેક્નોલોજીથી સજ્જ, સુરક્ષિત અને ભવિષ્ય માટે તૈયાર શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્રનું નિર્માણ કરવાની સંસ્થાની દ્રષ્ટિ રજૂ કરવામાં આવી હતી.
સભાને સંબોધતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે: “એનયુસીએફડીસી શહેરી સહકારી બેંકોની બેંકિંગ સેવાઓને આધુનિક, પારદર્શક અને વિશ્વસનીય બનાવીને તેમને નવું જીવન આપશે. ટેક્નોલોજી, ડિજિટલ બેંકિંગ, સાયબર સુરક્ષા, ડિજિટલ ફોરેન્સિક્સ અને છેતરપિંડી તથા મ્યુલ એકાઉન્ટ્સની ઓળખ માટે મ્યુલહન્ટર જેવી એઆઈ આધારિત સિસ્ટમ્સના માધ્યમથી એનયુસીએફડીસી નાની બેંકોને પણ પરવડે તેવા ખર્ચે અદ્યતન બેંકિંગ ક્ષમતાઓ સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે. આનાથી બેંકિંગ સિસ્ટમની સુરક્ષા વધુ મજબૂત થશે, થાપણદારોનો વિશ્વાસ વધશે અને શહેરી સહકારી બેંકોને વધુ મજબૂત પાયા પર સ્પર્ધા કરવા માટે તૈયાર કરવામાં આવશે.”
એનયુસીએફડીસીના ચેરમેન શ્રી જ્યોતિન્દ્ર એમ. મહેતાએ શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે: “શહેરી સહકારી બેંકોની પાયાના સ્તરે મજબૂત હાજરી છે અને સમુદાયો, ઉદ્યોગસાહસિકો તથા સ્થાનિક અર્થતંત્રને સહયોગ આપવામાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત વધુ ટેક્નોલોજી આધારિત અને સમાવેશી નાણાકીય વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે, યુસીબીને વિકાસ કરવા, નવીનતા લાવવા અને વધુ કાર્યક્ષમતા તથા આત્મવિશ્વાસ સાથે તેમના ગ્રાહકોને સેવા આપવા માટે સજ્જ કરવી મહત્વપૂર્ણ છે. ક્ષેત્રને એકસાથે લાવવામાં, મોટા પાયે કામગીરીના લાભો મેળવવામાં અને યુસીબીને આધુનિક ક્ષમતાઓ સુધી પહોંચવામાં સક્ષમ બનાવવામાં એનયુસીએફડીસીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ ક્ષમતાઓ તેમની સંસ્થાઓને મજબૂત બનાવવામાં અને અર્થતંત્રમાં તેમના યોગદાનને વિસ્તૃત કરવામાં મદદરૂપ થશે. અમે આ પરિવર્તનને સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન અને ‘વિકસિત ભારત’ના વ્યાપક લક્ષ્યના મહત્વપૂર્ણ ભાગ તરીકે જોઈએ છીએ. એક મજબૂત, આધુનિક અને સમાવેશી સહકારી બેંકિંગ ક્ષેત્ર ભારતની વિકાસયાત્રામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.”
એનયુસીએફડીસીના સીઈઓ શ્રી પ્રભાત ચતુર્વેદીએ અમલીકરણના રોડમેપ અને કાર્યક્રમમાં શરૂ કરવામાં આવેલી પહેલો અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે: “આજે શરૂ કરવામાં આવેલી પહેલો યુસીબીને આધુનિક ટેક્નોલોજી અપનાવવા અને તેમની ઓપરેશનલ તથા સાયબર રેઝિલિયન્સને મજબૂત બનાવવા માટે એનયુસીએફડીસીના રોડમેપના મહત્વપૂર્ણ આધારસ્તંભો છે. ‘બેંક ઇન અ બોક્સ’ એક જ મેનેજ્ડ પ્લેટફોર્મ દ્વારા કોર બેંકિંગ, ડિજિટલ ચેનલ્સ, પેમેન્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સપોર્ટને એકસાથે લાવે છે. જ્યારે એનએફએસયુ સાથેની અમારી ભાગીદારી શેરડ-સર્વિસિસ મોડલ દ્વારા યુસીબીને વિશિષ્ટ સાયબર સુરક્ષા ક્ષમતાઓ સુધી પહોંચ પૂરી પાડશે.
પ્રથમ છ યુસીબી દ્વારા ‘સહકાર સીબીએસ’ અપનાવવું પણ સમગ્ર ક્ષેત્રમાં વધુ ટેક્નોલોજી સ્ટાન્ડર્ડાઇઝેશન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. એનયુસીએફડીસીએ પોતાની રજિસ્ટર્ડ ઓફિસ દિલ્હીથી મુંબઈ ખસેડવાનો નિર્ણય પણ લીધો છે, જે દેશના શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્ર સાથે વધુ નજીકથી જોડાણને મજબૂત બનાવશે.
સામૂહિક રીતે, આ પહેલો ટેક્નોલોજી અપનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં, ખર્ચની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં અને ઓપરેશનલ તથા સાયબર રેઝિલિયન્સને મજબૂત બનાવવામાં મદદ કરશે. આના પરિણામે તમામ કદની યુસીબી બદલાતી નિયમનકારી જરૂરિયાતોને પૂર્ણ કરી શકશે અને સુરક્ષિત, સરળ તથા ગ્રાહક-કેન્દ્રિત બેંકિંગ સેવાઓ પૂરી પાડી શકશે.”
