સનાતની આસ્થા,ભક્તિ,કથાનો સંગમ લઇને નવા વરસની યાત્રાનો દ્વારિકા નગરીથી થયો આરંભ
ચતુર્ભુજ-દ્વારકાધીશની ભુજાઓમાં રહેલા શંખ, ચક્ર,ગદા અને પદ્મ-વૈશ્વિક સ્વસ્તિકનું પ્રતીક છે.
કૃષ્ણએ પંચજન્યનો નાદ માત્ર યુદ્ધ માટે નહીં,પણ વિશ્વ બુદ્ધ બને એ માટે પણ કર્યો.
સાધુનાં વેણ,નેણ,લેણ અને દેણ વૈશ્વિક સ્વસ્તિક છે.
હવે બુધ્ધાય કૃતનિશ્ચય માટે નાદ થાય.
દરેક લાભ શુભ નથી હોતો,પણ નાનકડું શુભ અનંત લાભદાયી હોય છે.
મારું બળ રામાયણની પોથી છે.
——————————
મોરારિબાપુનાં શ્રીમુખે વિક્રમનાં નવા વરસની પહેલી,ક્રમમાં ૯૮૬મી,ભારત સ્વસ્તિક ટ્રેઇન યાત્રાનાં બીજા ચરણની યાત્રાનું શનિવાર સવારે રેલ્વે સ્ટેશન પર દ્વારિકા પુરીની સનાતન પીઠ,શારદાપીઠનાં શંકરાચાર્યજીનાં આશીર્વાદ તથા સ્વામી કેશવાનંદજી વગેરે દ્વારા લીલી ઝંડી સાથે પ્રસ્થાન થયું.
સાંજે કથા પ્રારંભે બીજ પંક્તિઓનું ગાન થયું:
मंगल भवन अमंगल हारी।
उमा सहित जेहि जपत पुरारी॥
मंगल भवन अमंगल हारी।
द्रवहु सो दसरथ अजिर बिहारी।
भनिति भदेस बस्तु भलि बरनी।
राम कथा जग मंगल करनी॥
सो बनु सैलु सुभायँ सुहावन।
मंगलमय अति पावन पावन॥
મંગલ પ્રારંભે પરાત્પર પરબ્રહ્મ,ષોડસ કલાપૂર્ણ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં,નાગેશ્વર ભગવાન,બેટ દ્વારકાનાં ઠાકોરનાં સ્વરૂપ અને અહીંનાં ઠાકોરજીને શૃંગાર કરી સેવા પૂજામાં રત બ્રહ્મસમાજ,પુરોહિતો, પૂજારીઓ,ગુગળી સમાજને પ્રણામ કરી,કેશવાનંદજી તથા મનોરથી પરિવાર પ્રતિ પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ કહ્યું કે આંગણામાં સાથિયો કરવા અડધી મિનિટ લાગે પણ વૈશ્વિક સાથિયો કરવો છે.આ સાથિયો વૈશ્વિક છે.એક રેખા દોરતા તેર દિવસ લાગ્યા.વચ્ચે ૨૨ દિવસ વીતી ગયા આજે દ્વારકાધીશની કૃપાથી જગદગુરુ આદિ શંકરાચાર્ય ભગવાને સવારે આશિષ આપ્યા કથાનાં આરંભમાં ફળ મળી ગયું!હવે એના રસને પીતાં-પીતાં આગળ વધવું છે.
આજે દ્વારકાધીશનું ધ્વજારોહણ વિશેષ હતું. રણછોડરાયનું પદ નાચવા મજબૂર કરી ગયું. દ્વારકાધીશ ચતુર્ભુજ છે.એની ભુજાઓમાં ચાર વસ્તુ શંખ,ચક્ર ગદા અને પદ્મ-આ વૈશ્વિક સ્વસ્તિકનું પ્રતીક છે.
ચતુર્ભુજનાં સ્વરૂપમાં ચાર વસ્તુ વૈશ્વિક સ્વસ્તિક છે. શંખ-નાદનું પ્રતીક છે.શંખનો રંગ શ્વેત છે.આપણું કલ્યાણ કરનાર કોઈ નાદ,કોઈ અવાજ,કોઈ સૂર હોય.એક નાદ પણ કલ્યાણ કરશે.
મહાભારત કાળમાં બધાએ શંખનાદ કર્યો પણ કૃષ્ણએ પંચજન્યનો નાદ માત્ર યુદ્ધ માટે નહીં,પણ વિશ્વ બુદ્ધ બને એ માટે પણ કર્યો.
હવે બુધ્ધાય કૃતનિશ્ચય માટે નાદ થાય.
ચક્ર-ગતિનું પ્રતીક છે.માણસ સતત ગતિ કરે કલ્યાણ કારી ગતિ ઉર્ધ્વગમન પણ પ્રદાન કરે છે.
ગદા-બળનું પ્રતિક છે.આત્મબળ,પ્રાણબળ,ભજન બળ.
સારો નાદ,સારી ગતિ,આત્મબળ-આ બધું હોય પણ પદ્મ ન હોય તો સ્વસ્તિક વૈશ્વિક નહીં બને.ઘણા લોકો પાસે બળ છે,કોલાહલ પણ ખૂબ છે,ગતિ પણ છે.પણ કલ્યાણકારી નાદ નથી.
લાભ માટે બધા જ ગતિ કરે છે,શુભ માટે નહીં.
આજે જ્ઞાન પંચમી છે.દરેક લાભ શુભ નથી હોતો, પણ નાનકડું શુભ અનંત લાભદાયી હોય છે.
પ્રાર્થના કરીએ કે બધાનું શુભ થાય.
પદ્મનો અર્થ છે-અસંગતા.
બળ અસંગ બને ત્યારે ધન્ય બને.અહંકાર મુક્ત બને અહંકાર મુક્ત ગતિ સુદર્શનીય હોય છે.
આજની યુવા પેઢીમાં વિનય,વિનમ્રતા જોઉં ત્યારે વિશ્વ મંગળની નિશાની દેખાય છે.
મનમાં સાથિયો રમે છે એ આ બધા સાથીઓને કહી રહ્યો છું! સાથિયો કરવામાં વાર એટલે લાગે છે મારે શ્રોતાઓના દિલમાં સ્વસ્તિક નિશાન કોતરવું છે.
દરેક વ્યક્તિના દિલમાં વિશ્વ કલ્યાણ,યુદ્ધ નહીં પણ બુદ્ધ,દિવ્ય ગતિ અને દરેક વ્યક્તિનું બળ કલ્યાણકારી હોય.મારું બળ રામાયણની પોથી છે.
બાલકાંડનાં મંગલાચરણની નવ વંદનાઓમા પહેલી ચાર અને છેલ્લી ચાર વંદના સ્વસ્તિક પ્રતિ સંકેત કરે છે.વાણી,વિનાયક,શ્રધ્ધા અને વિશ્વાસનાં કેન્દ્રમાં ગુરુ હોવો જોઇએ.
મનુસ્મૃતિની અત્યારે ખૂબ જ ટીકાઓ થઈ રહી છે ત્યારે કોઈ સમજતું હોય એની પાસે જઈ અર્થ શોધવાની વાત કરતા બાપુએ કહ્યું નારી શબ્દને લઈને ખૂબ જ ટીકાઓ થઈ રહી છે પણ તુલસીજીએ આરંભ જ નારી શબ્દની વંદનાથી કર્યો.
સાધુનાં વેણ,નેણ,લેણ અને દેણ વૈશ્વિક સ્વસ્તિક છે.
મંગલાચરણ,વંદનાઓ,પંચદેવોની પૂજા પધ્ધતિ સમજાવી ગુરુવંદના તથા હનુમંત વંદના બાદ આજે કથાને વિરામ અપાયો.
Box
કથા-વિશેષ:
ભારત માતાનાં નકશામાં સ્વસ્તિક રચવા જઇ રહેલી યાત્રાનું પહેલું ચરણ કાલડીથી કેદાર પુરું થયું.
બીજું ચરણ પશ્ચિમ(શારદામઠ-દ્વારકા પીઠ-સ્વામી સદાનંદ સરસ્વતીજી)થી પૂર્વ(ગોવર્ધન મઠ-જગન્નાથ પુરી સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી,જે ૧૪૫માં શંકરાચાર્ય છે)ને જોડે છે.
જગદ્ગુરુ આદિ શંકરાચાર્યજીની સનાતની ધારાની ચાર પીઠને જોડતી યાત્રા બે વિશેષ ટ્રેઇન દ્વારા થઇ રહી છે.
બીજા ચરણનાં સ્વસ્તિકમાં પૂર્ણ પુરુષોત્તમ, રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણ ભૂમિ-દ્વારિકા પુરીથી નીલાચલ વાલે ભગવાન શ્રી જગન્નાથની નગરી ઓરિસ્સાનાં જગન્નાથ પુરી સુધી ચાલશે.
આ યાત્રામાં દરરોજ તલગાજરડી વ્યાસપીઠ વિશેષ ધર્મસ્થાન પર માનસ ગુણાનુવાદ કરતી આગળ વધશે.
દ્વારિકાથી શરૂ થઇ સોમનાથ,ડાકોર,મહાકાલની નગરી ઉજ્જૈન,નાગપુર,મહાપ્રભુજીનાં ચંપારણ્ય,
માયાપુર,મહાકાલીનું કોલકાતા,જગન્નાથ પુરી-આમ નવ દિવસ કથાગાન થશે.
૧૪થી ૨૨ નવેમ્બરનાં આ યાત્રા પ્રવાસમાં સમય મળે એમ રેલવે સ્ટેશનો પર પ્રેમસભાઓ,સાક્ષાતકાર-ઇન્ટર્વ્યૂઓ પણ થતાં રહેશે.
આ યાત્રામાં ૩૪૦૪ કિમીથી વધારે અંતર કપાશે.
જેમાં ગુજરાત,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર,છત્તીસગઢ, પશ્ચિમ બંગાલ,ઓડિશા એમ છ રાજ્યોનો સમાવેશ થાય છે.
Box
રામકથાની સાથે-સાથે:
સોમનાથ:બીજા દિવસ રવિવારે જ્યાં કથાગાન થશે
સૌરાષ્ટ્રે સોમનાથં ચ…દ્વાદશ જ્યોતિર્લિંગોમાંનું સર્વ પ્રથમ જ્યોતિ સ્વરૂપ બિરાજમાન છે.
હિન્દ મહાસાગરનાં વારિ દાદાનાં ચરણ પખાળે છે.
સ્કંદ પુરાણ તથા અન્ય ગ્રંથોની માન્યતા મુજબ આ મંદિરની સ્થાપના સ્વયં ચંદ્રદેવે(સોમ) રાજા દક્ષનાં શ્રાપની મુક્તિ માટે કરી.
સતયુગમાં આ સોનાનુ,ત્રેતાયુગમાં ચાંદીનું,દ્વાપરમાં ચંદન કાષ્ઠનું પછી સોલંકી રાજાઓએ પથ્થરોથી નિર્મિત કર્યું
અહીં કપિલા,હિરણ અને સરસ્વતી નદીઓનો ત્રિવેણી સંગમ છે
ઇતિહાસ મુજબ મહમૂદ ગઝનવી(૧૦૨૫-૧૦૨૬)એ આક્રમણ કરી અપાર સંપત્તિ લૂંટી મંદિરને ભયંકર નુકશાન કર્યું
૧૨૯૭માં નુસરત ખાન,૧૩૯૫માં મુઝફ્ફર શાહ,૧૪૧૨માં અહમદશાહન અને ઔરંગઝે(૧૬૬૫ અને ૧૭૦૬) લૂંટ્યું
૧૭૮૩માં ઇંદોરનાં મહારાણી અહિલ્યાબાઇ હોલકરે પૂજા માટે નવું મંદિર બનાવ્યું
ભારતની સ્વતંત્રતા પછી ગૃહમંત્રી સરદાર પટેલે સોમનાથ પુન:નિર્માણનો સંકલ્પ કર્યો
૮ મે ૧૯૫૦માં વર્તમાન મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું,૧ ડીસેમ્બર ૧૯૫૫માં ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે આ નવ સોમનાથ રાષ્ટ્રને સમર્પિત કર્યું
આ ભવ્ય મંદિર ચાલુક્ય શૈલી(મારુ-ગુર્જર વાસ્તુકલા)થી બનેલું છે.
== સમાપ્ત ==
