રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબસિડિયરી, સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીઝે સેલ-ફ્રી DNA (cfDNA) એનાલિસિસનો ઉપયોગ કરીને કેન્સરની વહેલી ઓળખ માટેના તેના ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મને આવરી લેતી ભારતીય પેટન્ટને મંજૂરી પ્રાપ્ત થયાની જાહેરાત કરી છે. આ પેટન્ટ ધરાવતું પ્લેટફોર્મ માત્ર લોહીના નમૂના પરથી જ કેન્સરની ઓળખ કરવા અને તે કયા ટિશ્યુમાંથી તેનો ઉદભવ થયો છે તેની ધારણા માટે માટે હાઈ-ક્વોલિટી સિક્વન્સિંગ, ચુસ્ત ગુણવત્તા નિયંત્રણ, બાયોલોજિકલી ઈન્ફોર્મ્ડ મિથેઈલેશન અને ફ્રેગમેન્ટોમિક ફિચર એક્સટ્રેક્શન ઉપરાંત મશીન લર્નિંગની એકસાથે પ્રસ્તુતિ કરે છે.
સમગ્ર જીનોમમાં મિથેઈલેશન પેટર્નમાં વ્યાપક ફેરફારો થવા એ કેન્સરની મુખ્ય લાક્ષણિકતા છે. આ પેટન્ટમાં અન્ય બાબતોની સાથે બીજી મહત્વપૂર્ણ નાવિન્યતા એ છે કે જીનોમ સિક્વન્સિંગનો ઉપયોગ કરીને લઘુતમ નુકસાન કે નિષ્ફળતા સાથે આ મિથેઈલેશન પેટર્નની પ્રાપ્તિ છે, જે કેન્સરની અત્યંત સંવેદનશીલ વહેલી ઓળખને સક્ષમ બનાવે છે.
એક અંદાજ મુજબ દર વર્ષે કેન્સરના 1.5 મિલિયન (15 લાખ)થી વધુ નવા કેસો નોંધાય છે, અને કમનસીબે મોટી સંખ્યામાં દર્દીઓનું નિદાન હજી પણ એડવાન્સ સ્ટેજમાં (બહુ પાછલા તબક્કામાં) થાય છે, જે સમયે સારવારના વિકલ્પો અત્યંત મર્યાદિત રહી ગયા હોય છે અને પરિણામો નોંધપાત્ર રીતે નબળા હોય છે. કેન્સરની વહેલી ઓળખ થવાથી આ નિદાનને પ્રારંભિક તબક્કામાં લાવી શકાય તેવી ક્ષમતા છે. હાલની માર્ગદર્શિકા-ભલામણ કરેલું સ્ક્રીનિંગ કેન્સરના માત્ર એક નાના અંશને જ આવરી લે છે અને તેને વ્યાપક સ્તરે વિસ્તારવું (સ્કેલ કરવું) સરળ નથી. સિક્વન્સિંગના ઘટતા ખર્ચ સાથે, આ પેટન્ટ ધરાવતું પ્લેટફોર્મ સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યા કર્યા વિના સંભવતઃ મોટાપાયે વહેલી ઓળખને સક્ષમ બનાવી શકે છે.
“કેન્સર એ ભારતના જાહેર આરોગ્યને લગતો સૌથી મોટો પડકાર બની રહ્યું છે, જેથી તેની વહેલી ઓળખ વધુને વધુ સુસંગત વિષય છે. આ પેટન્ટ વૈજ્ઞાનિક ઢબે સચોટ, AI-સક્ષમ લિક્વિડ બાયોપ્સી ટેકનોલોજી વિકસાવવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે જે માત્ર લોહીના એક સરળ નમૂનાથી જ કેન્સરની વહેલી ઓળખ કરવામાં મદદ કરી શકે છે. અમારું માનવું છે કે આ નવીનતા ચોક્કસ કેન્સર સ્ક્રીનિંગને વધુ સચોટ, વ્યાપક અને સુલભ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે,” એમ સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સના સીઈઓ (CEO) રમેશ હરિહરને જણાવ્યું હતું.
મંજૂર થયેલી આ પેટન્ટ કંપનીના લિક્વિડ બાયોપ્સી ક્ષેત્રના બૌદ્ધિક સંપદા (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી) પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે અને કેન્સરની વહેલી ઓળખ તથા પ્રિસિઝન ઓન્કોલોજી માટે એકીકૃત, AI-સક્ષમ મોલેક્યુલર અભિગમો વિકસાવવાની તેની વ્યૂહરચનાને બળ પૂરું પાડે છે.
