અમદાવાદ, ગુજરાત | ૧૮ ઓક્ટોબર ૨૦૨૬ | નવરાત્રીના ઉત્સાહને પર્યાવરણીય જવાબદારી સાથે જોડીને, ‘યંગ ઇન્ડિયન્સ’ એટલે કે Yi અમદાવાદે 15 ઓક્ટોબરના રોજ જાણીતા કલાકાર ધ્રુવિશ શાહ સાથે ‘Yi ગરબા 2026’નું આયોજન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ એક સરળ છતાં અર્થપૂર્ણ વિચાર સાથે તૈયાર કરવામાં આવ્યો હતો: “ગરબા રમવા આવો, અને પાછળ કંઈક સારું મૂકીને જાઓ.”
આ અંગે અમદાવાદના ચેર, શ્રી દર્શન પરીખે જણાવ્યું હતું કે, “પરંપરાગત ગરબા ઉત્સવને સકારાત્મક પ્રભાવ પાડવાની તક તરીકે રજૂ કરીને, Yi અમદાવાદે સમુદાયને ‘સભાનતાપૂર્વક ઉજવણી’ કરવાના વિચાર સાથે એકત્રિત કર્યા છે.” આ પહેલ દર્શાવે છે કે સાંસ્કૃતિક ઉત્સવો માત્ર સંગીત, નૃત્ય અને આનંદ સુધી સીમિત ન રહેતા, પૃથ્વી અને સમાજ માટે વધુ જવાબદાર અને સભાન નિર્ણયો લેવા માટે પણ પ્રેરણા આપી શકે છે.
“નૃત્ય કરો, ઉજવણી કરો અને સમાજને કંઈક પાછું આપો” Dance, Celebrate & Give Back – આ થીમ સાથે, ‘Yi ગરબા 2026’એ વિવિધ સભાન પહેલો દ્વારા ટકાઉપણુંને પ્રોત્સાહન આપ્યું. જેમાં ગરબા પાસ સાથે વૃક્ષારોપણ, ‘ઝીરો-વેસ્ટ’ (કચરો મુક્ત) ઉજવણી પ્રત્યે પ્રતિબદ્ધતા, ઈ-વેસ્ટનું જવાબદારીપૂર્વક રિસાયક્લિંગ, વપરાયેલી ઘરવખરીની વસ્તુઓ એકત્રિત કરીને તેને નવું જીવન આપવું, અને વધારાના ખોરાકનું યોગ્ય વિતરણ કરવું – જેથી સારો ખોરાક બગડવાને બદલે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી શકે – જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો.
આ પહેલ Yi અમદાવાદના એ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે નાના, સામૂહિક પ્રયાસો પણ મોટો અને અર્થપૂર્ણ બદલાવ લાવી શકે છે. Yi અમદાવાદના કો-ચેર, સુશ્રી બીજલ દેસાઈએ જણાવ્યું હતું કે, “એક અત્યંત પ્રિય સાંસ્કૃતિક ઉત્સવમાં ટકાઉપણાના ખ્યાલને વણી લઈને, ‘Yi ગરબા’નો ઉદ્દેશ્ય સહભાગીઓને નવરાત્રીની નવ રાતો પછી પણ ‘સભાન જીવનશૈલી’ જાળવી રાખવા માટે પ્રેરિત કરવાનો હતો.”
આ ઉજવણીએ એ વાતની યાદ અપાવી કે પરંપરાઓ પણ એક ઉમદા હેતુ સાથે વિકસી શકે છે. તહેવારોને ખાસ બનાવતા આનંદ અને એકતાને જાળવી રાખીને પણ, દરેક વ્યક્તિ વધુ ટકાઉ અને જવાબદાર ભવિષ્યના નિર્માણમાં યોગદાન આપી શકે છે.
‘Yi ગરબા 2026’ દ્વારા, Yi અમદાવાદે સમુદાય-આધારિત પહેલો શરૂ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. આ પહેલો ઉજવણી અને જવાબદારીનો સમન્વય સાધે છે, અને લોકોને આનંદ સાથે નાચવા, સભાનતા સાથે ઉજવણી કરવા તથા સમાજને અર્થપૂર્ણ રીતે કંઈક પાછું આપવા માટે પ્રોત્સાહિત કરે છે.
== સમાપ્ત ==
