ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આજે ભાજપના નેતાઓએ પોતાની નિષ્ફળતા બદલ શરમ અનુભવવી જોઈએ, પરંતુ તેઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે. ભાજપની ડબલ એન્જિન સરકારના શાસનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક વખત પેપર લીક થયા, પરીક્ષાઓ રદ થઈ અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં થયા છે. તાજેતરમાં નીટ પરીક્ષા પેપર લીકની ઘટનાએ સમગ્ર દેશના યુવાનોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. ભાજપના મળતિયાઓએ સમગ્ર પરીક્ષા પદ્ધતિ, ભરતી પ્રક્રિયા અને શિક્ષણ વ્યવસ્થાને ભ્રષ્ટ બનાવી દીધી છે. જેના કારણે લાખો પરીક્ષાર્થીઓ આજે પોતાના ભવિષ્ય અંગે ચિંતિત છે અને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને ન્યાયની માંગ કરી રહ્યા છે.
કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા “છાત્ર ગુંજ” અભિયાનના માધ્યમથી વિદ્યાર્થીઓના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં આવ્યા છે. આજે દેશનો એક-એક વિદ્યાર્થી, એક-એક પરિવાર અને દરેક જાગૃત નાગરિક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યો છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે દરેક મુદ્દે ભાષણો કરે છે, તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નો, પરીક્ષા કૌભાંડો અને આત્મહત્યાની દુઃખદ ઘટનાઓ અંગે એક શબ્દ પણ બોલતા નથી. તેમણે કહ્યું કે દેશભરમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો ચિંતાજનક છે, છતાં કેન્દ્ર સરકાર મૌન છે.
દિલ્હીના જંતર-મંતર ખાતે પોતાના અધિકાર માટે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના બદલે તેમના પર બર્બરતા પૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો. નાની-નાની વિદ્યાર્થીનીઓને ઢસડીને મારવામાં આવી, ઘાયલ વિદ્યાર્થીઓને મદદ કરવાના બદલે તેમના પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. લોકશાહી દેશમાં વિદ્યાર્થીઓ સાથે થયેલો આ વ્યવહાર અત્યંત નિંદનીય અને કલંકરૂપ છે.
લોકસભાના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેએ સંસદમાં પરીક્ષા કૌભાંડ, પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નો પર ચર્ચાની માંગ કરી ત્યારે સરકારે તે નકારી દીધી. ત્યારબાદ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ વડાપ્રધાનના નિવાસસ્થાને જઈ ધરણા કર્યા, પરંતુ સરકાર દ્વારા ચર્ચા કરવાના બદલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને રસ્તા પર ઢસડીને અટકાયત કરવામાં આવી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો.
આજે સમગ્ર દેશના લોકો વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર અને પરીક્ષા વ્યવસ્થાના ભ્રષ્ટાચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબ માંગે છે. તેમણે માંગ કરી કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરનાર અધિકારીઓ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ પેપર લીક, પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને શિક્ષણ ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે સંસદમાં વિસ્તૃત ચર્ચા થવી જોઈએ.
ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ અને વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ બાદ પીડિત પરિવારોને સાંત્વના આપવાના બદલે ભાજપના નેતાઓ રાજકીય દેખાવા કરી રહ્યા છે. તેમણે પોતાની જવાબદારી સ્વીકારીને આવી ઘટનાઓ ફરી નહીં બને તેની ખાતરી આપવી જોઈએ હતી, પરંતુ આજે તેઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે.
“આવનારા દિવસોમાં લખી રાખજો, જે રીતે નેપાળમાં ભ્રષ્ટ શાસકોને જનતાએ રસ્તા પર દોડાવી દોડાવીને માર્યા હતા અને સત્તા છોડવા માટે મજબૂર કર્યા હતા, તેવી નવી ક્રાંતિની શરૂઆત દિલ્હી જંતર-મંતરથી થઈ ચૂકી છે. સમગ્ર દેશના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી જવાબ માંગશે. વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી થશે અને ગુજરાતની ગલી-ગલી સુધી કોંગ્રેસ આ લડતને લઈ જશે.”
કોંગ્રેસ પાર્ટી વિદ્યાર્થીઓના અવાજ, તેમની પીડા અને ન્યાયની લડાઈમાં તેમની સાથે મજબૂતીથી ઊભી રહેશે. શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી આ લડતને તેમણે “નવી આઝાદીની લડાઈ” ગણાવતા કહ્યું કે જેમ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડી હતી, તેમ આજે અન્યાય, ભ્રષ્ટાચાર અને દમન સામે લોકશાહી રીતે સંઘર્ષ કરવા દેશના લોકો રસ્તા પર ઉતર્યા છે. વિદ્યાર્થીઓના હક્કો, પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને શિક્ષણમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા કોંગ્રેસ પાર્ટી સતત લડત ચાલુ રાખશે.
રાજીવ ગાંધી ભવન સતત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહી “ભાજપા શરમ કરો”, “પેપરલીક મુદ્દે શિક્ષણ પ્રધાન રાજીનામું આપો”, “વિદ્યાર્થીઓના બર્બરતા પૂર્વક લાઠીચાર્જ બદલ માફી માંગે” ભારે સૂત્રોચ્ચાર કરીને ભાજપાના વિદ્યાર્થી વિરોધી – યુવા વિરોધી – લોકતંત્ર વિરોધી ચહેરાને ઉજાગર કર્યા હતા.
